National Daughters Day 2023 : નાશિકના શ્રી તપોવન બ્રહ્મચર્ય આશ્રમ સ્વામિનારાયણ સંસ્થાના માધવપ્રકાશ સ્વામીના માર્ગદર્શન હેઠળ મણિપુર જેવા શહેરોમાંથી દીકરીઓને નાશિક લાવવામાં આવી છે. તેઓને ભણતર સાથે જ સંસ્કાર પણ આપવામાં આવે છે.
શ્રી તપોવન બ્રહ્મચર્ય આશ્રમ સ્વામિનારાયણ સંસ્થા
આજે વિશ્વ દીકરી દિવસ (National Daughters Day 2023) છે. ભારતમાં તો દીકરીને લક્ષ્મીનો અવતાર માનવામાં આવે છે. તો બીજી બાજુ આજે એવો પણ સમાજ જીવી રહ્યો છે જે ઘરમાં દીકરી જ્ન્મતાની સાથે જ મોં બગાડે છે. અનેક પરિવાર એવા છે જેઓ આજે પણ દીકરા અને દીકરી વચ્ચે ભેદભાવ રાખે છે. આજે દીકરીઓ પર અનેક દુષ્કર્મની પણ ઘટનાઓ સામે આવે છે. આ બધાની વચ્ચે એક અંતર ઠારે એવી વાત તમારી સામે મૂકવી છે કે નાશિકના શ્રી તપોવન બ્રહ્મચર્ય આશ્રમ સ્વામિનારાયણ સંસ્થાના માધવપ્રકાશ સ્વામીના માર્ગદર્શન હેઠળ મણિપુર જેવા રાજ્યમાંથી દીકરીઓને નાશિક લાવવામાં આવી છે. તેઓનો ભણવાની સાથે જ ધાર્મિક સંસ્કારો પણ આપવામાં આવે છે. શ્રી તપોવન બ્રહ્મચર્ય આશ્રમની આ પ્રવૃત્તિ વિષે શૈલેષ ભગતે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે પોતાની વાત શૅર કરી હતી.
શૈલેષ ભગત જણાવે છે કે, "અહીં અમે 2001થી બાળકોને અહીં નાશિકમાં લાવીએ છીએ અને ભણાવીએ છીએ. દસમા-બારમાં ધોરણ સુધી અભ્યાસ કરવીએ છીએ. એવી દીકરીઓ (National Daughters Day 2023) કે જેના માં-બાપ ન હોય અથવા તેઓ કેપેબલ ન હોય. અત્યારે 250 બાળકો અહીં લાવ્યા છીએ. અહીં ત્રિપુરા, મિઝોરમ, મણિપુર વગેરે વિસ્તારોમાંથી દીકરા-દીકરીઓને લાવવામાં આવે છે."
ADVERTISEMENT
સંસ્થા દ્વારા કપડાં-લત્તા સાથેનો તમામ ખર્ચ ઉઠાવવામાં આવે છે. ભારતના જુદા-જુદા રાજયોમાંથી આવનાર દીકરા-દીકરીઓને ભાષાનો કોઈ પ્રૉબ્લેમ ન આવે એ માટે મુખ્ય હિન્દી ભાષા ભણાવાય છે. સાથે અહીંની લોકલ ભાષા મરાઠી પણ ભણાવાય છે. જેથી તેઓ ભણી કરીને રોજગાર મેળવતા થઈ શકે.
2003થી ત્રિપુરામાંથી બાળકો લાવવામાં આવ્યા હતા. માટે એ લોકોને આ સંસ્થા વિષે ખ્યાલ હતો. જ્યારે મણિપુર દુર્ઘટના થઈ ત્યારે વાયા-વાયા સમાચાર આવ્યા. મણીપુરની દીકરીઓને અહીં આવવા માંગે છે એ જાણી સંસ્થાના માધવપ્રકાશ સ્વામી રાજી થયા. માધવપ્રકાશ સ્વામી પોતે ત્યાં જઈને આ દીકરા-દીકરીઓને લઈ આવ્યા.
નેપાળ, મ્યાનમાર બોર્ડર જેવા વિસ્તારમાંથી દીકરીઓ (National Daughters Day 2023) અહીં આવી છે. શરૂઆતમાં તેઓ જરા ખચકાટ અનુભવતા હતા પરંતુ તેઓને સમજાવવામાં આવ્યા. તેઓના માં-બાપને અહીં બોલાવવમાં આવ્યા હતા. સંસ્થાની મુલાકાત કરાવવામાં આવી હતી. ત્યારબાદ તેઓ રાજી થયા હતા.
આ રીતે અન્ય રાજ્યમાંથી દીકરા-દીકરી (National Daughters Day 2023) અહીં આવે ત્યારે તેઓને ભાષા ઉપરાંત ખોરાકમાં પણ અડચણ આવે છે. તેઓ હિન્દુ હોવા છતાં નોનવેજ ખાતા હોય છે. તેઓની રહેણીકરણીમાં પણ ફરક પડે છે. આ રીતેની મુશ્કેલીઓ આવતી હોય છે. પણ સંસ્થા આ બધી જ વાતનું ધ્યાન રાખીને દીકરા-દીકરીઓને સાચવે છે.
આ બાળકોના ધાર્મિક સંસ્કાર મુદ્દે વાત કરતાં શૈલેષ ભગત કહે છે કે, “તે લોકોના દેવ તેમને મુબારક. અહીં આશ્રમમાં આપણા આરાધ્ય દેવની પૂજા તેઓને શીખવવામાં આવે છે. ધૂન-ભજન-કીર્તન કરાવવામાં આવે છે. ભણતરની સાથે ક્રિકેટ-સ્કેટિંગ વગેરેની પણ તાલીમ અપાય છે. પાંચ વખત આરતી, વ્યવસ્થિત સ્નાન વગેરે સંસ્કાર આપવામાં આવે છે. આ રીતે જંગલી પ્રજા માંથી સાત્વિક પ્રજા બને એવા પ્રયત્નો કરવામાં આવે છે.”


