Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મમ્મીની તબિયત પૂછવા ગયેલા પુત્રના ઘરમાં ચોરોએ કર્યો હાથ સાફ

મમ્મીની તબિયત પૂછવા ગયેલા પુત્રના ઘરમાં ચોરોએ કર્યો હાથ સાફ

Published : 28 December, 2023 09:00 AM | IST | Mumbai
Mehul Jethva | mehul.jethva@mid-day.com

મમ્મીને હાર્ટ-અટૅક આવતાં તેમની ખબર કાઢવા ગુજરાત ગયેલા પુત્રના ખાલી ઘરમાંથી ૧૦ લાખ રૂપિયાના દાગીના ચોરાઈ ગયા

પ્રતીકાત્મક તસવીર

Crime News

પ્રતીકાત્મક તસવીર


માટુંગામાં રહેતા વેપારી અક્ષય ગાંધીની માતાને હાર્ટ-અટૅક આવ્યો હોવાથી તે તેની પત્ની સાથે ઘરને તાળું મારીને એકાએક વલસાડ ગયો હતો. દરમિયાન તેના ખાલી ઘરને ટાર્ગેટ કરીને ચોરોએ ઘરમાંથી આશરે ૧૦ લાખ રૂપિયાના ૨૩ તોલા સોનાના દાગીના ચોર્યા હતા. સોસાયટીમાં સાફસફાઈનું કામ કરતી મહિલાએ ઘરનાં તાળાં તૂટેલાં જોયાં ત્યારે આ ઘટના પ્રકાશમાં આવી હતી. ત્યાર બાદ માટુંગા પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવતાં તેમણે અજાણ્યા ચોરો સામે ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી હતી.

સાયનમાં સાયન હૉસ્પિટલ નજીક સોનાપુર લેનની એક સોસાયટીમાં રહેતા ૫૯ વર્ષના કમિશન એજન્ટ હિતેન સંઘવીએ કરેલી ફરિયાદ અનુસાર તેમની પુત્રી મિલોનીનાં લગ્ન અક્ષય ગાંધી સાથે થયાં હતાં. તેઓ અગાઉ ચેન્નઈમાં રહેતાં હતાં, પરંતુ છેલ્લા ૧૧ મહિનાથી માટુંગામાં ફાઇવ ગાર્ડન્સ નજીક કસ્ટમ્સ ક્વૉર્ટર્સ પાસે અમરકુંજ બિ​લ્ડિંગમાં બીજા માળે રહેવા આવ્યાં હતાં. ૨૦ ડિસેમ્બરે અક્ષય ગાંધીની માતાને હાર્ટ-અટૅક આવ્યો હોવાથી તે અને તેની પત્ની મિલોની વલસાડના ધરમપુર ગયાં હતાં એટલે તેમનું ઘર બંધ હતું. દરમિયાન તેમને ૨૪ ડિસેમ્બરે સવારે પુત્રી મિલોનીનો ફોન આવ્યો હતો અને તેણે જાણ કરી હતી કે તેના ઘરનો દરવાજો ખુલ્લો છે અને ચોરી થવાની શક્યતા છે. ત્યાર બાદ હિતેન સંઘવી તરત જ અમરકુંજ બિ​લ્ડિંગમાં ગયા હતા. ત્યારે રૂમના બંને દરવાજા ખુલ્લા હતા તેમ જ સેફ્ટી ડોરનું તાળું તૂટેલી હાલતમાં હતું. અંદરના દરવાજાનું તાળું પણ તૂટેલું જોવા મળ્યું હતું. અંદર જઈને તપાસ કરતાં હૉલમાં સામાન વેરવિખેર પડ્યો હતો. અંદર બેડરૂમમાં લાકડાના કબાટના દરવાજા ખુલ્લા હતા અને બધું જ અવ્યવસ્થિત હતું. સાથે અલમારીના ડ્રૉઅરનું તાળું તૂટેલું હતું. ત્યાર બાદ તેમણે પુત્રીને ફોન કરીને તમામ વાત જણાવી હતી અને લાકડાના કબાટમાં રહેલા કીમતી સામાન વિશે પૂછતાં હીરા અને સોનાના નેકલેસ, સોનાનો હાર, સોનાની ચેઇન, સોનાનું પેન્ડન્ટ જેવા કુલ ૨૩ તોલા દાગીના ચોરાયા હોવાની માહિતી મળી હતી. અંતે આ ઘટનાની જાણ માટુંગા પોલીસને કરતાં તેમણે અજાણ્યા ચોર સામે ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી હતી.



માટુંગા પોલીસ સ્ટેશનના તપાસ અધિકારી સુનીલ પાટીલનો ‘મિડ-ડે’એ માહિતી લેવા સંપર્ક કર્યો હતો. જોકે તેમણે કોઈ માહિતી આપી નહોતી. અન્ય એક પોલીસ અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘પ્રાથમિક માહિતી અનુસાર આ ચોરી પાછળ કોઈ જાણભેદુ હોવાની અમને શંકા છે. નજીકના વિસ્તારમાં લાગેલા સીસીટીવી કૅમેરાનાં ફુટેજ લઈને વધુ તપાસ કરવામાં આવી રહી છે.’


Whatsapp-channel Whatsapp-channel

28 December, 2023 09:00 AM IST | Mumbai | Mehul Jethva

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK