નવાઈની વાત એ છે કે સોસાયટીને ખબર જ નહોતી. આ તો ટાવર કંપનીના માણસો ઇન્સ્પેક્શન માટે આવ્યા ત્યારે મામલો બહાર આવ્યો
પ્રતીકાત્મક તસવીર
કાંદિવલી-વેસ્ટના મહાવીરનગરની એકતા ભૂમિ હાઉસિંગ સોસાયટીની ટેરેસ પર આવેલા મોબાઇલનો ટાવર જ ચોરી જવાની ચોંકાવનારી ઘટના બહાર આવી છે. ચોર અંદાજે ૧૭ લાખ રૂપિયાની કિંમતનો ટાવર અને અન્ય સરંજામ ચોરી ગયા છે. આ બાબતે કોર્ટના આદેશ અનુસાર કાંદિવલી પોલીસ-સ્ટેશનમાં કેસ નોંધાયો છે.
સોસાયટીએ ૨૦૦૯માં એક કંપની સાથે ટેરેસ પર મોબાઇલ ટાવર ઊભો કરવાનું ઍગ્રીમેન્ટ કર્યું હતું. કંપની એ માટે સોસાયટીને ભાડું ચૂકવતી હતી. ૨૦૧૦માં એ ટાવર ઇન્સ્ટૉલ કરવામાં આવ્યો હતો. ૨૦૨૩માં કંપનીએ એના પ્રતિનિધિને સોસાયટીમાં એ મોબાઇલ ટાવરની ચકાસણી કરવા મોકલ્યો ત્યારે ત્યાંથી ટાવર જ ગાયબ હોવાનું જણાઈ આવ્યું હતું. એથી કંપનીએ સોસાયટીને એના વિશે પૂછ્યું હતું. ગુજરાતીઓની બહુમતીવાળી આ સોસાયટીએ કહ્યું કે તેમને એના વિશે કશી ખબર નથી. સોસાયટી સાથે ઍગ્રીમેન્ટ થયું હોવાથી કંપનીએ ત્યાર બાદ કોર્ટમાં કેસ કર્યો હતો.
ADVERTISEMENT
કંપનીએ કોર્ટમાં સોસાયટી અને એની વચ્ચેનું ઍગ્રીમેન્ટ, ટાવર ઇન્સ્ટૉલ કર્યો ત્યારના ફોટો સહિતના અન્ય પુરાવા રજૂ કર્યા હતા. એના આધારે કોર્ટે કાંદિવલી પોલીસને ગુનો દાખલ કરીને આ બાબતે તપાસ કરવા જણાવ્યું છે. કાંદિવલી પોલીસે આ સંદર્ભે ૧૭.૪૦ લાખ રૂપિયાના મોબાઇલ ટાવરની ચોરીનો કેસ નોંધીને વધુ તપાસ ચાલુ કરી છે.

