મુંબઈ મેટ્રોપૉલિટન રીજન (MMR)માં વરસાદ પડતાં ગઈ કાલે વસઈ-વિરારમાં ફરી એક વાર પાણી ભરાઈ ગયાં હતાં
વરસાદ બાદ ગઈ કાલે કાંદિવલી-ઈસ્ટમાં વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર ટ્રાફિક ધીમી ગતિએ ચાલ્યો હતો. તસવીરઃ સતેજ શિંદે
મુંબઈવાસીઓ મંગળવારે સવારે કામ પર જઈ રહ્યા હતા ત્યારે સવારના સમયે જ અનેક વિસ્તારોમાં વરસાદ જોઈને અચંબામાં પડી ગયા હતા. થોડા દિવસ પોરો ખાધા બાદ ફરી વરસાદે દેખા દીધી હતી. આ ઘટનાને કારણે ભારતીય હવામાન વિભાગે મુંબઈ મેટ્રોપૉલિટન રીજન માટે સવારે ગ્રીન અલર્ટને બુધવાર સુધી યલો અલર્ટમાં અપડેટ કર્યું હતું. આજે મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં સારા વરસાદની આગાહી છે.
બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ને ગઈ કાલે વૃક્ષો/ઝાડની ડાળીઓ પડી જવા સંબંધિત ૧૪ ફરિયાદો મળી હતી - બે ઈસ્ટર્ન સબર્બ્સમાંથી અને ૧૨ વેસ્ટર્ન સબર્બ્સમાંથી. ફરિયાદો સંબંધિત વિભાગોને મોકલવામાં આવી હતી અને ટીમોને વૃક્ષ કાપવા અને દૂર કરવાની કામગીરી હાથ ધરવા સૂચના આપવામાં આવી હતી. જોકે વૃક્ષ પડવાની આ ઘટનાઓમાં કોઈ જાનહાનિ થઈ નથી.
વસઈ-વિરારમાં ફરી પાણી ભરાયાં
મુંબઈ મેટ્રોપૉલિટન રીજન (MMR)માં વરસાદ પડતાં ગઈ કાલે વસઈ-વિરારમાં ફરી એક વાર પાણી ભરાઈ ગયાં હતાં. જોકે સાંજના સમયે વરસાદનું જોર ઓછું થતાં પાણી ઓસરી ગયાં હતાં. જોકે થોડો વખત માટે તો રહેવાસીઓ ફફડી ઊઠ્યા હતા કે શું સીઝનના પહેલા વરસાદ જેવી પરિસ્થિતિ ફરી સર્જાશે કે શું? સીઝનના પહેલા વરસાદમાં પાણી ભરાઈ જતાં લાઇટ, પાણી, ઇન્ટરનેટ અને દૂધ-શાકભાજી વગર વસઈ-વિરારવાસીઓએ ૩-૪ દિવસ કાઢવા પડ્યા હતા.
