T2નાં પાર્કિંગ અને પિક-અપ ટ્રાફિકમાં ઍપ-આધારિત કૅબ્સનો હિસ્સો ૪૦ ટકા જેટલો હોવાથી ઉબર પિક-અપ P6 પર અને પ્રીમિયમ પાર્કિંગ P4 પર ખસેડાયું.
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
મુંબઈ ઍરપોર્ટ પર લેવલ ૪ અને લેવલ ૬ (P4-P6) પાર્કિંગ-લૉટની અદલાબદલી પ્રવાસીઓની અવરજવરની પૅટર્નને ધ્યાનમાં રાખીને કરવામાં આવી હોવાની સ્પષ્ટતા મુંબઈ ઍરપોર્ટ દ્વારા કરવામાં આવી છે. ઍરપોર્ટ ઑપરેટરના જણાવ્યા મુજબ હાલમાં ટર્મિનલ 2 (T2)નાં પાર્કિંગ અને પિક-અપ ટ્રાફિકમાં ઍપ-બેઝ્ડ કૅબ્સનો હિસ્સો લગભગ ૪૦ ટકા છે જે પ્રીમિયમ પાર્કિંગના ૧૦ ટકા હિસ્સા કરતાં ચાર ગણો વધારે છે.
ઍરપોર્ટ ઑપરેટરે એમ પણ કહ્યું હતું કે મુંબઈ ઍરપોર્ટ પર ઍપ-આધારિત ટૅક્સી પિક-અપ્સમાં ઉબરનો હિસ્સો ૮૦ ટકાથી વધુ હોવાથી ઉબર પિક-અપ્સને P6 પર ખસેડવાનો નિર્ણય પ્રવાસીઓની સરળ અવરજવર, ઝડપી પિક-અપ અને વાહનોના ઝડપી ટર્નઅરાઉન્ડની સુવિધા માટે લેવામાં આવ્યો છે.
ADVERTISEMENT
મુંબઈ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ લિમિટેડ (MIAL)ના પ્રવક્તાએ જણાવ્યું હતું કે ‘પ્રીમિયમ પાર્કિંગને P4 પર ખસેડવામાં આવ્યું છે, કારણ કે એ T2 અરાઇવલ હૉલની અંદરથી સીધો પ્રવેશ અને ડેડિકેટેડ એલિવેટર્સ પૂરા પાડે છે જેનાથી યુઝર્સ કૉમન ઍરિયામાં બહાર નીકળ્યા વિના પાર્કિંગ એરિયા સુધી પહોંચી શકે છે, જ્યારે P5 અને P9 પર જનરલ/પ્રાઇવેટ વ્હીકલ પાર્કિંગ ફૅસિલિટી યથાવત્ રાખવામાં આવી છે.’
