દાગીના તેમ જ રોકડ બેડરૂમના વૉર્ડરોબમાં રાખવામાં આવી હતી જેને ૭ નોકરોએ મળી ચોરીનો અંજામ આપી દીધો હોવાનો આરોપ ફરિયાદમાં કરવામાં આવ્યો છે
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
દક્ષિણ મુંબઈના ચિંચપોકલી વિસ્તારમાં અપોલો મિલ કમ્પાઉન્ડ નજીક લોઢા બેલિસિમો ટાવરમાં રહેતા ૪૫ વર્ષના સોહિત કપૂરના ઘરમાંથી ૬ મહિલાઓ સહિત ૭ નોકરોએ મળી આશરે ૪ લાખ રૂપિયાના દાગીના તેમ જ રોકડની ચોરી કરી હોવાની ફરિયાદ ગઈ કાલે એન. એમ. જોષી માર્ગ પોલીસ-સ્ટેશનમાં નોંધાઈ હતી. દાગીના તેમ જ રોકડ બેડરૂમના વૉર્ડરોબમાં રાખવામાં આવી હતી જેને ૭ નોકરોએ મળી ચોરીનો અંજામ આપી દીધો હોવાનો આરોપ ફરિયાદમાં કરવામાં આવ્યો છે. આ મામલે પોલીસે નોકરો વિશે માહિતી કાઢી વધુ તપાસ હાથ ધરી છે.
ફરિયાદ અનુસાર નોકરોએ સપ્ટેમ્બરથી ફેબ્રુઆરી દરમ્યાન ચોરીને ધીરે-ધીરે અંજામ આપ્યો હોવાનો દાવો ફરિયાદમાં કરવામાં આવ્યો છે એમ જણાવતાં એન. એમ. જોષી માર્ગ પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર અરવિંદ ચંદનશિવેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સોહિતે તેનાં માતા-પિતા તેમ જ છોકરાઓનું ધ્યાન રાખવા માટે ૭ નોકરો ઘરમાં રાખ્યા હતા. એ દરમ્યાન ગયા અઠવાડિયે તેના વૉર્ડરોબમાં રાખેલા ૧૦,૦૦૦ રૂપિયા ઓછા મળી આવતાં એની વધુ તપાસ કરી ત્યારે ઘરમાંથી આશરે ચાર લાખ રૂપિયાના દાગીના તેમ જ રોકડ ઓછી હોવાનું પ્રકાશમાં આવ્યું હતું. ત્યાર બાદ તેણે પોતાના નોકરોની પૂછપરછ કરી હતી જેમાં તેને સંતોષકારક જવાબ ન મળતાં ૬ મહિલા સહિત ૭ નોકરોએ સાથે મળી ચોરી કરી હોવાનો આરોપ કરી અમારી પાસે ફરિયાદ નોંધાવી હતી. સાતે નોકરો વિશે અમે વિગતવાર તપાસ કરી રહ્યા છીએ.’


