એમએનએસના નેતાઓએ કરી એકનાથ શિંદે અને દેવેન્દ્ર ફડણવીસ સાથે મુલાકાત ચૂંટણીઓ નજીક હોવાથી યુતિની સંભાવનાઓ જોતાં રાજકારણ ગરમાયું.
ચૂંટણી માટે વાપરવામાં આવેલી પ્રતીકાત્મક તસવીર
લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ નજીક છે ત્યારે ગઈ કાલે મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના ત્રણ મહત્ત્વના નેતાઓ સંદીપ દેશપાંડે, બાળા નાંદગાંવકર અને નીતિન સરદેસાઈ રાજ્યના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસને મળ્યા હતા અને આવનારી લોકસભાની ચૂંટણીને લઈને તેમની વચ્ચે ચર્ચા થઈ હતી. એને લઈને રાજ્યના રાજકારણમાં ગરમાટો આવી ગયો છે. એવું કહેવાય છે કે એમએનએસના વડા રાજ ઠાકરેએ જ તેમને મુલાકાત કરીને યુતિની શક્યતાઓ અને કેટલી સીટ મળી શકે એમ છે એનો અંદાજ લેવા જણાવ્યું હતું. એક બાજુ એનસીપીની ધુરા અજિત પવારના હાથમાં ગઈ છે અને શરદ પવાર જૂથ પણ નવેસરથી લડવાની તૈયાર કરી રહ્યું છે ત્યારે એમએનએસના નેતાઓની સીએમ અને ડેપ્યુટી સીએમ સાથે થયેલી મુલાકાતને રાજકીય સમીક્ષકો ગંભીરતાથી મૂલવી રહ્યા છે અને ટૂંક સમયમાં નવાં રાજકીય સમીકરણો રચાય એવી શક્યતા નકારી શકાતી નથી એમ તેમનું કહેવું છે. જોકે યુતિ અને કેટલી સીટો બાબતે ચર્ચા થઈ એ બાબતે કોઈ ફોડ પાડવામાં આવ્યો નથી. બીજી બાજુ બીજેપીએ સાવચેતીભર્યું ધોરણ અપનાવીને એમ કહી દીધું છે કે આ બાબતે કોઈ ચર્ચા જ થઈ નથી.