મૂળ કોલ્હાપુરનો ફૂડ-ઇન્સ્પેક્ટર વિકાસ સોનાવણે મંત્રાલયની મીટિંગમાં હાજરી આપવા નીકળ્યો હતો
વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ
કોસ્ટલ રોડની મંત્રાલય તરફ જતી ટનલમાં શુક્રવારે રાતે ૭ વાગ્યે સ્પીડમાં જઈ રહેલી એક કાર પાણીને કારણે સ્કિડ થઈ ગઈ હતી અને એ ટનલની દીવાલ પર ચડીને પલટી ખાઈ ગઈ હતી. ડ્રાઇવરે સીટ-બેલ્ટ પહેર્યો હોવાથી કાર દીવાલ સાથે અથડાતાં જ એની બન્ને ઍર-બૅગ્સ ખૂલી ગઈ હતી અને કાર પલટી મારી જવા છતાં તે બચી ગયો હતો. આ આખી ઘટના કોસ્ટલ રોડની ટનલમાં લગાડેલા ક્લોઝડ્ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરામાં કૅપ્ચર થઈ ગઈ હતી.
મૂળ કોલ્હાપુરનો ફૂડ-ઇન્સ્પેક્ટર વિકાસ સોનાવણે મંત્રાલયની મીટિંગમાં હાજરી આપવા નીકળ્યો હતો. હાજી અલીથી મંત્રાલય જતી કોસ્ટલ રોડની ટનલમાં વરસાદમાંથી પસાર થઈને આવેલાં વાહનોમાંથી પાણી પડેલું હતું. વિકાસની કાર ઑલરેડી સ્પીડમાં હતી, પણ એ પાણી પરથી પસાર થઈ ત્યારે સ્કિડ થઈ ગઈ હતી અને સ્પીડમાં હોવાથી ટનલની દીવાલ પર ચડીને ઊંધી થઈ ગઈ હતી.
ADVERTISEMENT
ઘટનાની જાણ થતાં જ મુંબઈ ટ્રૅફિક પોલીસ, તાડદેવ–રીજનલ ટ્રાન્સપોર્ટ ઑફિસનો સ્ટાફ, કોસ્ટલ રોડ ઇમર્જન્સી ટીમ, ઍમ્બ્યુલન્સ, ટોઇંગવૅન ઘટનાસ્થળે પહોંચી ગયાં હતાં. તેમણે કાર બાજુ પર લઈને ટ્રૅફિક જૅમ ગણતરીની મિનિટોમાં જ હળવો કરી નાખ્યો હતો. આ ઘટનામાં વિકાસને મામૂલી ઈજા થઈ હતી. ઘટના સંદર્ભે ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR) નોંધાયો નથી.

