ગયા વર્ષે સાયરસ મિસ્ત્રીના અકસ્માત બાદ નાના ઉપાયોને બાદ કરતાં લાંબા ગાળા માટેની ઉપાય યોજના કાગળ પર જ રહેતાં હાઇવે પર પ્રવાસ કરવો આજે પણ ચિંતા કરાવનારો
ફાઇલ તસવીર
મુંબઈ-અમદાવાદ નૅશનલ હાઇવે પર ૨૦૨૨ની ૪ સપ્ટેમ્બરે ચારોટી પાસે થયેલા ઍક્સિડન્ટમાં ઉદ્યોગપતિ સાયરસ મિસ્ત્રીનું મૃત્યુ થયું હતું. તેમના મૃત્યુ બાદ હાઇવે ઑથોરિટીથી લઈને તમામ સંબંધિત વિભાગની ઊંઘ ઊડી ગઈ હતી. જોકે આ દુર્ઘટના બાદ દરેક વિભાગ અલર્ટ થઈ જઈ અનેક પગલાં ને ઉપાય યોજનાની ચર્ચા કરવા માંડ્યા હતા એથી એવું લાગતું હતું કે આ હાઇવે પર ટૂંક સમયમાં અનેક બદલાવ જોવા મળશે, પરંતુ તેમના મૃત્યુ પછી પણ હાઇવે પર અકસ્માતમાં મૃત્યુનો આંકડો અટક્યો નથી. સાયરસ મિસ્ત્રીના અકસ્માત બાદ સલામતીની અનેક ઉપાય યોજના સૂચવવામાં આવી હતી, પરંતુ એ હજી સુધી લાગુ કરવામાં આવી નથી એને કારણે નૅશનલ હાઇવે પર અકસ્માતનો ભય યથાવત્ છે.
સાયરસના અકસ્માત પહેલાં હતો હજી એવો જ જોખમી
ADVERTISEMENT
મુંબઈ અને ગુજરાતને જોડતો મુંબઈ-અમદાવાદ નૅશનલ હાઇવે ૧૨૧ કિલોમીટર લાંબો છે. એ દહિસર ટોલનાકા (મુંબઈ)થી તલાસરી (આછાડ) સુધી જાય છે. પ્રખ્યાત ઉદ્યોગપતિ સાયરસ મિસ્ત્રી આ હાઇવે પર ચારોટી ખાતે ગયા વર્ષે સપ્ટેમ્બરમાં થયેલા ભયાનક અકસ્માતમાં મૃત્યુ પામ્યા હતા. આ અકસ્માત પછી નૅશનલ હાઇવે ઑથોરિટી તેમ જ અન્ય સંસ્થાઓએ અકસ્માતના કારણનો અભ્યાસ કર્યો અને કેટલીક ટૂંકા ગાળાની અને કેટલીક લાંબા ગાળાની ઉપાય યોજના સૂચવી હતી, પરંતુ એની અમલબજાવણી થઈ નથી. આથી ૧૨૧ કિલોમીટરના આ નૅશનલ હાઇવેના પટ્ટામાં છેલ્લા આખા વર્ષમાં થયેલા ૧૩૯ અકસ્માતમાં ૧૫૬ પ્રવાસીઓનાં મૃત્યુ થયાં હોવાથી નૅશનલ હાઇવે પહેલાં જેવો જ જોખમી જોવા મળી રહ્યો છે.
નાની ઉપાય યોજના પૂર્ણ, જ્યારે મોટાં કામ અપૂર્ણ
સાયરસ મિસ્ત્રીનો અકસ્માત ભારતભરમાં ગાજ્યો હતો એટલે અકસ્માત બાદ હાઇવે ઑથોરિટી અને અન્ય નિષ્ણાત સમિતિઓએ અકસ્માત રોકવા માટે ઉપાય યોજનાઓ સૂચવી હતી. સાયરસ મિસ્ત્રીનો અકસ્માત થયો એ જગ્યાએ રિફ્લેક્ટર પૉલ, બ્લિન્કર લાઇટ અને એની સાથે જ આ માર્ગ પરથી આવતાં વાહનોની ગતિ મર્યાદિત કરવા માટે ચારોટીના વળાંકવાળા ફ્લાયઓવર સામે અને ફ્લાયઓવર પર મોટી સંખ્યામાં નાના ગતિરોધક લગાવવા વગેરેનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જોકે આ તાત્કાલિક ઉપાય યોજનાઓમાંથી અનેક યોજના કાગળિયા પર જ રહી ગઈ હોવાથી હાઇવે પર અકસ્માત અટકાવવા માટે વ્યાપક પગલાં લેવાયાં નથી. હાઇવે માર્ગમાં વાહનોના પ્રવેશ માટે તૈયાર કરેલી વિવિધ અનધિકૃત જગ્યા (કટ) બંધ કરવાનું પ્રસ્તાવિત હતું. માત્ર આ બાબતે નૅશનલ હાઇવે ઑથોરિટીએ શરૂઆતમાં આ બાબતે ગંભીરતાથી ધ્યાન આપ્યું ન હોવાથી સાથે આ ઑથોરિટીની સ્ટેટ ઑફિસને ભરૂચમાં સ્થળાંતરિત કરવામાં આવી હોવાથી દેખરેખ રાખવા માટે યંત્રણા કાર્યશીલ નથી. આ સંદર્ભે વિવિધ ઉપોય યોજના કરવી જરૂરી હતી, પણ આફિસ શિફ્ટ થઈ ગઈ હોવાથી ક્લેક્ટરે લેટર લખ્યો હતો.
ફ્લાયઓવર, વાઇટ ટૉપિંગની ફક્ત ઘોષણાબાજી
અકસ્માતગ્રસ્ત વિસ્તારોમાં વાહનોની સલામતી વધારવા માટે યોજનામાં રહેલી ખામીને દૂર કરવા માટે લાંબા ગાળાનાં પગલાં લેવા વિશે ચર્ચાવિચારણા કરવામાં આવી છે અને એ માટે નાણાકીય જોગવાઈ માટે કેન્દ્ર શાસનના સ્તરે દરખાસ્ત મોકલવામાં આવી છે, પરંતુ હજી સુધી એનો જવાબ આવ્યો નથી. રાજ્ય પોલીસ અને નૅશનલ રોડ ઑથોરિટી દ્વારા સૂચવવામાં આવેલા અકસ્માતની સંભાવનાવાળા વિસ્તારોમાં નોટિસ-બોર્ડ કે ચેતવણી-બોર્ડ લગાડાયાં નથી. દહિસરથી તલાસરી સુધી ૬ ભૂયારી માર્ગ (અન્ડરપાસ) મંજૂર થયા છે અને એમાંથી માત્ર ત્રણ જ વર્ક ઑર્ડર અપાયા છે. હાઇવેના આ પટ્ટામાં ૧૦ ફ્લાયઓવર પુલ મંજૂર થયા છે એ પણ પૂરા થયા નથી. ચોમાસામાં હાઇવે પર પડી જતા ખાડાઓને નિયંત્રણમાં રાખવા માટે ૧૨૧ કિલોમીટરના ૬ સિક્સ લેન નૅશનલ હાઇવે તેમ જ સર્વિસ રોડ પર આશરે ૫૫૩ કરોડ રૂપિયા ખર્ચીને સિમેન્ટ કૉન્ક્રીટનું લેયર (વાઇટ ટૉપિંગ) બનાવવાનું કામ મંજૂરી સ્તરે આવ્યું છે, પરંતુ એનો વર્ક ઑર્ડર આપવામાં આવ્યો નથી.
ચોમાસા બાદ કામ ચાલુ થશે
નૅશનલ હાઇવે ઑથોરિટીના પ્રોજેક્ટ ડિરેક્ટર સુહાસ ચિટણીસે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘અમુક સૂચવેલાં કામ હાથ ધરાયાં છે. જ્યારે મોટાં કામમાંથી ૧૦ એફઓબી, ૩ અન્ડરપાસ વગેરેનાં કામ સંબંધી પ્રક્રિયા લગભગ પૂર્ણ થઈ ગઈ છે. હવે વરસાદ પૂરો થયા બાદ એ કામ શરૂ થશે. આ કામ આ વર્ષે જ શરૂ કરવામાં આવશે એ પાક્કું છે. વરસાદમાં આવાં મોટાં કામ હાથ ધરી શકાય એમ નથી.’
વર્ષ ૨૦૨૨
જાન્યુઆરીથી ડિસેમ્બર
કુલ અકસ્માત - ૧૧૩
મૃત્યુ પામેલા પુરુષ - ૧૧૦
મૃત્યુ પામેલી મહિલાઓ - ૧૦
કુલ મૃત્યુ પામેલા લોકો - ૧૨૦
વર્ષ ૨૦૨૩
જાન્યુઆરીથી ઑગસ્ટ
કુલ અકસ્માત - ૬૨
કુલ અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકો - ૭૮