Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > Mumbai News: બાંદરા ઈસ્ટનો નવો સ્કાયવૉક હવે જાહેર જનતા માટે થઈ ગયો ખુલ્લો

Mumbai News: બાંદરા ઈસ્ટનો નવો સ્કાયવૉક હવે જાહેર જનતા માટે થઈ ગયો ખુલ્લો

Published : 27 January, 2026 07:14 AM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Mumbai News: પશ્ચિમ રેલવે દ્વારા ગઇકાલે  નવા બાંધવામાં આવેલા બાંદરા પૂર્વના સ્કાયવૉકને જાહેર જનતા માટે ખોલવામાં આવ્યો હતો. આ બાબતે અધિકારીઓએ જણાવ્યું હતું કે, હાલમાં જ તૈયાર કરવામાં આવેલો સ્કાયવૉક રાહદારીઓની ભીડને પહોંચી વળવામાં મહત્વનો ભાગ ભજવશે.

સ્કાયવૉક

સ્કાયવૉક


Mumbai News: બાંદરા ઈસ્ટનો સ્કાયવૉક રિપબ્લિક-ડેના દિવસથી જાહેર જનતા માટે ખુલ્લો મૂકવામાં આવશે એવા અહેવાલ બાદ રાહદારીઓને મોટી રાહત થઈ હતી. હવે આનંદના સમાચાર એ છે કે પશ્ચિમ રેલવે દ્વારા ગઇકાલે  નવા બાંધવામાં આવેલા બાંદરા પૂર્વના સ્કાયવૉકને જાહેર જનતા માટે ખોલવામાં આવ્યો હતો. આ બાબતે અધિકારીઓએ જણાવ્યું હતું કે, હાલમાં જ તૈયાર કરવામાં આવેલો સ્કાયવૉક રાહદારીઓની ભીડને પહોંચી વળવામાં મહત્વનો ભાગ ભજવશે. રાહદારીઓની યાત્રા વધારે સરળ થશે.

આશિષ શેલારે કર્યું ઉદ્ઘાટન



તાજતેરમાં જાહેર કરાયેલ એક નિવેદનમાં જણાવાયું હતું કે બાંદરા ઈસ્ટ ખાતે નવા તૈયાર થયેલા સ્કાયવૉકનું (Mumbai News) ઉદ્ઘાટન રિપબ્લિક ડેના રોજ મહારાષ્ટ્રના માહિતી ટેકનોલોજી અને સાંસ્કૃતિક બાબતોના મંત્રી અને મુંબઈ ઉપનગરીય જિલ્લાના સંરક્ષક મંત્રી આશિષ શેલારે કર્યું હતું. ઉદ્ઘાટન દરમિયાન બાંદરા ઈસ્ટના ધારાસભ્ય અને શિવસેના (યુબીટી)ના નેતા વરુણ સરદેસાઈ પણ ખાસ હાજર રહ્યા હતા. અધિકારીઓએ આ પ્રસંગ ટાંકતા જણાવ્યું હતું કે બાંદરા ઈસ્ટનો આ વિસ્તાર મુંબઈના સૌથી વ્યસ્ત વિસ્તારોમાંનો એક છે, અહીં મુસાફરી કરતા રાહદારીની સલામતી અને સુવિધા માટે જ આ સ્કાયવૉક વહેલી તકે ખોલવામાં આવ્યો છે.


કોને કોને થશે સુવિધા?

આ સ્કાયવૉકના ઉદ્ઘાટન કાર્યક્રમ (Mumbai News)માં આવેલા આશિષ શેલારે જણાવ્યું હતું કે, સરકાર નાગરિકોની સલામતી અને સુવિધા પર ધ્યાન કેન્દ્રિત કરીને મુંબઈના ઉપનગરોમાં આ પ્રકારની સ્ટ્રક્ચરલ સુવિધાઓને મજબૂત કરવા માટે પ્રતિબદ્ધ છે. આ સ્કાયવૉક બાંદ્રા ઈસ્ટ રેલવે સ્ટેશનને સીધા જ પદયાત્રી પુલ અને વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે સાથે જોડે છે, જેનાથી પદયાત્રીઓ ભીડમાં અટવાયા વગર પોતાના સ્થાને પહોંચી શકાય છે. આ પ્રોજેક્ટથી મુસાફરીનો સમય ઘટશે, રાહદારીઓની સલામતીમાં સુધારો થશે અને અનંત કાનેકર રોડ પર ભીડ ઓછી થશે તેવી અપેક્ષા છે.


તમને જણાવી દઈએ કે બાંદરા કોર્ટ, બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સ (બીકેસી) મ્હાડા ઓફિસ અને જિલ્લા કલેક્ટરની ઓફિસ વચ્ચે મુસાફરી કરતા લોકોની સરળતા માટે ખાસ કરીને આ સ્કાયવૉક તૈયાર કરાયો છે. આ સ્કાયવૉક બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી) દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. જેનું સ્ટ્રક્ચર આધુનિક, ટકાઉ અને ઉચ્ચ ગુણવત્તાની સામગ્રીથી બનેલું હોવાનો દાવો પણ અધિકારીઓએ કર્યો હતો.

આ નૂતન સ્કાયવૉકના ઉદ્ઘાટન પ્રંસગે એડિશનલ મ્યુનિસિપલ કમિશનર (પ્રોજેક્ટ્સ) અભિજીત બાંગર, ડેપ્યુટી કમિશનર (ઇન્ફ્રાસ્ટ્રક્ચર) ગિરીશ નિકમ અને એચ-ઇસ્ટ વોર્ડના આસિસ્ટન્ટ કમિશનર પણ હાજર રહ્યા હતા.

વરિષ્ઠ અધિકારીઓએ નિયત સમયમાં પ્રોજેક્ટ પૂર્ણ કરવા બદલ એન્જિનિયરિંગ ટીમને પણ બિરદાવી હતી. આ ટીમમાં એક્ઝિક્યુટિવ એન્જિનિયર નામદેવ રવકલે, આસિસ્ટન્ટ એન્જિનિયર પ્રશાંત જવાલે અને જુનિયર એન્જિનિયર અમિત દાસુરકરનો સમાવેશ થાય છે.

એડિશનલ મ્યુનિસિપલ કમિશનર અભિજીત (Mumbai News) બાંગરે જણાવ્યું હતું કે રેલવે સ્ટેશન, બીકેસી કચેરીઓ, બાંદ્રા કોર્ટ, મ્હાડા કચેરી અને નજીકના વ્યાપારી વિસ્તારો વચ્ચે મુસાફરી કરતા પદયાત્રીઓ માટે આ સ્કાયવૉક ઘણો જ હેલ્પફૂલ રહેશે.

તેમણે જણાવ્યું હતું કે સ્કાયવૉકને રેલવે સત્તામંડળો તરફથી સલામતી પ્રમાણપત્રો અને નો-ઓબ્જેક્શન મંજૂરી પણ મળી છે અને તેને રિપબ્લિક ડેના દિવસથી જાહેર જનતા માટે ખોલી દેવામાં આવેલ છે.

નવા સ્કાયવૉક વિશે આટલું જાણી લઈએ:

કુલ લંબાઈઃ ૬૮૦ મીટર

સરેરાશ પહોળાઈઃ ૫.૪૦ મીટર

એન્ટ્રી પોઈન્ટ: ચાર દાદરાઓ

ઍસ્કેલેટર્સઃ ૨ ઑટોમેટિક ઍસ્કેલેટર્સ

સુરક્ષાઃ ૧૪ સીસીટીવી કેમેરા થકી દેખરેખ 

પડકારજનક પરિસ્થિતિઓ વચ્ચે ઊભો કરાયો છે સ્કાયવૉક

અધિકારીઓએ જણાવ્યું હતું કે, "વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે (Mumbai News) પર ભારે ટ્રાફિક, મધરાતે માત્ર બાંધકામની બારીઓ અને નીચે અનંત કાનેકર રોડ પર સતત રાહદારીઓની અવરજવરને કારણે પડકારજનક પરિસ્થિતિઓમાં સ્કાયવૉકનું નિર્માણ કરવામાં આવ્યું હતું" તેમણે ઉમેર્યું હતું કે, યુટિલિટી શિફ્ટિંગ અને સલામતીના પડકારો હોવા છતાં, મજબૂત ઇજનેરી કૌશલ્ય અને સંકલન દર્શાવતા આ પ્રોજેક્ટ આયોજિત સમયમર્યાદામાં પૂર્ણ થયો હતો.

Whatsapp-channel Whatsapp-channel

27 January, 2026 07:14 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK