એના ફ્રન્ટ પેજના અહેવાલની અસરથી કલાકોમાં જ કાંદિવલીમાં પાલિકાએ કચરાનો નિકાલ કર્યો
‘મિડ-ડે’ના રિપોર્ટ પછી કાંદિવલીમાં રોડના કામના સ્થળેથી ધૂળ ઉપાડી લેવાઈ
કાંદિવલી-વેસ્ટમાં કાટમાળના નિકાલની મંજૂરી આપી પોતાના જ સ્વચ્છતાના નિયમો નેવે મૂકતી બીએમસીને ‘મિડ-ડે’એ એક્સપોઝ કરતાં અચાનક પાલિકાએ સક્રિયતા બતાવીને કચરો ભેગો કરેલા વિસ્તારને ધોઈ નાખ્યો હતો.
બીએમસીએ હાલમાં જ મહાવીરનગરથી ચારકોપ સુધીના રસ્તા અને ફુટપાથને લગતાં કામ હાથમાં લેવાની શરૂઆત કરી હતી. સાંકડા રસ્તાઓ સાથે સંઘર્ષ કરતા સ્થાનિક લોકોએ આશા વ્યક્ત કરી હતી કે કૉર્પોરેશન ૨૮ ઑક્ટોબરે એણે પોતે કરેલા કચરાને દૂર કરવા કામ હાથમાં લે અને તમામ કન્સ્ટ્રક્શન સાઇટને ગાઇડલાઇન પૂરી પાડે.
ADVERTISEMENT
પાલિકાની ગાઇડલાઇન
બીએમસીની ગાઇડલાઇન મુજબ ખુલ્લી માટી, રેતી, કન્સ્ટ્રક્શન મટીરિયલ અને આ પ્રકારના અન્ય કાટમાળને એવાં સ્થળોએ રાખવાં જોઈએ જે પૂરેપૂરાં બૅરિકેડ કર્યાં હોય અને તાડપત્રીથી સંપૂર્ણ ઢાંકેલાં હોય. એણે એ વાતની પણ ખાતરી કરવી જોઈએ કે કન્સ્ટ્રક્શન મટીરિયલ અને કાટમાળને પબ્લિક રોડ, સાઇડ-વૉક્સ, ફુટપાથ અને ઓપન સ્પેસમાં ફેંકવો ન જોઈએ.
‘મિડ-ડે’ દ્વારા આ મુદ્દો ઉઠાવાયા બાદ અધિકારીઓ દ્વારા તાત્કાલિક તાડપત્રી વિનાના રસ્તા પર પડેલા કાટમાળને ઉઠાવી લેવાયો હતો અને કેટલાક દિવસોથી પડેલા કચરાને ધોવા માટે બીએમસીએ ટૅન્કર પણ મોકલ્યાં હતાં. કલાકોમાં જ રસ્તા ધોવાઈ ગયા હતા. બીએમસીની તડામાર કાર્યવાહીને પગલે રસ્તો કચરા વિનાનો થઈ ગયો હતો. સ્થાનિક લોકોએ પૂછ્યું હતું કે શા માટે પાલિકા સ્થાનિકો દ્વારા ફરિયાદ થવાની રાહ જુએ છે?
સ્થાનિક લોકોની ફરિયાદો
ચારકોપના રહેવાસી સંજય ભટ્ટે જણાવ્યું હતું કે ‘પાલિકા પાસે કાર્યવાહી કરવાનાં તમામ સાધનો છે. એણે કૉન્ટ્રૅક્ટરોને કડક શબ્દોમાં સૂચના આપવી જોઈએ. શા માટે તેઓ લોકોની ફરિયાદની રાહ જુએ છે? શું તેમને નથી દેખાતું કે રસ્તાઓ પર શું થઈ રહ્યું છે?’
અહમદ નામના સોશ્યલ મીડિયા યુઝરે એક્સ પર લખ્યું હતું કે ‘બાંદરા હિલ રોડ અને બાજુના રસ્તાઓ પર પણ મોટા પ્રમાણમાં ખોદકામને કારણે લોકો આ જ પ્રકારની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. આ નિયમો માત્ર કાગળો પર છે અને લોકોને મૂર્ખ બનાવાઈ રહ્યા છે.’
બીએમસીના રોડ ડિપાર્ટમેન્ટના અધિકારીના જણાવ્યા પ્રમાણે કૉન્ટ્રૅક્ટરને આ મુદ્દે નોટિસ ફટકારવામાં આવી છે અને તેઓ હવેથી આ મુદ્દે પૂરેપૂરું ધ્યાન આપશે.


