આ વર્ષે ચાર વરસાદી મહિનામાં ઍવરેજ વરસાદ ૨૩૧૯ મિલીમીટર જેટલો પડ્યો હતો
ફાઇલ તસવીર
સપ્ટેમ્બર મહિનો મુંબઈમાં ૪૮૩ મિલીમીટરના વરસાદ સાથે પૂરો થયો. આ છેલ્લાં પાંચ વર્ષમાં સપ્ટેમ્બરમાં પડેલો સૌથી ઓછો માસિક વરસાદ હતો. ગયા સપ્ટેમ્બરમાં ૫૪૪ મિલીમીટર વરસાદ રેકૉર્ડ કરવામાં આવ્યો હતો. સૌથી વધુ વરસાદ ૨૦૧૯માં ૧,૧૧૬ મિલીમીટર પડ્યો હતો.
આ વર્ષે ચાર વરસાદી મહિનામાં ઍવરેજ વરસાદ ૨૩૧૯ મિલીમીટર જેટલો પડ્યો હતો. સાન્તાક્રુઝ હવામાન વિભાગ દ્વારા નોંધવામાં આવેલો સીઝનનો કુલ વરસાદ ૨૯૭૮ મિલીમીટર છે. આઇએમડીએ સોમવારે એની આગાહીમાં જણાવ્યું હતું કે મુંબઈ, થાણે અને પાલઘરમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ થવાની સંભાવના છે. ત્યાર બાદ ચોમાસું પાછું ખેચાશે એવા સંકેત છે, જ્યારે ત્રીજી અને ચોથી ઑક્ટોબરે મુંબઈ અને સબર્બ્સમાં હળવા વરસાદની સંભાવના છે. પાંચમી ઑક્ટોબર પછી વાતાવરણ સામાન્ય થઈ જશે.
ADVERTISEMENT
કોંકણ મૉન્સૂન બ્લૉગ ચલાવતા હવામાનશાસ્ત્રી અભિજિત મોદકે જણાવ્યું હતું કે ત્રીજી ઑક્ટોબર બાદથી શુષ્ક હવાની શરૂઆત થઈ શકે છે. આ વર્ષે મુંબઈમાં વરસાદની શરૂઆત મોડી ૨૫ જૂન બાદ થઈ હતી, જે સામાન્ય રીતે ૧૧ જૂનથી થતી હોય છે. વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર એનું કારણ બિપરજૉય વાવાઝોડું હતું.


