મુંબઈ પોલીસે સિંહના ચાર પંજા, વાઘનો એક પંજો અને વાઘની ચામડી જપ્ત કરીને એક ગુજરાતી સહિત ૪ જણ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો
આરોપીઓ
બે અલગ-અલગ કેસમાં પોલીસે વાઘની ચામડી અને સિંહના પંજાની તસ્કરીમાં ૪ વ્યક્તિની ધરપકડ કરી હતી. પ્રથમ કેસમાં એમએચબીના પોલીસ અધિકારીઓને બાતમી મળી હતી કે બોરીવલી-વેસ્ટમાં કેટલાક લોકો પ્રતિબંધિત વસ્તુઓ વેચવાની ફિરાકમાં છે. ડીસીપીના કહ્યા પ્રમાણે છટકું ગોઠવીને સૂરજ કારાંડે, મોહસીન જુન્દ્રે અને મંઝૂર મન્કરને ઝડપી લીધા હતા. તેમની પાસેથી વાઘના ૧૨ પંજા અને ચામડી જપ્ત કરવામાં આવી હતી. બીજા કેસમાં બોરીવલીના પોલીસ અધિકારીઓને માહિતી મળી હતી કે એક વ્યક્તિ કેટલીક પ્રતિબંધિત વસ્તુઓ વેચવા માટે ફરી રહ્યો છે. એ દરમ્યાન બોરીવલીના ટેલિફોન એક્સચેન્જ નજીક છટકું ગોઠવીને ગુજરાતના ગાંધીનગરના ઇલેક્ટ્રિશ્યન જિગર પંડ્યાને ઝડપી લીધો હતો. તેની પાસેથી વાઘ-સિંહના પંજા કબજે કરી તપાસ હાથ ધરી હતી. જિગર પંડ્યાએ દાવો કર્યો હતો કે ‘હું નાનો હતો ત્યારે મારા મામાએ મને સિંહનો પંજો આપ્યો હતો. મારા મામા આનો ઉપયોગ મેલી વિદ્યામાં કરતા હતા. કોરોનાને કારણે આર્થિક નબળાઈ આવતાં મેં સિંહના નખ વેચીને દેવું ચૂકતે કરવાનું વિચાર્યું હતું.’
વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન ઍક્ટ ૧૯૭૨ની વિવિધ કલમો હેઠળ તેની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી હતી. ચારેચાર આરોપીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરી અન્ય લોકોની સંડોવણી છે કે નહીં એની તપાસ હાથ ધરવામાં આવશે.