વસઈની ઘટના : છોકરી વૉશરૂમમાં જઈ રહી હતી ત્યારે આરોપીએ તેનો પીછો કર્યો હતો તેમ જ મજેદાર ભોજન આપવાની લાલચ આપીને તેને રસોડામાં લઈ ગયો હતો

એક વર્ષ પહેલાં જ આરોપીને નોકરીમાં રાખવામાં આવ્યો હતો
વસઈ-ઈસ્ટમાં આવેલી સ્કૂલના રસોઇયાની નવ વર્ષની સ્ટુડન્ટ પર જાતીય હુમલા બદલ ધરપકડ કરવામાં આવી હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે મંગળવારે બાળકી વૉશરૂમમાં જતી હતી ત્યારે તેણે રસોડામાં મજેદાર ભોજન આપવાની લાલચ આપીને બોલાવી હતી અને તેની પર જાતીય હુમલા બાદ ૫૭ વર્ષના આરોપીએ ૧૦ રૂપિયાની નોટ આપી હતી તેમ જ આ ઘટના વિશે કોઈને કંઈ પણ માહિતી ન આપવા ધમકી આપી હતી. બાળકી ચોથા ધોરણમાં અભ્યાસ કરે છે તેમ જ તેના પેરન્ટ સાથે રહે છે. રહેવાસીઓને આ ઘટના વિશે માહિતી મળતાં એમણે ગઈ કાલે સ્કૂલના રસોઇયાની પોલીસ ધરપકડ કરે એ પહેલાં માર માર્યો હતો.
પોલીસ અધિકારીએ કહ્યું હતું કે ‘આ ઘટના સ્કૂલ સમય દરમ્યાન બપોરે ૧૨થી ૫ દરમ્યાન બની હતી. બાળકી વૉશરૂમમાં ગઈ ત્યારે આરોપી તેની પાછળ ગયો હતો તેમ જ મજેદાર ભોજન આપવાની લાલચ આપી તેને રસોડામાં લઈ ગયો હતો. તેણે બાળકી પર જાતીય હુમલો કરી ચૂપ રહેવા માટે ૧૦ રૂપિયા આપ્યા હતા. સ્કૂલ છૂટ્યા બાદ ઘરે જઈને બાળકીએ તેની મમ્મીને પ્રાઇવેટ પાર્ટમાં દુખાવાની ફરિયાદ કરી હતી. ખિસ્સામાંથી ૧૦ રૂપિયાની નોટ મળતાં એના વિશે પૂછતાં બાળકીએ તમામ વાત કરી હતી.’
મમ્મીએ વાલિવ પોલીસ સ્ટેશનમાં એફઆઇઆર નોંધાવ્યો હતો તેમ જ સ્કૂલના સંચાલકોને પણ સમગ્ર ઘટના વિશે જાણ કરી હતી. પૂછપરછ દરમ્યાન બાળકીએ કહ્યું હતું કે આરોપીએ ભૂતકાળમાં ઘણી વખત તેની પર જાતીય હુમલો કર્યો હતો.
વાલિવ પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર જયરાજ રાણવરેએ કહ્યું હતું કે ‘પૂછપરછ દરમ્યાન આરોપીએ એવો દાવો કર્યો હતો કે તે છેલ્લાં ચાર વર્ષથી સ્કૂલમાં કામ કરે છે. જોકે સ્કૂલના સંચાલકોના જણાવ્યા પ્રમાણે અને રેકૉર્ડ મુજબ તે છેલ્લા એક વર્ષથી ત્યાં કામ કરે છે. તેણે ભૂતકાળમાં પણ કોઈ ગુનો કર્યો છે કે નહીં એની પણ તપાસ કરી રહ્યા છીએ.’