માત્ર મહિલાઓ દ્વારા ઑપરેટ થનારી પુણે મેટ્રો 3 પિન્ક લાઇનનું નરેન્દ્ર મોદીએ ઉદ્ઘાટન કર્યું
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લીલી ઝંડી દેખાડીને ઉદ્ઘાટન કર્યું હતું.
પુણેના ઇન્ફર્મેશન ટેક્નૉલૉજી હબ ગણાતા હિંજવડીથી ડિસ્ટ્રિક્ટ કોર્ટ મેટ્રો સ્ટેશન સુધી મેટ્રો 3 પિન્ક લાઇનનું ગઈ કાલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વિડિયો-કૉન્ફરન્સિંગથી ઉદ્ઘાટન કર્યું હતું. ૮૩૦૦ કરોડ રૂપિયાના ખર્ચે આ ૨૩ કિલોમીટરનો મેટ્રો કૉરિડોર ડેવલપ કરવામાં આવ્યો છે. આ પિન્ક લાઇન માત્ર મહિલાઓ જ ઑપરેટ કરશે તેમ જ એ રન કરવા માટે જરૂર પડતી ઇલેક્ટ્રિસિટીમાંથી ૩૦ ટકા ઇલેક્ટ્રિસિટી સોલર પાવરથી જનરેટ કરવામાં આવશે. આ ઉપરાંત વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૨૧,૮૦૦ કરોડ રૂપિયાના ખર્ચે બનનારા પુણે મેટ્રો ફેઝ IIની પણ શરૂઆત કરી હતી.
અંકલેશ્વર GIDCમાં સૉલ્વન્ટ ડિસ્ટિલેશન પ્લાન્ટમાં લાગેલી આગના ધુમાડા પાંચ કિલોમીટર દૂર સુધી દેખાયા
ADVERTISEMENT
દક્ષિણ ગુજરાતના અંકલેશ્વરમાં ગુજરાત ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ કૉર્પોરેશન (GIDC)માં આવેલી શ્યામ એન્ટરપ્રાઇઝ કંપનીમાં ગઈ કાલે બપોરે સૉલ્વન્ટ ડિસ્ટિલેશન પ્લાન્ટમાં અચાનક આગ લાગી હતી. આગ લાગતાં પ્લાન્ટમાં કામ કરતા કર્મચારીઓ જીવ બચાવીને સલામત સ્થળે ખસી ગયા હતા. વચ્ચે-વચ્ચે પવન આવતાં આગ ઝડપથી ફેલાઈ હતી. જોકે ફાયર-બ્રિગેડના સ્ટાફે ભારે જહેમત બાદ ૩ કલાકે આગને કન્ટ્રોલ કરી હતી. ભયાનક આગ લાગતાં આગના ગોટેગોટા દૂર-દૂર પાંચ કિલોમીટર સુધી દેખાયા હતા. આગની આ ઘટનામાં સદ્નસીબે કોઈ જાનહાનિ થઈ નહોતી કે કોઈને ઈજા પણ થઈ નહોતી.
દિવાળી રામનામની

દિવાળીની તૈયારીરૂપે અમદાવાદમાં રામલલાની થીમ પર રંગોળી તૈયાર કરતી મહિલા.
મેટ્રો 3 પર ૪૬ વધારાની ટ્રેન-સર્વિસથી હવે સમય બચશે અને મુસાફરી ઝડપી થશે
મુંબઈ મેટ્રો રેલ કૉર્પોરેશન (MMRC)એ અન્ડરગ્રાઉન્ડ મેટ્રો 3ની સર્વિસમાં વધારો કર્યો છે. બીજી નવેમ્બરથી વીક-ડેઝમાં ૪૬ વધારાની ટ્રેન-સર્વિસ શરૂ કરવામાં આવી છે, જેનાથી રોજની ટ્રિપ્સની કુલ સંખ્યા ૨૯૧થી વધીને ૩૩૭ થઈ ગઈ છે. મેટ્રો 3માં મુસાફરોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે સર્વિસમાં કરવામાં આવેલા આ વધારાથી ભીડમાં નોંધપાત્ર ઘટાડો થશે અને મુસાફરોનો વેઇટિંગ પિરિયડ પણ ઘટશે. પીક-અવર્સ દરમ્યાન બે ટ્રેનો વચ્ચેનો સમયગાળો ૪ મિનિટ ૫૦ સેકન્ડથી ઘટાડીને ૪ મિનિટ ૨૫ સેકન્ડ કરવામાં આવ્યો છે.
મલાડમાં લાકડાંની વખારમાં આગ
મલાડ-વેસ્ટમાં સ્ટેશનની પાસે આવેલા રુઇયા મૅરેજ હૉલની પાસે બે માળના સ્ટ્રક્ચરમાં આવેલી લાકડાંની વખારમાં સોમવારે રાતે ૯ વાગ્યાની આસપાસ આગ ફાટી નીકળી હતી. વખારમાં લાકડાંનાં પાટિયાં અને કાર્ડબોર્ડ સાથેનો બહુ મોટો સ્ટૉક હતો. એથી આગ થોડી જ વારમાં ભભૂકી ઊઠી હતી. ફાયર-બ્રિગેડના જવાનોએ આગને ઓલાવવા ભારે જહેમત ઉઠાવવી પડી હતી. રાતના ૯ વાગ્યે લાગેલી આગ પર મધરાત બાદ ૧.૩૦ વાગ્યે કાબૂ મેળવી શકાયો હતો. જોકે આગમાં કોઈના ઈજાગ્રસ્ત થવાના અહેવાલ નથી.
સાકીનાકા વિસ્તારમાં ભંગાર માર્કેટમાં આગ, કોઈ જાનહાનિ નહીં
સાકીનાકા વિસ્તારમાં આવેલા ભંગાર બજારમાં મંગળવારે સાંજે આગ લાગી હતી. આ ઘટનામાં કોઈને ઈજા થઈ હોવાના અહેવાલ નથી. જરીમરીમાં કુર્લા-અંધેરી રોડ પર આવેલા ભંગાર માર્કેટમાં સાંજે લગભગ ૭.૧૫ વાગ્યે આગ લાગી હતી. આગ માત્ર ભંગારના સામાન પૂરતી જ સીમિત રહી હતી. મુંબઈ ફાયરબ્રિગેડનાં ઓછામાં ઓછાં ૪ ફાયર-એન્જિન અને અન્ય અગ્નિશામક વાહનો આગને કાબૂમાં લેવા માટે ઘટનાસ્થળે પહોંચી ગયાં હતાં. આગ ઓલવવાની કામગીરી મોડી રાત સુધી ચાલુ હતી. આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી એમ અધિકારીએ જણાવ્યું હતું.
અમેરિકાએ મિડ-ટર્મ ચૂંટણીના કલાકો પહેલાં ઈરાન પર કર્યો હુમલો, મળ્યો જડબાતોડ જવાબ
અમેરિકાની મિડ-ટર્મ ચૂંટણી વચ્ચે પશ્ચિમ એશિયામાં તનાવ ફરી એક વાર ચરમસીમા પર પહોંચી ગયો છે. ઈરાનની ઇસ્લામિક રિવૉલ્યુશનરી ગાર્ડ કૉર્ઝ (IRGC)એ દાવો કર્યો છે કે તેમણે મંગળવારે હોરમોઝગાન પ્રાંતના બંદરખમીર શહેર પરથી બે અમેરિકન ડ્રોન તોડી પાડ્યાં છે. બીજી તરફ ઈરાનના આ કડક જવાબ બાદ અમેરિકાએ હોર્મુઝની ખાડીમાં આવેલા કેશમ ટાપુ પર મોટા પાયે હવાઈ હુમલા કર્યા હતા. અગાઉ ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુ ડોનલ્ડ ટ્રમ્પ પર ઈરાન સામે મોટા હુમલા માટે સતત દબાણ કરી રહ્યા હતા. ટ્રમ્પે સોમવારે પોતાના સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ ટ્રુથ સોશ્યલ પર દાવો કર્યો હતો કે બન્ને દેશો વચ્ચે સંધિની શક્યતા હોવાથી ક્રૂડ ઑઇલના ભાવમાં ૯૫૦ રૂપિયા (૧૦ ડૉલર)નો ઘટાડો થયો હતો, પરંતુ ત્યાર બાદ તરત જ આ સૈન્ય-કાર્યવાહી કરવામાં આવી હતી.
યુનાઇટેડ નેશન્સમાં પાકિસ્તાનના પ્રસ્તાવ વિરુદ્ધ માત્ર ભારત અને ઇઝરાયલે મતદાન કર્યું, ૧૮૦ દેશોનું સમર્થન
યુનાઇટેડ નેશન્સ (UN) જનરલ ઍસેમ્બલીની ફર્સ્ટ કમિટીએ પ્રાદેશિક પરંપરાગત શસ્ત્રનિયંત્રણ પર પાકિસ્તાન અને બેલારુસના ડ્રાફ્ટને ૧૮૦-૨ મતથી મંજૂરી આપી હતી. આ પ્રસ્તાવના વિરોધમાં પડેલા મત ભારત અને ઇઝરાયલના હતા. ૧૯૩ દેશો પૈકી ૧૮૦ દેશોનું આ પ્રસ્તાવને સમર્થન મળ્યું હતું, કેટલાક દેશ ગેરહાજર રહ્યા હતા. UNમાં ભારતના કાયમી મિશનના ફર્સ્ટ સેક્રેટરી અનમોલ શેર બેદીએ દેશની સ્થિતિ સ્પષ્ટ કરતાં કહ્યું હતું કે દેશોની સુરક્ષાને લગતી ચિંતાઓ ફક્ત પ્રાદેશિક સીમાઓ સુધી મર્યાદિત નથી અને શસ્ત્રનિયંત્રણને ફક્ત પ્રાદેશિક સંદર્ભમાં જ જોવું જોઈએ નહીં.
