ગઈ કાલે રાતના ૧૦ વાગ્યા સુધીમાં કોલાબા અને સાંતાક્રુઝમાં અનુક્રમે ૩૮૭.૪ મિલીમીટર અને ૨૨૧.૪ મિલીમીટર વરસાદ પડ્યો હતો
આગામી ૨૪ કલાકમાં મધ્યમથી ભારે વરસાદ થવાની આગાહી
આ વર્ષે ૯ જૂને ચોમાસું શરૂ થયા બાદ અત્યાર સુધી મુંબઈમાં છૂટોછવાયો વરસાદ પડી રહ્યો હતો, પરંતુ ગઈ કાલે આ ચોમાસામાં પહેલી વખત સવારના ૮ વાગ્યાથી રાતના ૯ વાગ્યા દરમ્યાન દોઢથી પોણાબે ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. બુધવાર રાતથી ગઈ કાલે સવારના ૮ વાગ્યા સુધી કોલાબામાં ૪૬.૬ મિલીમીટર તો સાંતાક્રુઝમાં ૧૪.૧ મિલીમીટર વરસાદ નોંધાયો હતો. જોકે ગઈ કાલે સવારના ૮ વાગ્યાથી રાતના ૧૦ વાગ્યા સુધીમાં કોલાબા અને સાંતાક્રુઝમાં અનુક્રમે ૪૩ મિલીમીટર અને ૪૨ મિલીમીટર વરસાદ પડ્યો હતો.
૯ જૂનથી શરૂ થયેલી ચોમાસાની આ સીઝનમાં ગઈ કાલે રાતના ૧૦ વાગ્યા સુધીમાં કોલાબા અને સાંતાક્રુઝમાં અનુક્રમે ૩૮૭.૪ મિલીમીટર અને ૨૨૧.૪ મિલીમીટર વરસાદ પડ્યો હતો, જે મુંબઈમાં ૨૭ જૂન સુધી થતા કુલ વરસાદ કરતાં કોલાબામાં ૮૯.૧ મિલીમીટર અને સાંતાક્રુઝમાં ૨૩૫.૪ મિલીમીટર ઓછો થયો છે. હવામાન વિભાગે આગામી ૨૪ કલાકમાં મધ્યમથી ભારે વરસાદ થવાની આગાહી ગઈ કાલે કરી હતી એટલે આજે પણ નોંધપાત્ર વરસાદ પડી શકે છે.


