Mumbai Rains: આગામી ત્રણ કલાકમાં મુંબઈ શહેર અને ઉપનગરો તેમ જ રાયગઢ જિલ્લામાં કેટલાક સ્થળોએ મધ્યમથી ભારે વરસાદ થવાની સંભાવના છે.
પ્રતીકાત્મક તસવીર
આજે સવારથી જ મુંબઈમાં વરસાદ (Mumbai Rains) થઇ રહ્યો છે. આઇએમડીએ મુંબઈ અને તેના ઉપનગરોમાં આગામી ત્રણ કલાકમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી વ્યક્ત કરતાં ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે.
હવામાન વિભાગે જણાવ્યું છે કે આગામી ત્રણ કલાકમાં મુંબઈ શહેર (Mumbai Rains) અને ઉપનગરો તેમ જ રાયગઢ જિલ્લામાં કેટલાક સ્થળોએ મધ્યમથી ભારે વરસાદ થવાની સંભાવના છે. નાગરિકોએ આ દરમિયન સાવચેતી પાળવાની જરૂર છે. લેટેસ્ટ રિપોર્ટ અનુસાર થાણે, પાલઘર અને રત્નાગીરી જેવા જિલ્લાઓ તેમ જ પૂણે જિલ્લાના ઘાટ વિસ્તારો માટે આગામી ત્રણ કલાકમાં મધ્યમ વરસાદની આગાહી સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
ADVERTISEMENT
દક્ષિણ મુંબઇમાં (Mumbai Rains) ખાસ કરીને ગેટવે ઓફ ઇન્ડિયા, મરીન ડ્રાઇવ, કોલાબામાં વરસાદ થવાની શક્યતા છે. મધ્ય મુંબઇના દાદર, સાયન, કુર્લા, માટુંગા જેવા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાનું જોખમ વધારે રહેલું છે. પશ્ચિમી ઉપનગરોમાં ખાસ કરીને અંધેરી, બાંદ્રા, ઘાટકોપર, ચેમ્બુર, ભાંડુપમાં પણ વરસાદ થવાની શક્યતા છે. નવી મુંબઇના વાશી, નેરુલ, કોપરખૈરાણે, ઘણસોલીમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા છે. થાણેમાં પણ આજે વરસાદની શક્યતા છે.
આજે મુંબઈમાં વરસાદની સંભાવના 60-80 ટકા જેટલી છે. ખાસ કરીને મધ્યમથી ભારે વરસાદની અપેક્ષા છે. વરસાદની સાથે જ પવનની ગતિની વાત કરવામાં આવે તો દક્ષિણ-પશ્ચિમ દિશાથી પવન ફૂંકાશે અને તેની ઝડપ લગભગ 14-34 કિમી/કલાક હશે. આ સાથે જ મુંબઈની હવામાં ભેજનું સત્ર પણ 70-80 ટકા હશે. આજે હવાની ગુણવત્તા સારી રહેશે, પરંતુ જે લોકોને શ્વાસની તકલીફ છે તેવા લોકોએ આજે ઘરની બહાર રહેવાનું ટાળવું જોઈએ.
મુંબઈ (Mumbai Rains)માં બપોરે 3:04 વાગ્યે 4.28 મીટરની ઉંચાઈ સાથે ભરતીનાં મોજાં ઊછળવાની શક્યતા છે. ત્યારબાદ રાત્રે 9:14 વાગ્યે 0.77 મીટરની ઉંચાઈ સાથે ઓટ રહેશે. આવતીકાલે 3.99 મીટરની ઊંચાઈ સાથે સવારે 3:54 વાગ્યે ભરતી રહેશે. જ્યારે ઓટ 9:26 વાગ્યે રહેશે. આ દરમિયાન બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી)ના ડેટા અનુસાર શહેરને પાણી પૂરું પાડતાં સાત જળાશયોમાં પાણીનો એકત્ર જથ્થો હવે 89.38 ટકા થયો છે. બીએમસીના જણાવ્યા અનુસાર આ જળાશયોમાં કુલ પાણીનો જથ્થો 12,91,129 મિલિયન લિટર છે, જે તેમની કુલ ક્ષમતાના 89.38 ટકા છે. બીએમસી અપર વૈતરણા, મોડક સાગર, તાનસા, મધ્ય વૈતરણા, ભાતસા, વિહાર અને તુલસી તળાવોમાંથી દરરોજ પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે. આમાંથી તાનસામાં 97.88 ટકા, મોડક સાગરમાં 91.24 ટકા, મધ્ય વૈતરણામાં 95.26 ટકા, અપર વૈતરણામાં 84.07 ટકા, ભાતસામાં 87.93 ટકા, વિહારમાં 76.61 ટકા અને તુલસીમાં 87.44 ટકા પાણીનો સ્ટોક થયો છે.
મધ્યમથી ભારે વરસાદને કારણે મુંબઈના કેટલાક ભાગોમાં ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની શક્યતા છે.


