મુંબઈગરાઓએ ચોમાસા માટે હજી એક અઠવાડિયું રાહ જોવી પડશે? અરબી સમુદ્રમાંથી આવતા ભેજવાળા પવનો નબળા પડ્યા એટલે મુંબઈ, કોકણ અને પશ્ચિમ મહારાષ્ટ્રમાં ચોમાસું લંબાયું
વરસાદના આગમનનો શંખનાદ ફૂંકતાં વાદળાં ચોમાસું મુંબઈમાં બરાબર બેસે એની રાહ જોવાઈ રહી છે ત્યારે ગુરુવારે જુહુમાં આકાશમાં વાદળાં ઘેરાયેલાં જોવા મળ્યાં હતાં. તસવીર : સૈયદ સમીર અબેદી
મુંબઈમાં સામાન્ય રીતે દર વર્ષે ૧૧ જૂનની આસપાસ ચોમાસું સત્તાવાર રીતે બેસી જતું હોય છે પરંતુ આ વર્ષે મુંબઈગરાઓએ વરસાદ માટે હજી લાંબી રાહ જોવી પડશે. હવામાન વિભાગ અને નિષ્ણાતોના મતે મુંબઈમાં હવે ૧૮ જૂન પછી જ મેઘરાજાની વિધિવત્ એન્ટ્રી થવાની સંભાવના છે. ત્યાં સુધી મુંબઈ અને આસપાસના વિસ્તારોના લોકોએ અસહ્ય ગરમી અને ભારે ઉકળાટનો સામનો કરવો પડશે. જોકે કેટલાક વિસ્તારોમાં હળવા પ્રી-મૉન્સૂન ઝાપટાં પડી શકે છે.
હવામાન નિષ્ણાતના મત મુજબ અરબી સમુદ્રમાંથી આવતા ભેજવાળા પવનો હાલમાં નબળા પડી રહ્યા છે, જ્યારે મુંબઈ અને પશ્ચિમ ભારત પર સૂકા પવનનો પ્રભાવ વધી ગયો છે. આ બદલાયેલા હવામાનને કારણે મુંબઈ, કોકણ, પશ્ચિમ મહારાષ્ટ્ર અને એની આસપાસના વિસ્તારોમાં આગામી થોડા દિવસ સુધી સારો વરસાદ પડવાની શક્યતા ઘણી ઓછી છે.
ADVERTISEMENT
ચોમાસામાં વિલંબને કારણે મુંબઈગરાઓને હાલમાં ગરમીમાંથી કોઈ રાહત મળે એમ નથી. મુંબઈમાં છેલ્લા પાંચ દિવસથી લઘુતમ તાપમાન સતત ૨૯થી ૩૦ ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહે છે જ્યારે મહત્તમ તાપમાન ૩૫ ડિગ્રીને પાર થઈ ગયું છે. દિવસ દરમ્યાન હવામાં ભેજનું પ્રમાણ ૭૦ ટકાથી વધારે રહેતાં અસહ્ય ઉકળાટ થઈ રહ્યો છે.
મુંબઈનાં ૭ તળાવોમાં પાણીનો સ્ટૉક ઘટીને ૧૨.૪૯ ટકા થયો
મુંબઈમાં પહેલેથી જ ૧૦ ટકા પાણીકાપ અમલમાં હોવા છતાં મુંબઈને પાણી પૂરું પાડતાં ૭ મુખ્ય જળાશયોમાં પાણીનું સ્તર ઘણું નીચું ઊતરી ગયું છે. ૧૦ જૂન સુધીના આંકડા મુજબ તળાવોમાં હવે માત્ર ૧.૮૦ લાખ મિલ્યન લીટર (ML) પાણી બચ્યું છે જે કુલ સંગ્રહક્ષમતાના માત્ર ૧૨.૪૯ ટકા જેટલું છે. અપર વૈતરણામાં પાણીનો જથ્થો પૂરો થઈ ગયો છે. તળાવ માત્ર એના ઇમર્જન્સી રિઝર્વ સ્ટૉકના ભરોસે જ ચાલી રહ્યું છે. એ ઉપરાંત અન્ય તળાવોની સ્થિતિ પણ ચિંતાજનક છે જેમાં દૈનિક ૪૪૦ મિલ્યન લીટર પાણી સપ્લાય કરતા તાનસા તળાવમાં હવે એની ક્ષમતાના માત્ર ૭ ટકા પાણી બચ્યું છે. ભાત્સા તળાવમાં માત્ર ૧૧ ટકા પાણી ઉપલબ્ધ છે અને મધ્ય વૈતરણામાં માત્ર ૧૫ ટકા પાણી બચ્યું છે.
પરિસ્થિતિ વણસે નહીં એ માટે રાજ્યના સિંચાઈ વિભાગે BMCને મોટી રાહત આપતાં અપર વૈતરણા અને ભાત્સા તળાવમાંથી વધારાનું ૨.૩૩ લાખ મિલ્યન લીટર રિઝર્વ પાણી વાપરવાની મંજૂરી આપી દીધી છે. જોકે આ રિઝર્વ સ્ટૉકનો ઉપયોગ જ્યારે સાતેસાત તળાવોનું સંયુક્ત જળસ્તર ૮ ટકાથી નીચે જશે ત્યારે જ કરવામાં આવશે.
જૂનના ૧૦ દિવસમાં નોંધાયો નજીવો વરસાદ
૧ જૂનથી અત્યાર સુધીમાં મુંબઈ શહેરમાં માત્ર ૪.૨ મિલીમીટર અને ઉપનગરોમાં ૧૨.૯ મિલીમીટર વરસાદ પડ્યો છે. ૧ જાન્યુઆરીથી અત્યાર સુધીનો કુલ આંકડો જોઈએ તો શહેરમાં ૧૪.૧ મિલીમીટર અને ઉપનગરોમાં ૨૮.૪ મિલીમીટર વરસાદ નોંધાયો છે. જોકે ચાલુ સપ્તાહમાં ૨૦થી ૪૦ મિલીમીટર સુધીનાં હળવાં ઝાપટાં પડવાની શક્યતા છે.
ગયા વર્ષે ચોમાસાએ ૨૬ મેએ દસ્તક દઈને વહેલા આવવાનો ઑલ ટાઇમ રેકૉર્ડ બનાવ્યો હતો.
