હવામાન ખાતાના જણાવ્યા અનુસાર હાલ વાદળો છવાયેલાં છે અને પવન નથી એથી એ વાદળો જલદી હટવાની શક્યતાઓ નથી
ગઈ કાલે બપોરે વાદળિયા વાતાવરણ વચ્ચે નરીમાન પૉઇન્ટ પર બેસેલા લોકો (તસવીર : પ્રદીપ ધિવાર)
મુંબઈમાં ગઈ કાલે તો બફારો હતો જ, પણ આવનારા બે દિવસ પણ મુંબઈગરાઓએ બફારા સાથે અને સાંજે વરસાદનાં આછાં ઝાપટાં સાથે કાઢવા પડે એવી આગાહી વેધશાળા દ્વારા કરાઈ છે.
હવામાન ખાતાના જણાવ્યા અનુસાર હાલ વાદળો છવાયેલાં છે અને પવન નથી એથી એ વાદળો જલદી હટવાની શક્યતાઓ નથી એટલે આવનારા ૪૮ કલાક (બે દિવસ સુધી) આવી જ પરિસ્થિતિ રહેવાની છે. વાદળો છવાયેલાં રહેશે અને બફારો પણ થશે. જોકે એથી સાંજના કે રાતના સમયે હળવા છાંટા કે ઝાપટાં પણ પડી શકે. ગઈ કાલે પુણેમાં ધોધમાર વરસાદ પડ્યો હતો.
આમ મુંબઈગરાઓ હાલ બે ઋતુ એકસાથે અનુભવી રહ્યા છે. મુંબઈમાં ગઈ કાલે મૅક્સિમમ ટેમ્પરેચર ૩૪ ડિગ્રી નોંધાયું હતું, જ્યારે મિનિમમ ટેમ્પરેચર ૨૯ ડિગ્રી રહ્યું હતું. એને કારણે રાતના અને પરોઢિયે ઠંડી લાગે છે, જ્યારે દિવસના બફારો અને ઉકળાટ થાય છે.
ADVERTISEMENT
જોકે એને કારણે વાઇરલ ઇન્ફેક્શન પણ વધી રહ્યું છે. ગળામાં ખિચ-ખિચ થાય છે અને ખાંસી લાંબો વખત ચાલે છે. મુંબઈગરાઓ વધારે ને વધારે વાઇરલ ઇન્ફેક્શનથી પરેશાન થવાથી ડૉક્ટરોને ત્યાં લાઇનો લાગી રહી છે. અફકોર્સ દવાથી ટ્રીટ થઈ જાય છે, પણ એને જતાં બે-ચાર દિવસ નહીં પણ ૧૨થી ૧૫ દિવસ લાગી રહ્યા છે.

