ઘટનાની જાણ ઘાટકોપર પોલીસ સ્ટેશનને કરતાં બન્ને સામે છેતરપિંડીની ફરિયાદ નોંધવામાં આવી છે
પ્રતીકાત્મક તસવીર
ઘાટકોપરની એક જ્વલેરી શૉપમાં બે યુવાન આવ્યા હતા, જેમાંના એકનો બર્થ-ડે હોવાથી તેને ચેઇન ગિફ્ટ આપવી હોવાનું કહીને આશરે ૪થી ૫ ચેઇન જોઈ હતી, જેમાંની એક ચેઇન પહેરીને જોવાનું કહી બીજો યુવાન એનું પેમેન્ટ ઑનલાઇન કરતો હોવાનું કહી દુકાનની બહાર નીકળ્યો હતો. ત્યાર બાદ મોબાઇલમાં નેટવર્ક ન હોવાનું કહી થોડે દૂર ગયો હતો. એટલામાં જેણે ચેઇન પહેરી હતી તે યુવાન ઝડપભેર બહાર નીકળીને બન્ને જણ મોટરસાઇકલ પર નાસી ગયા હતા. ઘટનાની જાણ ઘાટકોપર પોલીસ સ્ટેશનને કરતાં બન્ને સામે છેતરપિંડીની ફરિયાદ નોંધવામાં આવી છે.
ઘાટકોપર-વેસ્ટમાં ટેલિફોન એક્સચેન્જ પાસે જૂના માણેકલાલ એસ્ટેટ નજીક એક સોસાયટીમાં રહેતા અને એમજી રોડ પર મોનાલિસા જ્વેલર્સના માલિક ૪૯ વર્ષના સુનીલ ચોરડિયાએ ફરિયાદમાં જણાવ્યું કે ‘મંગળવારે દુકાનમાં હું એકલો હતો ત્યારે દુકાનમાં બે છોકરા આવ્યા હતા, જેમાંથી એકે વાદળી રંગનું શર્ટ પહેર્યું હતું અને બીજાએ ટી-શર્ટ પહેર્યુ ંહતું. શર્ટ પહેરેલા છોકરાએ કહ્યું કે તેના મિત્રનો જન્મદિવસ છે એટલે તેને માટે ૨૫,૦૦૦થી ૩૦,૦૦૦ રૂપિયા વચ્ચેની સોનાની ચેઇન લેવી છે એટલે ફરિયાદીએ તેમને ચાર ચેઇન બતાવી હતી, એમાંની એક ચેઇન તેણે પસંદ કરી હતી. પસંદ કરેલી ચેઇનનું વજન ૩૯ ગ્રામ હતું. ત્યાર બાદ ટી-શર્ટ પહેરેલા છોકરાએ એ ચેઇન ગળામાં પહેરી હતી. પેમેન્ટ વિશે પૂછ્યું ત્યારે શર્ટ પહેરેલા છોકરાએ કહ્યું કે તમારો મોબાઇલ નંબર આપો, અહીં સ્કૅનરથી પેમેન્ટ નહીં થાય. મોબાઇલ નંબર લઈને ગૂગલપે પર પૈસા ટ્રાન્સફર કરશે એમ તેણે કહ્યું. ત્યાર પછી અહીં કોઈ નેટવર્ક નથી, નેટવર્ક પર જઈને ટ્રાન્સફર કરીશ એમ કહીને તે દુકાનમાંથી બહાર નીકળી ગયો. થોડા સમય પછી ફરિયાદીને મોબાઇલ પર મેસેજ આવ્યો કે તમને રૂપિયા મોકલવામાં આવ્યા છે. જોકે બૅન્ક-અકાઉન્ટમાં પૈસા ન આવતાં ફરિયાદીએ દુકાનમાં હાજર છોકરાને પેમેન્ટ વિશે પૂછતાં તે દુકાનમાંથી ભાગી ગયો હતો. ફરિયાદી તેની પાછળ બહાર આવ્યો ત્યારે બન્ને ગોપાલ ગલી તરફ દોડી રહ્યા હતા અને થોડે દૂરથી મોટરસાઇકલ પર ભાગી ગયા હતા. અંતે ઘટનાની જાણ ઘાટકોપર પોલીસ સ્ટેશનને કરતાં બન્ને સામે છેતરપિંડીની ફરિયાદ નોંધવામાં આવી છે.
ADVERTISEMENT
ઘાટકોપરના એક સિનિયર પોલીસ અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ઘટનાની ફરિયાદ નોંધી આરોપીને પકડવા માટેના પ્રયાસ હાથ ધર્યા છે. બન્ને આરોપીઓ જે મોટરસાઇકલ પર આવ્યા હતા એનો નંબર અમને મળ્યો છે. ટૂંક સમયમાં બન્નેની ધરપકડ કરવામાં આવશે.’
