મુલુંડની ગુજરાતી પુત્રવધૂએ સાસુની ઇચ્છા પૂરી કરવા માટે તેમની મરણવિધિની વચ્ચે પણ એચએસસીની પરીક્ષા આપી, પાસ પણ કરી

બહૂ હો તો ઐસી...
મુંબઈ : મુલુંડમાં રહેતાં ૩૫ વર્ષનાં ગુજરાતી ભક્તિ જોષીને એચએસસીની પરીક્ષા આપવા માટે ગયા વર્ષે સાસુએ ખૂબ પ્રોત્સાહિત કર્યાં હતાં. ત્યાર બાદ તેમણે પરીક્ષા આપવાનું નક્કી કર્યું હતું. જોકે સમય-સંજોગે એચએસસીની પરીક્ષા હતી ત્યારે જ તેમનાં સાસુ મૃત્યુ પામ્યાં હતાં. જોકે સાસુની ઇચ્છાને ધ્યાન આપીને એક તરફ તેમની મરણવિધિ ચાલુ હતી અને બીજી તરફ ભક્તિબહેન એચએસસીની પરીક્ષા આપવા ગયાં હતાં. ગઈ કાલે એચએસસીના રિઝલ્ટમાં તેઓ ૪૬ ટકા સાથે પાસ થયાં હતાં. ભક્તિબહેનનો દીકરો અત્યારે સાતમા ધોરણમાં ભણી રહ્યો છે.
મુલુંડ-વેસ્ટમાં એન. એસ. રોડ પર બ્રાહ્મણ ચાલમાં રહેતાં ૩૫ વર્ષનાં ભક્તિ રાહુલ જોષીને અભ્યાસ કરવાની બહુ ઇચ્છા હતી. જોકે ઘરની પરિસ્થિતિ ખરાબ હોવાથી ૨૦૧૫માં એસએસસી બાદ તેઓ અભ્યાસ કરી શક્યાં નહોતાં. ગયા વર્ષે સાસુ શોભનાબહેનના ખૂબ આગ્રહ પર તેમણે એચએસસીની પરીક્ષા આપવાનું નક્કી કરીને પુરંદરે નાઇટ કૉલેજમાંથી ફૉર્મ ભર્યું હતું. ત્યાર બાદ તેઓ પરીક્ષાની તૈયારીમાં લાગ્યાં હતાં. જોકે પરીક્ષા ચાલતી હતી ત્યારે ત્રીજી પરીક્ષા દરમિયાન સાસુનું મૃત્યુ થયું હતું. ઘરમાં એકની એક વહુ હોવાથી બધું કામ તેમના પર આવ્યું હતું. ત્યારે પતિ અને નણંદના આગ્રહ સાથે સાસુની છેલ્લી ઇચ્છાને માન આપીને તેમણે બધી પરીક્ષા આપી હતી. ગઈ કાલે આવેલા એચએસસીના રિઝલ્ટમાં તેમણે ૪૬ ટકા મેળવ્યા હતા. હવે તેઓ બીએડ કરવા માગે છે.
ભક્તિબહેને ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મારી ત્રીજી પરીક્ષા ચાલી રહી હતી ત્યારે મારાં સાસુનું મૃત્યુ થયું હતું. જોકે તેમણે જ મને પરીક્ષા આપવા માટે પ્રોત્સાહન આપ્યું હતું. તેમની લાગણીને માન આપીને મેં બધી પરીક્ષા આપી હતી. દુખ બસ એક જ વાતનું છે કે જેમણે મને પરીક્ષા આપવા પ્રોત્સાહન આપ્યું તેઓ જ મારા રિઝલ્ટ સમયે મારી પાસે નથી. હું બ્યુટીપાર્લરનું પણ કામ કરું છું એટલે ઘર સંભાળીને અને બ્યુટીપાર્લરનું કામ કરીને મેં પરીક્ષાની તૈયારીઓ કરી હતી. એમાં હું સફળ થઈ છું. આગળ હવે હું બીએડ કરવાની છું.’

