News In Shorts : ટ્રમ્પે બંધ કરી દીધાં NASAનાં બે મિશન, ફ્રાન્સનાં જંગલોની આગમાં પૅરિસ શહેર જેટલો હરિયાળો વિસ્તાર બળીને ખાખ, વધુ સમાચાર
પ્રતીકાત્મક તસવીર
ગઈ કાલે તાતા કન્સલ્ટન્સી સર્વિસિસ (TCS)એ જાહેર કર્યું હતું કે કંપની એના મિડિયમથી જુનિયર લેવલ સુધીના કર્મચારીઓ માટે પગારવધારો કરવાની છે. આ પગારવધારાનો લાભ એના લગભગ ૮૦ ટકા જેટલા કર્મચારીઓને મળશે. પહેલી સપ્ટેમ્બર ૨૦૨૫થી આ પગારવધારો લાગુ થઈ જશે એવું પણ કંપનીના પ્રતિનિધિ દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું.
નોંધનીય છે કે થોડા દિવસ પહેલાં જ TCSએ ૧૨,૦૦૦થી વધુ કર્મચારીઓની છટણી કરવાની જાહેરાત કરી હતી. એના થોડા દિવસ પછી ૮૦ ટકા જેટલા કર્મચારીઓના પગારવધારાની આ જાહેરાત આવી છે.
ADVERTISEMENT
ટ્રમ્પે બંધ કરી દીધાં NASAનાં બે મિશન
હવે સૅટેલાઇટ પરથી નહીં ખબર પડે કે કેટલું પ્રદૂષણ ફેલાઈ રહ્યું છે

અમેરિકાએ નૅશનલ ઍરોનૉટિક્સ અને સ્પેસ ઍડ્મિનિસ્ટ્રેશન (NASA)નાં બે મોટાં મિશનનું ફન્ડિંગ રોકી દીધું છે. આ મિશન પૃથ્વી પર કાર્બન ડાયોક્સાઇડ અને હવામાં ફેલાતા ઝેરી વાયુઓના પ્રમાણ પર નજર રાખતું હતું અને વૃક્ષો અને પાકોની સેહતની નિગરાની કરતું હતું. ઑર્બિટિંગ કાર્બન ઑબ્ઝર્વેટરી મિશનથી સૅટેલાઇટ દ્વારા ખબર પડતી હતી કે પૃથ્વી પર કઈ જગ્યાએ કાર્બન ડાયોક્સાઇડ જેવા ખતરનાક ગૅસ બને છે. આ પૃથ્વી પર બદલાઈ રહેલા જળવાયુ પરિવર્તનને સમજવામાં પણ બહુ મહત્ત્વનું મિશન હતું.
ફ્રાન્સનાં જંગલોની આગમાં પૅરિસ શહેર જેટલો હરિયાળો વિસ્તાર બળીને ખાખ

ફ્રાન્સના દક્ષિણ વિસ્તારમાં આવેલાં જંગલોમાં ભયાનક આગ ફાટી નીકળી હતી. આગને કાબૂમાં લેવા માટે વિમાનમાંથી કેમિકલ છાંટવામાં આવ્યાં હતાં. પાંચમી ઑગસ્ટથી શરૂ થયેલી આ આગમાં ૨૪ કલાકમાં જ ૧૬,૦૦૦ હેક્ટર જેટલો વન્યવિસ્તાર બળીને ખાખ થઈ ગયો હતો. એક અંદાજ પ્રમાણે આ વિસ્તાર સમગ્ર પૅરિસ જેટલો થાય. આ આગમાં ૨૫ જેટલાં ઘરમકાનો અને ૩૫ જેટલાં વાહનો પણ બળી ગયાં હતાં.
સુરતમાં ૧૩૦૦ વિદ્યાર્થીઓએ બનાવી ૧૯૦ ફુટ બાય ૭૫ ફુટની માનવ-પ્રતિકૃતિરૂપ રાખડી
સુરતમાં આવેલા શ્રી સ્વામીનારાયણ ગુરુકુળના પાંચમા ધોરણથી અગિયારમા ધોરણના ૧૩૦૦ વિદ્યાર્થીઓએ ૧૯૦ ફુટ બાય ૭૫ ફુટની વિશાળ માનવ-પ્રતિકૃતિરૂપ રાખડી બનાવી હતી. દેશ માટે બલિદાન આપનારા વીર જવાનો તથા પહલગામના હુમલામાં પોતાના ભાઈઓને ગુમાવનારી બહેનોને આ વિશાળ રાખડી અર્પણ કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓને અલગ-અલગ પાંચ રાઉન્ડમાં જુદા-જુદા કલરનાં શર્ટ અને ટી-શર્ટ પહેરાવીને બેસાડ્યા હતા. રાખડીની વચ્ચે સ્વસ્તિકનું ચિહ્ન બનાવ્યું હતું અને એના ચાર ખાનાંમાં ચાર વિદ્યાર્થીઓને જવાનના ડ્રેસમાં હાથમાં તિરંગો લઈને ઊભા રાખ્યા હતા. આ વિશાળ માનવ-પ્રતિકૃતિરૂપ રાખડીએ આકર્ષણ ઊભું કર્યું હતું.
પ્રભાદેવીમાં કન્ટેનર બસ-સ્ટૉપ સાથે અથડાયું


પ્રભાદેવીમાં એક ફાઇવસ્ટાર હોટેલમાં માલ સપ્લાય કરવા આવેલા મોટા કન્ટેનરના ડ્રાઇવરે એક સાઇડથી બીજી સાઇડ જતી વખતે જજમેન્ટ ગુમાવી દેતાં કન્ટેનર એની લંબાઈને કારણે ટર્ન લઈ શકે એમ જ નહોતું એટલે એ વખતે એ સામે આવેલા બસ-સ્ટૉપ સાથે અથડાઈ ગયું હતું. આ ઘટનામાં કોઈને ઈજા થવાના અહેવાલ નથી, પણ એને કારણે લાંબા સમય સુધી ટ્રાફિક જૅમ થઈ ગયો હતો.
વિશ્વનો સૌથી ઇન્ટેલિજન્ટ રોબો પણ જોવા મળશે ચીનમાં

ચીનના બીજિંગમાં આજથી શરૂ થનારા રોબો મૉલમાં આલ્બર્ટ આઇન્સ્ટાઇન જેવો દેખાતો હ્યુમનૉઇડ રોબો રજૂ થયો છે. આ રોબો વિશ્વનો સૌથી ઇન્ટેલિજસ્ટ હોવાનો દાવો થઈ રહ્યો છે.
ટેક્નિકલ ખામીને કારણે અમેરિકામાં ૧૦૦૦થી વધુ ફ્લાઇટ્સ મોડી પડી
બુધવારે સાંજે અચાનક અમેરિકામાં યુનાઇટેડ ઍરલાઇન્સની સેંકડો ફ્લાઇટ્સ કૅન્સલ કરવી પડી હતી અને ૧૦૦૦ જેટલી ફ્લાઇટ્સ મોડી પડતાં એવિયેશન ક્ષેત્રમાં હડકંપ મચી ગયો હતો. છઠ્ઠી ઑગસ્ટે યુનાઇટેડ ઍરલાન્સની સિસ્ટમ ઠપ થઈ જતાં જમીન પર મોજૂદ તમામ ફ્લાઇટ્સ જ્યાંની ત્યાં જ રોકાઈ ગઈ હતી અને નવી ફ્લાઇટ્સ ઊપડી જ શકી નહોતી. જોતજોતામાં લગભગ ૧૦૦૦ ફ્લાઇટ્સ પર એની અસર થઈ હતી. યુનાઇટેડ ઍરલાઇન્સે કહ્યું હતું કે ‘બુધવારે સાંજે ૬.૧૨ વાગ્યે યુનિમૅટિક સિસ્ટમમાં ટેક્નિકલ ખરાબીને કારણે કામગીરી ઠપ થઈ ગઈ હતી. એને કારણે અનેક ફ્લાઇટ્સ રદ કરવી પડી હતી અને ૧૦૦૦ જેટલી ફ્લાઇટ્સ મોડી પડી હતી.’
આજકાલ એવિયેશન ઇન્ડસ્ટ્રીમાં સાઇબર અટૅકનો ભય માથે તોળાઈ રહ્યો છે ત્યારે યુનાઇટેડ ઍરલાઇન્સે સ્પષ્ટતા કરી હતી કે આ સાઇબર અટૅક નહીં, ટેક્નિકલ ખામી હતી. જોકે ઍરલાઇન્સ પાસે એ જવાબ નહોતો કે ઍરલાઇનની યુનિમૅટિક સિસ્ટમમાં ખરાબી કેમ આવી હતી.


