અકસ્માતોમાં મુંબઈ દેશમાં બારમા સ્થાને અને અકસ્માતોથી થતાં મૃત્યુમાં ૧૪માં સ્થાને છે
પ્રતીકાત્મક તસવીર
મુંબઈમાં ૨૦૨૩માં ૨૫૩૩ રોડ-ઍક્સિડન્ટ થયા હતા જેમાં ૩૮૪ લોકોએ જીવ ગુમાવ્યા હતા અને ૩૦૦૦ લોકો ઘાયલ થયા હતા, જે ૨૦૨૨ કરતાં ૩૩ ટકા વધુ હતા. ૨૦૨૨માં એ આંકડો ૧૮૯૫ હતો. મિનિસ્ટ્રી ઑૅફ રોડ ટ્રાન્સપોર્ટ ઍન્ડ હાઇવે દ્વારા તાજેતરમાં બહાર પાડવામાં આવેલા ‘રોડ-ઍક્સિડન્ટ ઇન ઇન્ડિયા ૨૦૨૩’ના રિપોર્ટમાં આ આંકડા જાણવા મળ્યા હતા.
૧૦ લાખ કરતાં વધુ વસ્તી ધરાવતાં શહેરોમાં થતા અકસ્માતોમાં મુંબઈ ૧૨મા સ્થાને આવ્યું છે, જ્યારે અકસ્માતના મૃત્યુદરમાં મુંબઈનો નંબર ૧૪મો રહ્યો છે. આ અહેવાલમાં એક મહત્ત્વની વાત એ હતી કે મોટા ભાગના અકસ્માત Y જંક્શનની આસપાસ સીધા રોડ પર થયા હતા.
ADVERTISEMENT
ઓવર-સ્પીડિંગને કારણે ૨૪૭૯ અકસ્માત થયા હતા જેમાં ૩૭૩ લોકોએ જીવ ગુમાવ્યા હતા અને ૩૨૪૨ લોકો ઘાયલ થયા હતા. ડ્રન્કન ડ્રાઇવિંગને લીધે થયેલા ૫૪ અકસ્માતમાં ૧૧ જણે જીવ ગુમાવ્યા હતા. રાહદારીઓએ ૧૧૦૪ અકસ્માતનો ભોગ બનવું પડ્યું હતું જેમાં ૧૭૧નાં મોત થયાં હતાં. ટૂ-વ્હીલરના ૧૬૦ અકસ્માત થયા હતા જેમાં ૨૩ લોકોએ જીવ ગુમાવ્યા હતા, જ્યારે સાઇકલના થયેલા અકસ્માતની સંખ્યા ૧૬૬ હતી, જેમાં ૯ જણનાં મોત થયાં હતાં અને ૧૯૯ લોકો ઘાયલ થયા હતા.
મહારાષ્ટ્રમાં ૩૫,૨૪૩ અકસ્માત નોંધાયા હતા, જેમાં ૧૫,૩૬૬ લોકોએ જીવ ગુમાવ્યા હતા, જે દેશભરમાં ત્રીજા સ્થાને રહ્યું હતું. રાજ્યમાં હેલ્મેટ ન પહેરવાને કારણે ૩૯૨૦ ટૂ-વ્હીલર પર પ્રવાસ કરનારાઓએ જીવ ગુમાવ્યા હતા, જ્યારે કારમાં સીટ-બેલ્ટ ન પહેરવાને લીધે ૭૨૫ લોકોએ જીવ ગુમાવ્યા હતા.
દેશભરમાં ૪,૮૦,૫૮૩ અકસ્માત નોંધાયા હતા, જેમાં ૧,૭૨,૮૯૦ લોકોએ જીવ ગુમાવ્યા હતા. એમાં અકસ્માતમાં મહારાષ્ટ્રનો ફાળો ૭.૩ ટકા અને મૃત્યુમાં ૮.૯ ટકા હતો.
ઓવરસ્પીડિંગ અને ડ્રન્કન ડ્રાઇવિંગ અકસ્માતનાં સૌથી મોટાં કારણો
રાજ્યમાં થયેલા અકસ્માતમાં સંકળાયેલાં વાહનોમાંથી ૫૭.૮ ટકા વાહનો ૧૦ વર્ષ કરતાં જૂનાં હતાં.
મહારાષ્ટ્રમાં થયેલા ૩૫,૨૪૩ અકસ્માતોમાંથી ૭૨૪૪ બપોરે ૩થી સાંજે ૭ વચ્ચે થયા.


