બીજેપીના વિધાનસભ્ય આશિષ શેલારે લગાવ્યા નકલી આક્ષેપો: હાલ હાઈ કોર્ટ દ્વારા સુનાવણી ચાલી રહી છે
બીજેપીના વિધાનસભ્ય આશિષ શેલારે એમયુ ખાતે સેનેટની મતદારયાદીમાં નોંધપાત્ર સંખ્યામાં ડુપ્લિકેટ એન્ટ્રી હોવાનો આક્ષેપ કર્યો હતો (તસવીર : શાદાબ ખાન)
મુંબઈ યુનિવર્સિટીની નિષ્ણાત પૅનલે સેનેટ મતદારયાદીમાં વિસંગતતા અને ડુપ્લિકેશનની ફરિયાદો પર એનાં તારણો રજૂ કર્યાં છે. કૅમ્પસમાં એવી ચર્ચા છે કે ત્રણ સભ્યોની તપાસ-સમિતિના અહેવાલમાં બીજેપીના વિધાનસભ્ય આશિષ શેલાર દ્વારા કરવામાં આવેલા દાવા સામે ડુપ્લિકેશનના બહુ ઓછા કેસો મળ્યા છે.
કમિટીની સ્થાપના આશિષ શેલાર દ્વારા કરવામાં આવેલી ફરિયાદના જવાબમાં કરવામાં આવી હતી. શેલારની ફરિયાદ બાદ સેનેટની ચૂંટણી અનિશ્ચિત સમય માટે સ્થગિત કરવામાં આવી હતી. આ બાબતની હાલ બૉમ્બે હાઈ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે, જેમાં એમયુને ૨૫ ઑક્ટોબરે સેનેટની ચૂંટણી માટેનો રિપોર્ટ અને સુધારેલા શેડ્યુલ સબમિટ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. એમયુના અધિકારીઓએ આ મુદ્દો હાઈ કોર્ટમાં હોવાનું ટાંકીને ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો. જોકે કમિટીએ યુનિવર્સિટીને રિપોર્ટ સોંપ્યો હોવાનું કૅમ્પસનાં સૂત્રોએ જણાવ્યું હતું.
ADVERTISEMENT
મુંબઈ યુનિવર્સિટી (એમયુ)નાં સૂત્રોના જણાવ્યા અનુસાર આશિષ શેલાર દ્વારા કરવામાં આવેલા દાવાઓ છતાં તપાસ-સમિતિએ આવા ૪૦૦ દાખલાઓની ઓળખ કરી હતી. જોકે આધાર કાર્ડ્સ, ડિગ્રી-પ્રમાણપત્રો અને ગ્રૅજ્યુએશનની તારીખો અને વર્ષો જેવા ક્રૉસ-રેફરન્સિંગ ડૉક્યુમેન્ટ્સ સાથે સંકળાયેલી વ્યાપક તપાસ પછી એવું બહાર આવ્યું છે કે આ નામો ડુપ્લિકેટ્સ નહોતાં, પરંતુ સમાન નામો શૅર કરતી જુદી-જુદી વ્યક્તિઓનું પ્રતિનિધિત્વ કરતાં હતાં. નામ જાહેર ન કરવાની શરતે એક અધિકારીએ જણાવ્યું હતું કે ‘વાસ્તવિક ડબલ એન્ટ્રીઓ પહેલેથી જ સૂચિમાંથી બહાર કાઢવામાં આવી હતી અને આ મામલાને હાથમાં લેવામાં આવ્યો હતો. સમિતિએ અહેવાલ સુપરત કર્યો છે.’
મહારાષ્ટ્ર સરકારે ૮ ઑક્ટોબરે બૉમ્બે હાઈ કોર્ટને જાણ કરી હતી કે મુંબઈ યુનિવર્સિટીની સેનેટની ચૂંટણીને સ્થગિત ‘ન્યાયના હિત’માં કરવામાં આવી હતી. સરકારના ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ વિભાગે ઍડવોકેટ સાગર દેવરે દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીના જવાબમાં એક ઍફિડેવિટ દાખલ કરી હતી, જેણે સપ્ટેમ્બરમાં સેનેટની ચૂંટણી મુલતવી રાખવાનો યુનિવર્સિટીનો નિર્ણય ‘રાજકીય દબાણ’થી પ્રભાવિત હોવાનો આક્ષેપ કર્યો હતો. દેવરેએ ૧૭ ઑગસ્ટે મુંબઈ યુનિવર્સિટી દ્વારા જારી કરાયેલા પરિપત્રને રદ કરવાની માગ કરી હતી.
