તૂટી શકે છે ફેબ્રુઆરીની ગરમીનો ૫૯ વર્ષ જૂનો રેકૉર્ડઃ હીટવેવની જાહેરાત કર્યા મુજબ ગઈ કાલે શહેરમાં ૩૮.૭ ડિગ્રી તાપમાનની થઈ નોંધ : હવે આજે પારો ૩૯ ડિગ્રી કુદાવે એવી શક્યતા : વેધશાળાએ યલો વૉર્નિંગ જાહેર કરીને મુંબઈગરાઓને ઘરમાં રહેવાની સલાહ આપી
આજે ઘરમાં જ રહેવામાં ભલાઈ
હવામાન વિભાગની આગાહી મુજબ ગઈ કાલે મુંબઈ અને આસપાસના વિસ્તારમાં દિવસ દરમ્યાન સખત ગરમી અનુભવાઈ હતી. જોકે ૩૭ ડિગ્રી જેટલું મહત્તમ તાપમાન રહેવાની આગાહી વચ્ચે ગઈ કાલે પારો ૩૮.૭ ડિગ્રી જેટલો ઊંચો રહ્યો હતો. આગામી ૪૮ કલાકમાં પારો ૩૯ ડિગ્રી વટાવી શકે છે. ૧૯૬૬માં ફેબ્રુઆરી મહિનામાં સૌથી વધુ ૩૯.૬ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. ૫૯ વર્ષ પહેલાંનો આ રેકૉર્ડ એકાદ-બે દિવસમાં તૂટવાની શક્યતા છે. વધુપડતી ગરમી પડવાની શક્યતા છે એટલે હવામાન વિભાગે યલો અલર્ટ જારી કરીને લોકોને ઘરમાં જ રહેવાની સલાહ આપી છે. આગામી ચાર દિવસ સુધી આવી જ ગરમી રહેવાની શક્યતા છે. ગઈ કાલે બપોરના ભારે ગરમી અનુભવાઈ હતી. બપોરના સમયે હવા એટલી ગરમ હતી કે લોકલ ટ્રેનના પંખા પણ કામ નહોતા આવ્યા. પંખાઓમાંથી પણ ગરમ હવા ફૂંકાતાં લોકો પરસેવે રેબઝેબ થઈ ગયા હતા. હવામાં ભેજનું પ્રમાણ પણ ૫૦ ટકા જેટલું જ રહ્યું હતું. આને લીધે પણ વધુ ગરમી અનુભવાઈ હતી.




