હવે અહીંનાં પોલીસ સ્ટેશનોમાં હશે મહિલા હેલ્પ ડેસ્ક : આ માટે ૮૦ મહિલા ઑફિસરને તાલીમ આપવામાં આવી છે, જેઓ સ્ત્રીઓ પર થતા અત્યાચારો વિરુદ્ધ કાર્યવાહી કરશે
નવી મુંબઈના પોલીસ કમિશનર મિલિંદ ભારમ્બેની આ પહેલ છે
નવી મુંબઈ પોલીસ મહિલાઓની સુરક્ષા પર ભાર મૂકીને તેમની સમસ્યાઓ હલ કરવાનો પ્રયાસ કરી રહી છે અને એ માટે પોલીસ કમિશનર મિલિંદ ભારમ્બેના કન્સેપ્ટથી દરેક પોલીસ સ્ટેશનમાં મહિલા સહાયક કક્ષ શરૂ કરવામાં આવી રહ્યો છે. અમુક પોલીસ સ્ટેશનોમાં વાસ્તવમાં કામગીરી શરૂ થઈ ગઈ છે અને બાકીનાં પોલીસ સ્ટેશનોમાં મહિલા દિનથી શરૂઆત થશે. મહિલા કક્ષ માટે આશરે ૮૦ મહિલા ઑફિસરને તાલીમ આપવામાં આવી છે, જેઓ મહિલાઓ પર થતા અત્યાચારો વિરુદ્ધ કાર્યવાહી કરી શકશે.
નવી મુંબઈના પોલીસ કમિશનરનો હોદ્દો સંભાળ્યા બાદથી કમિશનર મિલિંદ ભારમ્બેએ લોકોની સલામતી માટે વધુ ને વધુ ઉપયોગી યોજનાઓ અમલમાં મૂકવા પર ભાર મૂક્યો છે. એની સાથે મહિલાઓ પર થતા અત્યાચારો રોકવાના પ્રયાસરૂપે દરેક પોલીસ સ્ટેશનમાં મહિલા સહાયક કક્ષની સ્થાપના કરવાના નિર્ણયને અમલમાં મૂકવામાં આવ્યો છે અને એ માટે ૯૬ મહિલા અધિકારીઓ અને કર્મચારીઓને મહિલાઓના પ્રશ્નોના નિરાકરણ માટે તાલીમ આપવામાં આવી છે. કાયદાકીય નિષ્ણાતોના માર્ગદર્શન હેઠળ આ તાલીમ આપવામાં આવી હતી. એ માટે દરેક પોલીસ સ્ટેશનમાં મહિલા હેલ્પ ડેસ્ક માટે મહિલા અધિકારીઓ અને કર્મચારીઓની નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત દરેક પોલીસ સ્ટેશનમાં અલગ મહિલા હેલ્પ ડેસ્ક પણ બનાવવામાં આવી છે. હાલમાં નવી મુંબઈ પોલીસ કમિશનરેટમાં બેલાપુરમાં એકમાત્ર મહિલા હેલ્પ ડેસ્ક છે; પરંતુ જો દિઘા, ઉરણ કે પનવેલમાં રહેતી મહિલાઓ હોય તો તેમણે બેલાપુર જવા માટે ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. એથી સ્થાનિક પોલીસ સ્ટેશનમાં મહિલા હેલ્પ ડેસ્ક હોવી જોઈએ એવી મહિલાઓની ડિમાન્ડ હતી જેને પૂરી કરીને મહિલા દિન પહેલાં નવી મુંબઈ પોલીસે મહિલાઓને ભેટ આપી છે.
ADVERTISEMENT
નવી મુંબઈ પોલીસ ક્રાઇમ બ્રાન્ચના ડેપ્યુટી કમિશનર અમિત કાળેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘કોઈ મહિલા ફરિયાદ કરવા પોલીસ સ્ટેશનમાં આવે છે ત્યારે કેટલીક વાર પોલીસ પુરુષ હોવાથી પોતાની સાથે બનેલી ઘટના તેને કહી નથી શકતી. કેટલાક કિસ્સામાં પુરુષ પોલીસને જોઈને ફરિયાદ કરવા આવતી મહિલા પાછી જતી રહે છે. આવા કેસમાં મહિલા પર થતા અત્યાચારોને રોકવા માટે અમે દરેક પોલીસ સ્ટેશનમાં મહિલા કક્ષની શરૂઆત કરી છે, જેમાં મહિલા અધિકારીઓ ફરિયાદ કરવા આવેલી મહિલાને પહેલાં પોતાના વિશ્વાસમાં લેશે. ત્યાર બાદ તેની સાથે બનેલી ઘટના જાણશે અને એના પર કાર્યવાહી કરશે.’


