વિવિધ વિસ્તારોમાં ફેરિયાઓ સામે લડતા ઍક્ટિવિસ્ટો પર હુમલા કરવામાં આવી રહ્યા છે એ વિશે પણ પોલીસ સામે પ્રકાશ પાડવામાં આવ્યો હતો
મુલુંડના ઍક્ટિવિસ્ટોએ પોલીસ અને BMCને પત્ર આપીને ફરિયાદ કરી હતી.
મુંબઈના વિવિધ વિસ્તારોમાં ગેરકાયદે અતિક્રમણ કરતા ફેરિયાઓથી લોકો ત્રાસી ગયા છે. છેલ્લા એક મહિનામાં મુંબઈના જુદા-જુદા ત્રણ વિસ્તારમાં ફેરિયાઓએ પબ્લિક પર હુમલો કર્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે ત્યારે મુલુંડમાં ગેરકાયદે બેસીને લોકોને પરેશાન કરતા ફેરિયાઓની સાન ઠેકાણે લાવવા મુલુંડના ઍક્ટિવિસ્ટો મેદાનમાં ઊતર્યા હોવાનું જોવા મળ્યું છે. બુધવારે મુલુંડના જાણીતા ઍક્ટિવિસ્ટોએ મુલુંડ પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર અજય જોષી, બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ના T વૉર્ડનાં અસિસ્ટન્ટ કમિશનર યોગિતા કોલ્હે અને વિધાનસભ્ય મિહિર કોટેચાને ફરિયાદપત્ર આપીને ગેરકાયદે દબાણ કરતા ફેરિયાઓ પર યોગ્ય કાર્યવાહી કરવાની માગણી કરી છે.
અમારી ફરિયાદ રોડની વચ્ચે, ફુટપાથ અને ખૂણા કવર કરીને બેસતા ગેરકાયદે ફેરિયાઓ સામે છે એમ જણાવીને એક ઍક્ટિવિસ્ટ નિર્મલ ઠક્કરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘હું અને અમારી ટીમના ઍક્ટિવિસ્ટ મેમ્બરો મુલુંડના નાગરિકોની વિવિધ સમસ્યાઓ માટે લડીએ છીએ. નિયમનું પાલન કરીને બેસતા ફેરિયાઓ સામે અમારો કોઈ વિરોધ નથી. BMCની ફેરિયાઓની યાદી અનુસાર મુલુંડના માત્ર ૬૬૬ ફેરિયાઓ માન્યતાપ્રાપ્ત છે. જોકે હાલમાં ૨૦૦૦થી વધારે ફેરિયાઓ મુલુંડના વિવિધ વિસ્તારોમાં બેસે છે. જગ્યાના અભાવે મોટા ભાગના ફેરિયાઓ એકની આગળ એક એમ ૩ લેયરમાં બેસે છે. અમુક ફેરિયાઓ ખૂણો કવર કરીને બેસતા હોય છે. આવા ફેરિયાઓ સામે કાર્યવાહી કરવાની માગણી કરતો પત્ર અમે પોલીસ, BMC અને સ્થાનિક વિધાનસભ્યને આપ્યો છે. આ માગણીમાં સામાન્ય નાગરિકોને રોજ શું પરેશાનીનો સામનો કરવો પડે છે એની પણ જાણ અધિકારીઓને કરવામાં આવી છે. આ ફરિયાદ બાદ પોલીસ અને BMCએ ગેરકાયદે હૉકર્સ સામે કાર્યવાહી કરીશું એવું આશ્વાસન આપ્યું છે.’
ADVERTISEMENT
વિવિધ વિસ્તારોમાં ફેરિયાઓ સામે લડતા ઍક્ટિવિસ્ટો પર હુમલા કરવામાં આવી રહ્યા છે એ વિશે પણ પોલીસ સામે પ્રકાશ પાડવામાં આવ્યો હતો એમ જણાવતાં મુલુંડના અન્ય એક એક્ટિવિસ્ટે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સામાન્ય રીતે હૉકર્સની ફરિયાદ BMCને કરવામાં આવે ત્યારે અધિકારીઓ કાર્યવાહી માટે જાય એ પહેલાં ફેરિયાઓને એની માહિતી મળી જતી હોય છે. BMCના અધિકારીઓની હૉકર્સ સાથે સાઠગાંઠ હોવાના ચોક્કસ પુરાવા પણ અનેક વાર મળ્યા છે. હાલમાં જ્યારે ઍક્ટિવિસ્ટ દ્વારા કોઈ ફેરિયાની ફરિયાદ કરવામાં આવે છે ત્યારે BMCના અધિકારીઓ ફેરિયાને ફરિયાદ કરનારનું નામ અને ફોન-નંબર આપી દેતા હોય છે. ત્યાર બાદ પાછળથી ફરિયાદ કરનારને ધમકાવવામાં આવતો હોય છે. અનેક વાર ફેરિયાઓ દ્વારા ઍક્ટિવિસ્ટની મારઝૂડ પણ કરવામાં આવે છે. એ જોતાં અમે પોલીસ પાસે ઍક્ટિવિસ્ટોની સુરક્ષા રાખવા અંગે પણ માગણી કરી છે. આ ઉપરાંત ટૂંક સમયમાં યોગ્ય કાર્યવાહી કરવાની માગણી કરી છે.’


