Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ન્યૂઝ શોર્ટમાં: ૧૧,૬૨૭ કર્મચારીઓએ કર્યું પોસ્ટલ-બૅલટ દ્વારા મતદાન

ન્યૂઝ શોર્ટમાં: ૧૧,૬૨૭ કર્મચારીઓએ કર્યું પોસ્ટલ-બૅલટ દ્વારા મતદાન

Published : 12 January, 2026 07:15 AM | Modified : 12 January, 2026 12:16 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

શનિવાર અને રવિવારે સવારે ૭ વાગ્યાથી સાંજે ૭ વાગ્યા સુધી ૨૩ પોસ્ટલ-બૂથ પર મતદાન પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ની ચૂંટણીમાં ચૂંટણી-ફરજ માટે નિયુક્ત ૧૧,૬૨૭ કર્મચારીઓએ પોસ્ટલ-બૅલટ દ્વારા મતદાન કર્યું હતું. શનિવાર અને રવિવારે સવારે ૭ વાગ્યાથી સાંજે ૭ વાગ્યા સુધી ૨૩ પોસ્ટલ-બૂથ પર મતદાન પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી.

સર્વેલન્સ ટીમ સાથે ગેરવર્તન અને કૅમેરા તોડવા બદલ ખારઘરની મહિલા વિરુદ્ધ ફરિયાદ



ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે પોલીસ-તપાસ સઘન બનાવવામાં આવી છે. ખારઘરમાં ચૂંટણીપંચ દ્વારા તહેનાત સ્ટૅટિક સર્વેલન્સ ટીમના સભ્યોને ધક્કો મારવા અને તેમના વિડિયો-કૅમેરાને નુકસાન પહોંચાડવા બદલ ખારઘર પોલીસે એક મહિલા પર સરકારી ફરજમાં અવરોધ ઊભો કરવાનો ગુનો નોંધ્યો છે. શુક્રવારે સાંજે ૬.૪૫ વાગ્યે હીરાનંદાની વિસ્તારમાં સ્ટૅટિક સર્વેલન્સ ટીમ નિયમિત તપાસ કરી રહી હતી. ટીમે કૅમેરા-ચેકિંગ માટે એક કાર રોકી હતી ત્યારે કારમાં બેઠેલી મહિલાએ બૂમો પાડવાનું શરૂ કર્યું હતું. પોલીસે જણાવ્યા મુજબ તેણે અધિકારીઓ અને પોલીસ-કર્મચારીઓ સાથે દુર્વ્યવહાર કર્યો હતો અને વિડિયોગ્રાફરનો કૅમેરા ઝૂંટવીને એને રસ્તા પર ફેંકી દીધો હતો. નીચે પટકાતાં કૅમેરાને નુકસાન થયું હતું. ઘટના બાદ સર્વેલન્સ ટીમે ખારઘર પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.


ચૂંટણીપંચ સ્પષ્ટતા ન કરે ત્યાં સુધી બિનવિરોધી ઉમેદવારોનાં નામ EVMમાં દેખાશે

થાણે મ્યુનિસિપલ કૉર્પોરેશનની ચૂંટણી માટે રાજ્યના ચૂંટણીપંચ તરફથી નિર્દેશ ન મળે ત્યાં સુધી બિનવિરોધી ઉમેદવારો સહિત તમામ ઉમેદવારોનાં નામ ઇલેક્ટ્રૉનિક વોટિંગ મશીન (EVM) પર દેખાશે તેમ જ દરેક બેઠક માટે નન ઑફ ધ અબવ (NOTA) વિકલ્પ પણ ઉપલબ્ધ રહેશે. થાણે મ્યુનિસિપલ કૉર્પોરેશનના ચીફ સૌરભ રાવે જણાવ્યું હતું કે ‘બિનવિરોધી ઉમેદવારોના વિજય બાબતે ચૂંટણીપંચનું માર્ગદર્શન લેવામાં આવશે. તેમને ક્યારે ચૂંટાયેલા જાહેર કરવા એ ચૂંટણીપંચના નિર્દેશો પર આધાર રાખશે.’ ૩૩ વૉર્ડમાં ૧૩૧ કૉર્પોરેટર બેઠકો માટેની ચૂંટણી-પ્રક્રિયા વૉર્ડમાં બધી બેઠકો માટે મતદાન પૂર્ણ થયા પછી જ પૂર્ણ માનવામાં આવશે એ વાત પર તેમણે ભાર મૂક્યો હતો.


BMCના ઇલેક્શન માટે ૪૫૦૦ જેટલા વૉલન્ટિયર્સ ચૂંટણી-સ્ટાફને મદદ કરશે

બે દિવસમાં બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ના ઇલેક્શન માટેના પ્રચારનો ટાઇમ પૂરો થઈ જશે. મતદાનનો દિવસ નજીક આવી રહ્યો છે. ૧૩ જાન્યુઆરીએ સાંજે ૫.૩૦ વાગ્યે કૅમ્પેનિંગનો ટાઇમ પૂરો થયા પછી તરત જ બિલબોર્ડ, પોસ્ટરો અને બીજાં કૅમ્પેન મટીરિયલ્સને દૂર કરવા માટે BMCના સ્ટાફને કડક સૂચના આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું. આ દરમ્યાન મતદાનના દિવસે વોટિંગ અને રિઝલ્ટના દિવસે કાઉન્ટિંગની પ્રોસેસ સુગમ રીતે પાર પડી શકે એ માટે ઇલેક્શન-સ્ટાફ અને ઑફિસર્સ ઉપરાંત શહેરનાં પોલિંગ-બૂથોની પાસે ૪૫૦૦ જેટલા વૉલન્ટિયર્સને તૈયાર કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું. આ ઉપરાંત ફ્લાઇંગ સ્ક્વૉડ અને સર્વેલન્સ ટીમોને વધુ અલર્ટ અને ઍક્ટિવ રહેવાનું કહેવામાં આવ્યું હોવાની જાણકારી પણ મળી હતી.

BJPના સભ્યોને સસ્પેન્ડ કરવાનો સિલસિલો યથાવત્ : લાતુરના ૧૮ સભ્યો સસ્પેન્ડ

ભારતીય જનતા પાર્ટી (BJP)એ લાતુરના ૧૮ સભ્યોને શિસ્તભંગનાં પગલાંરૂપે છ વર્ષ માટે સસ્પેન્ડ કર્યા છે. સસ્પેન્ડ કરાયેલા સભ્યોમાંથી મોટા ભાગના સભ્યો આગામી લાતુર મ્યુનિસિપલ કૉર્પોરેશનની ચૂંટણી સ્વતંત્ર રીતે લડી રહ્યા છે. લાતુર શહેર જિલ્લા પ્રમુખ અજિત પાટીલ કાવેકરે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ‘BJPના સ્થાનિક યુનિટના કેટલાક સભ્યોનું વર્તન પક્ષની શિસ્ત માટે હાનિકારક હોવાનું જણાયું હતું. તેથી પાર્ટીની કોર કમિટીની બેઠકમાં આ મુદ્દા પર ચર્ચા કરવામાં આવી હતી. ત્યાર બાદ ૧૮ સભ્યોનાં સભ્યપદ રદ કરવાનો અને તેમને ૬ વર્ષ માટે સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.’

ઇલેક્શન-ડ્યુટીમાં હાજર ન રહેલા ૬૮૭૧ સરકારી અધિકારીઓને શો કૉઝ નોટિસ

બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ના એક અધિકારીએ ગઈ કાલે માહિતી આપી હતી કે ‘અત્યાર સુધી ઇલેક્શન-ડ્યુટી પર ગેરહાજર રહેવા બદલ ૬૮૭૧ વ્યક્તિઓને શો કૉઝ નોટિસ આપવામાં આવી છે. આ ૬૮૭૧ ઑફિસર્સમાંથી ૨૩૫૦ ડ્યુટીમાં જોડાઈ ગયા છે. એકથી વધારે સૂચના આપી હોવા છતાં ટ્રેઇનિંગ અને ઇલેક્શનની બીજી ડ્યુટી માટે હાજર ન રહેનારા બાકીના ૪૫૨૧ લોકોની સામે આજથી પોલીસ-કાર્યવાહી શરૂ કરવામાં આવશે.’ મળેલી માહિતી પ્રમાણે BMC ઉપરાંત નૅશનલાઇઝ્ડ બૅન્કો, BEST, BSNL, LIC, MHADA, MTNL, પોસ્ટ ડિપાર્ટમેન્ટ, રેલવે, RCF અને NABARD સહિતની સરકારી સંસ્થાઓના કર્મચારીઓ ડ્યુટી પર હાજર નથી રહ્યા. આ કર્મચારીઓએ દંડ પણ ભરવો પડશે અને તેમની સામે શિસ્તભંગની કાર્યવાહી પણ થશે.

માઘી ગણેશ મોરયા 

મહા મહિનાની શુક્લ પક્ષની ચતુર્થીએ ગણપતિ​બાપ્પાનો જન્મદિવસ હોવાથી એ દિવસથી ૧૦ દિવસના માઘી ગણેશોત્સવની શરૂઆત થાય છે. આ વર્ષે ૨૨ જાન્યુઆરીએ તેમનું​ આગમન થવાનું છે. ગઈ કાલે સાર્વજનિક ગણેશોત્સવના ભાવિકો બાપ્પાની મૂર્તિ વાજતેગાજતે વર્કશૉપમાંથી મંડપમાં લઈ જઈ રહ્યા હતા.      

ગાયમુખ ઘાટના રસ્તા પર ક્રૂડ ગ્લિસરીન લીક થયું, બે કલાક ટ્રાફિકને થઈ અસર

કન્ટેનર ટ્રકમાંથી ક્રૂડ ગ્લિસરીન લીક થવાને કારણે ઘોડબંદર રોડ પર બે કલાકથી વધુ સમય માટે ટ્રાફિક ખોરવાઈ ગયો હતો. શનિવારે મોડી રાતે ગાયમુખ ઘાટ પાસે બનેલા આ બનાવ બાદ સાવચેતીનાં પગલાંરૂપે ગ્લિસરીન પર માટી નાખવામાં આવી હતી. થાણે ડિઝૅસ્ટર મૅનેજમેન્ટ સેલના ચીફ યાસિન તડવીએ જણાવ્યું હતું કે ‘એક પ્રાઇવેટ કંપનીનો ટેમ્પો પચીસ ટન ક્રૂડ ગ્લિસરીન લઈને અંબરનાથથી ગુજરાત જઈ રહ્યો હતો ત્યારે એમાંથી લિક્વિડ લીક થવા લાગ્યું હતું અને રસ્તા પર ઢોળાયું હતું. ત્યાર બાદ ઘોડબંદર રોડ પર ટ્રાફિક બેથી અઢી કલાક સુધી ધીમી ગતિએ ચાલ્યો હતો.’ વાહનો લપસે નહીં એ માટે રસ્તા પર ઢોળાયેલા પ્રવાહી પર માટી ફેલાવવામાં આવી હતી. ક્રૂડ ગ્લિસરીન જોખમી કે જ્વલનશીલ પદાર્થ નથી. એનો ઉપયોગ સામાન્ય રીતે સાબુ, પશુઆહાર અને સિરૅમિક્સ, બાંધકામ, કાપડ, ચામડું બનાવવામાં થાય છે. ડિઝૅસ્ટર મૅનેજમેન્ટ સેલે લીકેજ અંગે સંબંધિત કંપનીને જાણ કરી હતી.

પ્રચારમાં ફટાકડા ફોડ્યા એમાં ૪ રૂમમાં આગ લાગી- ઉદ્ધવ ઠાકરેના ૩ કાર્યકરો સામે કેસ નોંધાયો

શનિવારે સાંજે એન. એમ. જોશી માર્ગ પર ગોવર્ધન બિલ્ડિંગ પાસે શિવસેના-UBTના નેતા અને ભૂતપૂર્વ મેયર કિશોરી પેડણેકરની રૅલી યોજાઈ હતી. રૅલી માટે કેટલીક શરતો સાથે 
પોલીસ-પરવાનગી આપવામાં આવી હતી. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ની આગામી ચૂંટણી માટે પ્રચારના ભાગરૂપે કિશોરી પેડણેકરે ઘરે-ઘરે જઈને લોકોની મુલાકાત લેવાનું શરૂ કર્યું ત્યારે રૅલી માટે તહેનાત પોલીસકર્મીઓનો વાંધો હોવા છતાં તેમના કેટલાક સમર્થકોએ રસ્તા પર ફટાકડા ફોડ્યા હતા. પોલીસ-અધિકારીના જણાવવા મુજબ ફટાકડા અવળી દિશામાં ફૂટવાને કારણે ઈરાની ચાલના પાંચમા માળે એક રૂમમાં અને અન્ય ૩ રૂમમાં આગ લાગી હતી. ફટાકડા ફોડનાર સોહમ સરવણકર અને ઓમસાઈ પાનસરે સહિત રૅલી માટે પરવાનગી લેનાર શિવસેના-UBTના કાર્યકર રામચંદ્ર યેસોડે વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી હતી.

Whatsapp-channel Whatsapp-channel

12 January, 2026 12:16 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK