મુલુંડ-વેસ્ટની મુલુંડ કૉલોનીમાં શાકમાર્કેટ નજીક ડમ્પર નીચે કચડાઈ જવાથી ૩૭ વર્ષના એક પુરુષે જીવ ગુમાવ્યો હતો
પ્રતીકાત્મક તસવીર
મુલુંડ-વેસ્ટની મુલુંડ કૉલોનીમાં શાકમાર્કેટ નજીક ડમ્પર નીચે કચડાઈ જવાથી ૩૭ વર્ષના એક પુરુષે જીવ ગુમાવ્યો હતો. પોલીસે આપેલી માહિતી મુજબ શનિવારે બપોરે આ અકસ્માત થયો હતો, પણ કેવી રીતે અકસ્માત થયો એ સ્પષ્ટ થયું નહોતું. ડમ્પરના પાછળના ટાયરમાં લોહીના ડાઘ હતા એટલે જીવ ગુમાવનાર સામેથી ભટકાયો નહીં હોય એવું તારણ પોલીસે કાઢ્યું હતું. ડમ્પર-ડ્રાઇવર નશામાં હોવાનું પણ સામે આવ્યું હતું. અકસ્માત બાદ ૨૬ વર્ષના ડમ્પર-ડ્રાઇવરને પોલીસ-કસ્ટડીમાં રાખીને પૂછપરછ શરૂ કરી હતી. જીવ ગુમાવનાર સુરેશ રાજપૂત તેના બે ભાઈ સાથે ખીંડીપાડામાં રહેતો હતો.
સાકીનાકાના દેરાસરમાં અંધેરીના વેપારીએ આત્મહત્યા કરી હોવાની શંકા
ADVERTISEMENT
સાકીનાકા વિસ્તારમાં આવેલા એક દેરાસરમાં આશરે ૪૫ વર્ષની એક વ્યક્તિ મૃત હાલતમાં મળી આવી હતી. પોલીસે આત્મહત્યાની શંકાએ ઍક્સિડેન્ટલ ડેથ રિપોર્ટ (ADR) નોંધ્યો છે. પોલીસે આપેલી માહિતી મુજબ જીવ ગુમાવનારો માણસ અંધેરી-વેસ્ટના ચાર બંગલા વિસ્તારમાં રહેતો હતો. તે મૂળ નાશિકનો રહેવાસી હતો અને કપડાંનો વ્યવસાય કરતો હતો. આ વ્યક્તિના પરિવારમાં તેની પત્ની અને બે બાળકો છે, પરંતુ તેઓ અલગ રહેતાં હતાં. તે વારંવાર આ દેરાસરમાં જતો હતો. શુક્રવારે સવારે તે દેરાસરમાં આવ્યો હતો અને પરિસરના ઉપરના ભાગમાં ગયો હતો. આ ભાગમાં કન્સ્ટ્રક્શનનું કામ ચાલે છે. ત્યાં જ તેણે જીવન ટૂંકાવ્યું હોવાની પોલીસે શંકા વ્યક્ત કરી છે. ઘટનાસ્થળેથી અત્યાર સુધી કોઈ સુસાઇડ-નોટ મળી નથી.
વાગળે એસ્ટેટમાં ૮ ફુટ ઊંચી સેફટી-વૉલ તૂટી પડી, પાર્ક કરેલાં સાત વાહનો કચડાયાં
થાણેના વાગળે એસ્ટેટ વિસ્તારમાં એક સોસાયટીની સેફટી-વૉલ તૂટીને પાર્ક કરેલાં વાહનો પર પડી હતી. ૪૦ ફુટ લાંબી અને ૮ ફુટ ઊંચી દીવાલ રસ્તાની બાજુમાં પાર્ક કરેલાં વાહનો પર પડતાં ૭ વાહનોને ભારે નુકસાન થયું હતું. શુક્રવારે રાતે ૧૦.૪૦ વાગ્યે બનેલી આ ઘટના બાદ ફાયર-બ્રિગેડે JCBની મદદથી દીવાલનો કાટમાળ હટાવ્યો હતો. દીવાલનો બાકીનો ભાગ જર્જરિત સ્થિતિમાં હતો તેથી વધુ નુકસાન ન થાય એ માટે એને પણ હટાવવામાં આવ્યો હતો. દીવાલ પડવાને કારણે એક કાર, બે રિક્ષા, બે નાના ટેમ્પો અને બે ટૂ-વ્હીલરને નુકસાન થયું હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું.
લાઇટ ઑફ પર્શિયા રેસ્ટોરાં પર દરોડા, ૪.૭૧ લાખ રૂપિયાની ઈ-સિગારેટ જપ્ત
મુંબઈની ક્રાઇમ બ્રાન્ચે સાઉથ મુંબઈની પ્રતિષ્ઠિત લાઇટ ઑફ પર્શિયા રેસ્ટોરાં પર દરોડો પાડીને ૪.૭૧ લાખ રૂપિયાની ૧૫૭ પ્રતિબંધિત ઈ-સિગારેટ જપ્ત કરી છે તેમ જ રેસ્ટોરાંના માલિક સામે પ્રોહિબિશન ઑફ ઇલેક્ટ્રૉનિક સિગારેટ ઍક્ટ ૨૦૧૯ હેઠળ કેસ નોંધ્યો છે. ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કમ્બાલા હિલ વિસ્તારમાં ડૉ. ગોપાલરાવ દેશમુખ રોડ પર આવેલી ૯૭ વર્ષ જૂની રેસ્ટોરાં પર દરોડો પાડવામાં આવ્યો હતો જેમાં વિવિધ ફ્લેવરની પ્રતિબંધિત ઈ-સિગારેટ જપ્ત કરી હતી. જપ્ત કરેલા માલને ફૉરેન્સિક તપાસ માટે મોકલવામાં આવ્યા છે. ૧૯૨૮માં શરૂ થયેલી લાઇટ ઑફ પર્શિયા મુંબઈની સૌથી જૂની રેસ્ટોરાંઓમાંની એક છે. રેસ્ટોરાં ઈરાની અને પર્શિયન ફૂડ માટે જાણીતી છે.


