સીસીટીવી કૅમેરાનાં ફુટેજની તપાસ કરતાં હોટેલનો કૅશિયર ગ્રાહકો પાસેથી પૈસા લીધા બાદ બિલ ન આપતાં પૈસા લઈને કાઉન્ટરમાં મૂકતો અને ત્યાર બાદ થોડી વાર પછી હાથચાલાકી કરીને એ પૈસા સેરવી લેતો હોવાનું જાણવા મળ્યું હતું

પ્રતીકાત્મક તસવીર
મુંબઈ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પરની ટોચની હોટેલના કૅશ કાઉન્ટર પરથી છેલ્લા કેટલાક વખતથી પૈસા ગાયબ થતા હોવાની ફરિયાદ હતી. એ પછી ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પરની અદાણી એજન્સીએ હોટેલમાં લાગેલા સીસીટીવી કૅમેરાનાં ફુટેજની તપાસ કરતાં હોટેલનો કૅશિયર ગ્રાહકો પાસેથી પૈસા લીધા બાદ બિલ ન આપતાં પૈસા લઈને કાઉન્ટરમાં મૂકતો અને ત્યાર બાદ થોડી વાર પછી હાથચાલાકી કરીને એ પૈસા સેરવી લેતો હોવાનું જાણવા મળ્યું હતું.
વસઈ-પશ્ચિમમાં સ્ટેશનની નજીક મહાવીરકુંજમાં રહેતા અને ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ ટી-ટૂ પર બાલાજી રેસ્ટોરાંના જનરલ મૅનેજર બાસુ પૂજારીએ કરેલી ફરિયાદ અનુસાર તેઓ બાલાજી રેસ્ટોરાંમાં સ્ટાફની દેખરેખ રાખવાનું કામ કરે છે. એની સાથે રેસ્ટોરાંના તમામ કામનું પ્લાનિંગ પણ તેઓ કરતા હોય છે. અદાણી કંપનીની પરવાનગીથી આંતરરાષ્ટ્રીય ઍરપોર્ટ વિસ્તારમાં તેઓ રેસ્ટોરાંનો બિઝનેસ ચલાવી રહ્યા છે. રેસ્ટોરાંમાં મૂકવામાં આવેલા દરેક ઑર્ડરના ૩૦ ટકા અદાણી કંપનીને ચૂકવવાના હોય છે. રેસ્ટોરાંમાં સ્વીકારવામાં આવેલા ઑર્ડરની સત્યતા ચકાસવા માટે અદાણી કંપનીએ રેસ્ટોરાંમાં સીસીટીવી કૅમેરા લગાવ્યા છે. અહીં દક્ષિણ ભારતીય ભોજનના કાઉન્ટર પર શિશપાલ સિંહ છેલ્લા ત્રણ મહિનાથી કૅશિયર તરીકે કાર્યરત છે. ૨૦ સપ્ટેમ્બરે અદાણી કંપનીના કર્મચારીએ જાણ કરી હતી કે રેસ્ટોરાંનો એક કર્મચારી છેલ્લા એક મહિનાથી રેસ્ટોરાં સાથે છેતરપિંડી કરી રહ્યો છે. તેણે પેલા કર્મચારીનાં કેટલાંક વિડિયો ફુટેજ પણ મોકલ્યાં હતાં. એમાં શિશપાલ નામનો નોકર બિલ બનાવ્યા વગર વેઇટરને ગ્રાહકોને ભોજન પીરસવાનું કહેતો હતો અને જમ્યા પછી તેણે પહેલાં ગ્રાહકે આપેલા પૈસા કૅશ કાઉન્ટરમાં રાખ્યા હતા અને કેટલાક સમય પછી એને પોતાના ખિસ્સામાં રાખતો હતો. સહાર પોલીસ સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘પ્રાથમિક માહિતી પ્રમાણે અમે આરોપી સામે ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી છે. આરોપીએ પ્રાથમિક અંદાજ પ્રમાણે દોઢ લાખ રૂપિયાની હેરાફેરી કરી છે. આ કેસમાં વધુ તપાસ કરવામાં આવી રહી છે.’

