આખો કોસ્ટલ રોડ હવે સ્માર્ટ સર્વેલન્સ સિસ્ટમથી સજ્જ
કોસ્ટલ રોડ હવે સ્માર્ટ સર્વેલન્સ સિસ્ટમથી સજ્જ ૨૩૬ CCTV કૅમેરા લાગી ગયા
મુંબઈનો કોસ્ટલ રોડ હવે સ્માર્ટ સર્વેલન્સ સિસ્ટમથી સજ્જ થઈ ગયો છે. શામળદાસ ગાંધી માર્ગથી બાંદરા-વરલી સી લિન્કના વરલીના છેડા સુધી બનેલા નવા કોસ્ટલ રોડ પર કુલ ૨૩૬ ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરા ગોઠવવામાં આવ્યા છે. આ સિસ્ટમને લીધે મુંબઈ ટ્રાફિક પોલીસને રિયલ ટાઇમ ડેટા મળી રહેશે. ૧૦.૫૮ કિલોમીટરના કોસ્ટલ રોડની સુરક્ષા વધારવા, ટ્રાફિક સરળતાથી ચાલે અને નિયમોનો ભંગ ન થાય એ માટે આ સર્વેલન્સ સિસ્ટમ ઉપયોગી બનશે.
બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)એ ટ્રાફિક પર ચાંપતી નજર રાખવા માટે ચાર પ્રકારના હાઇ-ટેક કૅમેરા ગોઠવ્યા છે. આ તમામનું ફંક્શન ખૂબ યુનિક છે. ૧૫૪ કૅમેરા વિડિયો ઇન્સિડન્ટ ડિટેક્શન સિસ્ટમ (VIDS) ધરાવે છે જે ટ્વિન ટનલમાં ૫૦ મીટરના અંતરે લગાવવામાં આવ્યા છે. આ સ્માર્ટ કૅમેરા અકસ્માતને ડિટેક્ટ કરે છે તેમ જ ઊંધી દિશામાં ડ્રાઇવિંગ થતું હોય કે કોઈ કારણસર વાહન ઊભું રહી ગયું હોય તો એને ઓળખીને કન્ટ્રોલ રૂમમાં તાત્કાલિક સૂચના આપશે.
ADVERTISEMENT
VIDS સિસ્ટમ જે અલર્ટ આપે એને ઑટોમૅટિકલી ટ્રૅક કરીને ૩૬૦ ડિગ્રી ડાયનૅમિક કવરેજ આપશે પૅન-ટિલ્ટ-ઝૂમ (PTZ) કૅમેરા. આવા કુલ ૭૧ કૅમેરા લગાવવામાં આવ્યા છે.
ઑટોમૅટિક ટ્રાફિક કાઉન્ટિંગ કૅમેરા (ATCC)ને ટનલના એન્ટ્રી અને એક્ઝિટ પૉઇન્ટ પર મૂકવામાં આવ્યા છે જે વાહનોની સંખ્યા અને વાહનોના પ્રકારની માહિતી આપશે. આ માહિતી ટ્રાફિક ડેટા ઍનૅલિસિસમાં મદદરૂપ થશે.
આ ઉપરાંત ૭ ઑટોમૅટિક નંબર પ્લેટ રેકગ્નિશન (ANPR) કૅમેરા લગાવવામાં આવ્યા છે. આ કૅમેરા સ્પીડ-લિમિટથી વધુ સ્પીડે ચાલનારાં વાહનોની નંબર-પ્લેટનો ફોટો પાડીને પ્રશાસનને યોગ્ય કાર્યવાહી કરવા માટેની સૂચના આપશે.


