Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ન્યૂઝ શોર્ટમાં: ખાડામુક્ત કે ખાડાયુક્ત મુંબઈ?

ન્યૂઝ શોર્ટમાં: ખાડામુક્ત કે ખાડાયુક્ત મુંબઈ?

Published : 22 July, 2026 07:42 AM | Modified : 22 July, 2026 07:52 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મોટરિસ્ટોએ એના કારણે હેરાનગતિ ભોગવવી પડે છે. 

તસવીરઃ સતેજ શિંદે

તસવીરઃ સતેજ શિંદે


મુંબઈના રસ્તાઓને ખાડામુક્ત કરવાના બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ના પ્લાન અને એલાન વચ્ચે અંધેરી (વેસ્ટ)ના શાસ્ત્રીનગરના પુરુષોત્તમ ટંડન માર્ગ પર રુણવાલ એલિગન્ટ બિલ્ડિંગની સામે રોડ પર મોટો ખાડો પડ્યો છે અને મોટરિસ્ટોએ એના કારણે હેરાનગતિ ભોગવવી પડે છે. 

HPCL લાવશે સ્માર્ટ LPG સિલિન્ડર, લીક થશે તો અલર્ટ મળશે



હિન્દુસ્તાન પેટ્રોલિયમ કૉર્પોરેશન લિમિટેડ (HPCL) ઇન્ટરનેટ ઑફ થિંગ્સ (IoT) આધારિત ટેક્નૉલૉજી સાથે હવે સ્માર્ટ લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગૅસ (LPG) સિલિન્ડર રજૂ કરવાની યોજના ધરાવે છે. આ મુદ્દે કંપનીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ધ્રુવ કપિલે જણાવ્યું હતું કે આ સિલિન્ડરોનું સતત મૉનિટરિંગ થશે, એમાં લીક અલર્ટ્‍સ હોવાથી સૂચના તાત્કાલિક મળશે. આ સિલિન્ડરો આધુનિક સલામતી વ્યવસ્થાપન જેવી સુવિધાઓ પ્રદાન કરશે. દરેક LPG સિલિન્ડર સાથે લીક ડિટેક્શન સેન્સર આપવામાં આવશે.


LIC પાસે ૭૩૧૮+ કરોડ અને EPFO પાસે ૯૩૩૦+ કરોડ લાવારિસ પડ્યા છે

કેન્દ્રીય નાણા રાજ્ય પ્રધાન પંકજ ચૌધરીએ લોકસભામાં એક સવાલના લેખિત જવાબમાં જણાવ્યું હતું કે ૩૧ માર્ચ, ૨૦૨૬ સુધીમાં લાઇફ ઇન્શ્યૉરન્સ કૉર્પોરેશન (LIC) ઑફ ઇન્ડિયા પાસે ૭૩૧૮.૫ કરોડ રૂપિયાની રકમ છે જેના પર કોઈ દાવો કરવામાં આવ્યો નથી. આમાં પૉલિસીધારકોના ૫૫૬૪.૫૫ કરોડ રૂપિયા અને આ દાવા વગરની રકમ પર ઉપાર્જિત ૧૭૫૩.૯૫ કરોડ રૂપિયાના વ્યાજનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ૯૩૩૦.૫૬ કરોડ રૂપિયા નિષ્ક્રિય એમ્પ્લૉઈઝ પ્રોવિડન્ટ ફન્ડ ઑર્ગેનાઇઝેશન (EPFO)નાં ખાતાંઓમાં પડેલા છે.


કેતન અગ્રવાલ મર્ડરકેસમાં હવે કંઈક નવું આવ્યું: કેતનને મારવા નહીં પણ ગંભીર રીતે ઘાયલ કરવા માગતાં હતાં સિયા અને ચેતન

પુણેના બિઝનેસમૅન કેતન અગ્રવાલની હત્યાના કેસમાં હવે નવા ખુલાસા થઈ રહ્યા છે. કેતનની હત્યા કરવાનો નહીં પણ તેને ગંભીર રીતે જખમી કરવાનો પહેલાં પ્લાન હતો. એ માટે કોને સુપારી આપવી એ વિશે સિયા અને ચેતનની વચ્ચે વાતચીત થઈ હતી એવું બહાર આવ્યું છે. ઍક્સિડન્ટ કરીને, જખમી કરીને તેને લૂંટવાનું કામ કોણ કરી શકશે એ વિશે સિયા અને ચેતન વચ્ચે વાત થઈ હોવાનું બહાર આવ્યું છે. તેમના પર શંકા ન જાય એ માટે ઍક્સિડન્ટ કરવો, તેને લૂંટી લેવો અને તેની મારઝૂડ કરીને તેને ઘાયલ કરવો એવા વિકલ્પો પર પણ સિયા અને ચેતન વચ્ચે ચર્ચાઓ થઈ હતી. એટલું જ નહીં, બાલીમાં પ્રી-વેડિંગ શૂટ પણ કઈ રીતે કૅન્સલ થઈ શકે એ માટે પણ તેમણે ચર્ચા કરીને કાવતરું ઘડ્યું હતું.

BESTને ધરમ કરતાં ધાડ પડી, બાઇકરને બચાવવા જતાં ડિવાઇડર પર બસ ચડી ગઈ

બોરીવલી-ઈસ્ટમાં દૌલતનગર નજીક સોમવારે રાત્રે ૧૧.૩૦ વાગ્યે બૃહન્મુંબઈ ઇલેક્ટ્રિસિટી સપ્લાય ઍન્ડ ટ્રાન્સપોર્ટ (BEST) અન્ડરટેકિંગની બસના ડ્રાઇવરે એક મોટરસાઇકલ ચલાવનારનો જીવ બચાવવા માટે બસને અચાનક જમણી બાજુએ વાળી હતી. આ ઘટનામાં બાઇક ચલાવનાર તો બચી ગયો હતો, પરંતુ બસ ડિવાઇડર પર ચડી ગઈ હતી. જોકે આ ઘટનામાં બસના ડ્રાઇવર કે અન્ય કોઈને ઈજા થઈ નહોતી.

કલવામાં રેલવેના કારશેડમાંથી મળ્યો મૃતદેહ

થાણેના કલવામાં રેલવેના કારશેડ પરિસરમાંથી ૩૬ વર્ષના પુરુષનો મૃતદેહ મળી આવ્યો હતો. મંગળવારે સવારે મળી આવેલો આ મૃતદેહ નરેન્દ્ર સોનકર નામના કલવાની શાંતિનગર ચાલના રહેવાસીનો હોવાની માહિતી પોલીસે આપી હતી. સવારે ૮.૫૪ વાગ્યે થાણે મ્યુનિસિપલ કૉર્પોરેશનના રીજનલ ડિઝૅસ્ટર મૅનેજમેન્ટ સેલ (RDMC)ને આ વિશે માહિતી મળતાં જ રેસ્ક્યુ ટીમ તાત્કાલિક ત્યાં પહોંચી હતી. રેલવેના કારશેડમાં જે જગ્યાએ પાણી ભરાઈ ગયાં હતાં ત્યાં મૃતદેહ પડેલો હોવાનું પોલીસે જણાવ્યું હતું. આ વિશે કલવા પોલીસે મૃતદેહનો કબજો લઈ આકસ્મિક મૃત્યુનો કેસ નોંધીને વધુ તપાસ શરૂ કરી હતી.

હવેથી કર્ણાવતી એક્સપ્રેસ ઊભી રહેશે નવસારી: બોરીવલી–વલસાડ મેમુ ટ્રેન સુરત સુધી લંબાવી

મુંબઈ-અમદાવાદ વચ્ચે દોડતી કર્ણાવતી એક્સપ્રેસ હવેથી નવસારી સ્ટેશને ઊભી રહેશે. આ ઉપરાંત બોરીવલી–વલસાડ મેમુ ટ્રેનને સુરત સુધી લંબાવવામાં આવી છે. મુંબઈ સેન્ટ્રલથી ઊપડતી કર્ણાવતી એક્સપ્રેસ ૩૧ જુલાઈ સુધી બાંદરાથી દરરોજ બપોરે ૧.૫૫ વાગ્યે ઊપડશે. નવસારીમાં એના સ્ટૉપની વિગતો ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. રોજ સવારે ૭.૨૦ વાગ્યે બોરીવલીથી ઊપડતી બોરીવલી–વલસાડ મેમુ ટ્રેન હવે બોરીવલીથી સવારે ૭.૧૦ વાગ્યે ઊપડશે, જે ૧૧.૪૫ વાગ્યે વલસાડ પહોંચશે અને બપોરે એક વાગ્યે સુરત પહોંચશે. 

બ્રિજ અને ફ્લાયઓવરના કામ પર નજર રાખવા BMC હવે પાંચ વર્ષ માટે એક્સપર્ટની કમિટી બનાવશે

ગોરેગામના મૃણાલતાઈ ગોરે બ્રિજના ઉદ્ઘાટન બાદ તરત જ રોડ અસમથળ જણાયો એવો ફિયાસ્કો ફરી ન થાય એટલે નિર્ણય લેવાયો. ગોરેગામના મૃણાલતાઈ ગોરે બ્રિજના એક્સટેન્શન આર્મ પર રોડ અન-ઈવન હોવાનું જણાઈ આવતાં બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC) પર પસ્તાળ પડી હતી. અનેક જગ્યાએથી વખોડવામાં આવતાં હવે BMCએ ૨૯ જેટલી ટેક્નિકલ એક્સપર્ટ કંપનીની એક કમિટી બનાવી એમને આવતાં પાંચ વર્ષ સુધી મહત્ત્વના ઇન્ફ્રાસ્ટ્રક્ચરના બ્રિજ, ફ્લાયઓવર અને ટનલના પ્લાનિંગ, ડિઝાઇન, કામના એક્ઝિક્યુશન પર દેખરેખનું કામ સોંપવાનો નિર્ણય લીધો છે. આ અઠવાડિયામાં BMCની સ્ટૅન્ડિંગ કમિટી સામે એનો પ્રસ્તાવ માંડવામાં આવશે. આ કમિટીને કારણે પ્રોજેક્ટનું પ્લાનિંગ વધુ સારી રીતે થઈ શકશે, અૅક્ચ્યુઅલ, કામમાં ડીલે ઓછું થશે અને જો કશો ગોટાળો થયો તો એ માટે એમની જવાબદારી પણ ગણાશે. BMCનું કહેવું છે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના પ્રોજેક્ટ્સ સાઇન્ટિફિકલી પ્લાન થાય અને એક્ઝિક્યુટ થાય એ જરૂરી છે. BMCને આ માટે ૩૧ કન્સલ્ટન્ટની બિડ મળી હતી એમાંથી તેમની ટેક્નિકલ એક્સપર્ટીઝ અને ભરોસાપાત્રતાને ગણતરીમાં રાખી ૨૯ શૉર્ટ લિસ્ટ કરાયા હતા.

રાજ્ય સરકારે ગણેશોત્સવ કૉમ્પિટિશન વર્લ્ડવાઇડ કરી

ગયા વર્ષે ગણેશોત્સવને ‘રાજ્ય ઉત્સવ’નો દરજ્જો આપ્યા પછી સરકારે ગણેશોત્સવ સ્પર્ધાનો વ્યાપ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે વિસ્તારવાનો નિર્ણય લીધો છે. હવે ફક્ત મહારાષ્ટ્ર જ નહીં, દેશ અને વિદેશનાં જાહેર ગણેશ મંડળો પણ આ સ્પર્ધામાં ભાગ લઈ શકશે. રાજ્ય સરકારે હવે એની ગણેશોત્સવ કૉમ્પિટિશનની રેન્જ વધારીને નૅશનલ અને ઇન્ટરનૅશનલ સ્તરની કરી છે એટલે દેશના કોઈ પણ ભાગમાંથી કે વિદેશમાંથી પણ લોકો આ સ્પર્ધામાં ભાગ લઈ શકશે. સ્ટેટ ફેસ્ટિવલ તરીકે નોંધાયેલા ગણેશોત્સવની આ સ્પર્ધા રાજ્ય સરકાર દ્વારા જ ચલાવવામાં આવે છે અને જીતનારાને પ્રાઇઝ આપવામાં આવે છે.

Whatsapp-channel Whatsapp-channel

22 July, 2026 07:52 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK