રિજ રોડ પર આવેલી રુબી હિલ્સ પર આવેલા એ મકાનની નીચેના પથ્થરની સેફ્ટી-વૉલમાંથી માટી ખરવા માંડી હતી અને કેટલાક પથ્થર પણ દીવાલ છોડીને રસ્તા પર પડી ગયા હતા
સેફ્ટી-વૉલમાંથી માટી અને પથ્થરો પડી રહ્યા હોવાથી પોલીસે બન્ને તરફનો ટ્રૅફિક અટકાવી દીધો હતો.
મુંબઈને ધમરોળનાર સોમવારના વરસાદ વખતે મલબાર હિલ પાસે વાલકેશ્વર રોડ સામે રિજ રોડ પર રુબી હિલ્સ પર આવેલા બે માળના જૂના મ્હાડાના સેસ્ડ બિલ્ડિંગ હેઠળની માટી અને પથ્થરો ધસી પડ્યાં હતાં અને મકાન પણ ક્યારેય પડી શકે એવું લાગતાં સાવચેતીના પગલે એને ખાલી કરાવવામાં આવ્યું છે અને આમ મોટી દુર્ઘટના થતી રહી ગઈ હતી.
ધોધમાર પડી રહેલા વરસાદમાં સોમવારે બપોરે બે વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી. રિજ રોડ પર આવેલી રુબી હિલ્સ પર આવેલા એ મકાનની નીચેના પથ્થરની સેફ્ટી-વૉલમાંથી માટી ખરવા માંડી હતી અને કેટલાક પથ્થર પણ દીવાલ છોડીને રસ્તા પર પડી ગયા હતા. એથી આ બાબત જોખમી બની શકે અને મકાન પણ પડી શકે એવું લાગતાં જ રહેવાસીઓ મકાન છોડીને નીકળી ગયા હતા. પોલીસ અને ફાયર-બ્રિગેડને જાણ કરતાં તેઓ પણ આવી પહોંચ્યાં હતાં. પોલીસે તરત જ સાવચેતીનાં પગલાંરૂપે રોડ પરનો બન્ને તરફનો ટ્રૅફિક પણ થોભાવી દીધો હતો. ધીમે-ધીમે માટી અને પથ્થરો ત્યાંથી સરકીને રોડ પર પડવા માંડ્યાં હતાં, પણ મકાન ટકી ગયું હતું. જોકે એ સહેજ ટિલ્ટ થઈ ગયું હતું.
ADVERTISEMENT
બધા સેફ છે : રહેવાસી
આ મકાનમાં દુકાન ધરાવતા અને રહેતા સંજય શિર્કેએ કહ્યું હતું કે ‘દુકાનદારો અને રહેવાસીઓ બધા જ સેફ છે. ત્રણ પરિવારો ટ્રાન્ઝિટ કૅમ્પમાં રહેવા ગયા છે. મકાનમાલિકે કેટલીક ગેરકાયદે રીતિઓ અપનાવતાં અને મકાન જૂનું થઈ ગયું હોવાથી નબળું પડી ગયું છે. હાલ રોડ પર પડેલો કાટમાળ હટાવી લેવામાં આવ્યો છે. હવે આગળ શું કરવું એ માટે ટૂંક સમયમાં અમે રહેવાસીઓની મીટિંગ બોલાવીને નિર્ણય લઈશું.’


