ફાઇનલમાં વિજય બાદ વર-વધૂ સાથે તમામ સંબંધીઓ ઝૂમી ઊઠ્યા
ગીતા હૉલમાં આયોજિત પ્રોગ્રામમાં ક્રિકેટની મૅચ નિહાળી રહેલા મહેમાનો, વર-વધૂ ઉત્કર્ષ અને ઉર્વશી
ભાંડુપ-વેસ્ટના ભાંડુપેશ્વર મહાદેવ મંદિર નજીક ગીતા હૉલમાં રવિવારે ઉત્કર્ષ ને ઉર્વશીનાં લગ્ન નિમિત્તે નિયાણીઓ માટે મીઠા મેળાવડાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ચૅમ્પિયન્સ ટ્રોફી 2025ની ફાઇનલ મૅચને ધ્યાનમાં રાખી મહેમાનો માટે લાઇવ ક્રિક્રેટ જોવા માટે ટીવી-સ્ક્રીન પણ રાખવામાં આવી હતી. ક્રિક્રેટપ્રેમી વર-વધૂ અને મહેમાનોએ મૅચ નિહાળતાં-નિહાળતાં લગ્નનો દરેક પ્રોગ્રામ માણ્યો હતો. આ પ્રોગ્રામમાં મંત્રોચ્ચારની સાથે-સાથે કૉમેન્ટરી પણ સાંભળી કાર્યક્રમ પૂરો થયો હતો. જ્યારે ૪૯મી ઓવરના છેલ્લા બૉલ પર ટીમને જીત મળી ત્યારે વર-વધૂ ઊભાં થઈને ઝૂમી ઊઠ્યાં હતાં. એ ઉપરાંત લગ્નમાં આવેલા મહેમાનો પણ ઝૂમી અને નાચી ઊઠ્યા હતા.
અમારો આખો બોડા પરિવાર ક્રિકેટપ્રેમી છે, ચૅમ્યિયન્સ ટ્રોફી હોય એમાં પણ ભારતની ફાઇનલ મૅચ હોય ત્યારે કઈ રીતે એને છોડી શકાય એમ જણાવતાં કચ્છ ગામ ગુંદિયાલીના અને હાલ દિવામાં રહેતાં ઉત્કર્ષનાં મમ્મી હિના બોડાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગયા અઠવાડિયે મારા દીકરા ઉત્કર્ષનાં કચ્છનાં સમૂહલગ્નમાં લગ્ન થયાં હતાં. એ સમયે તેની અમુક બહેનો ઉપરાંત બીજા સંબંધીઓ ત્યાં ન પહોંચી શકતાં અમે નિયાણીઓ માટે મીઠા મેળાવડાનું આયોજન ભાંડુપના ગીતા હૉલમાં કર્યું હતું જેમાં ખાસ સ્પેશ્યલ રિક્વેસ્ટ પર અમે ક્રિક્રેટ માટે લાઇવ સ્ક્રીન રખાવી હતી. પ્રોગ્રામની શરૂઆતથી આવેલા મહેમાનો ક્રિક્રેટ મૅચ પૂરી થઈ ત્યાં સુધી સ્ક્રીનની સામે બેસ્યા હતા. એ ઉપરાંત મારો દીકરો પણ ક્રિક્રેટનો બહુ જ મોટો ફૅન છે તેણે પણ આખી ક્રિક્રેટ મૅચ જોતાં-જોતાં પ્રોગ્રામ અને ક્રિકેટ બન્નેની મઝા માણી હતી. અમારો આખા પરિવાર સાથે પ્રોગ્રામમાં આવેલા ૨૦૦ લોકો ખૂબ જ ખુશ થયા હતા.’

