મુંબઈ-પુણે એક્સપ્રેસવે પર ચાલતી કારમાં જ અચાનક પાછળની નંબર-પ્લેટ ગાયબ થઈ જતી હોવાનો વિડિયો ઇન્ટરનેટ પર વાઇરલ થયો, કારમાં નવું મૉડિફિકેશન કરીને કઈ રીતે ટ્રાફિકના નિયમોનુ ઉલ્લંઘન કરીને પણ છટકી શકાય છે એ સામે આવ્યું
ચાલતી કારે ગાયબ થઈ જતી નંબર-પ્લેટ.
ટ્રાફિક-પોલીસથી બચવા માટે કે પછી ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરીને છટકી જવા માટે નંબરપ્લેટ ન લગાવવી કે પછી નંબરપ્લેટ ઢાંકી નાખવી એ હવે જૂની તરકીબ થઈ ગઈ છે એવું ઇન્ટરનેટ પર વાઇરલ થયેલા વિડિયો પરથી જણાય છે. મુંબઈ-પુણે એક્સપ્રેસવે પર જઈ રહેલી એક ફૉર્ચ્યુનર કારની પાછળની નંબરપ્લેટ ચાલતી કારે જ ગાયબ થઈ જતી હોવાનો વિડિયો ઇન્ટરનેટ પર વાઇરલ થયો છે. કાર ચાલતી હોય છે ત્યારે નંબર દેખાય છે અને બીજી જ ક્ષણે એ ગાયબ થઈ જાય છે એવું વિડિયોમાં દેખાય છે.
કારમાં અમુક મૉડિફિકેશન કરીને ટેક્નૉલૉજીની મદદથી આ પ્રકારની કાર્યવાહીથી બચવા માટે ગજબના આઇડિયાથી નેટિઝન્સ આશ્ચર્યચકિત તો છે જ, પરંતુ આના કારણે ટ્રાફિકના નિયમોના ઉલ્લંઘન તથા સુરક્ષાનો પણ પ્રશ્ન ઊભો થયો હોવાની ચર્ચા ચાલી રહી છે. જો કોઈ ગુનેગાર ગુનો કરીને કોઈ કારમાં આ પ્રકારે ફેરફાર કરી શકે તો તેને શોધવો મુશ્કેલ થઈ શકે એવો નિષ્કર્ષ પણ લગાવવામાં આવી રહ્યો છે. આ નંબરપ્લેટની કાર દ્વારા ભૂતકાળમાં ટ્રાફિકના અનેક નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હોવાનું પણ જણાયું છે.
ADVERTISEMENT
આ કાર વિરુદ્ધ પંચાવનથી વધારે
ચલાન અને એક લાખ રૂપિયાનો દંડ છે
ઇન્ટરનેટ પર વાઇરલ થયેલો વિડિયો કારની પાછળ જઈ રહેલી કારમાંથી કોઈએ લીધો છે અને એને સોશ્યલ મીડિયા પર મૂકનારા યુઝરનો દાવો છે કે આ નંબરપ્લેટની કાર વિરુદ્ધ ટ્રાફિક-પોલીસ દ્વારા પંચાવનથી વધુ ચલાન ફટકારવામાં આવ્યાં છે અને દંડની રકમ પણ એક લાખ રૂપિયા કરતાં વધારેની છે. આ કારે સ્પીડિંગ તથા ડેન્જરસ ડ્રાઇવિંગ જેવા ટ્રાફિક-નિયમોનું ઉલ્લંઘન કર્યું છે.
