એક દાયકાના ઇન્તેજાર બાદ મીરા-ભાઈંદરને મળી પોતીકી કોર્ટ
કોર્ટના ઉદ્ઘાટનના ગેરકાયદે બૅનર સામે જસ્ટિસ અભય ઓકે નારાજગી વ્યક્ત કરી હતી.
મીરા-ભાઈંદરમાં છેલ્લા કેટલાક સમયમાં વસ્તીમાં જબરદસ્ત વધારો થવાથી અહીં સ્વતંત્ર પોલીસ કમિશનરેટ અને કોર્ટ શરૂ કરવાની માગણી લાંબા સમયથી કરવામાં આવતી હતી. પાંચ વર્ષ પહેલાં મીરા-ભાઈંદર વસઈ-વિરાર પોલીસ કમિશનરેટ શરૂ થઈ ગયું હતું, પણ કોર્ટનું કામ શરૂ કરવામાં આવ્યા બાદ પણ લાંબા સમય સુધી આગળ નહોતું વધ્યું. ગયા વર્ષે મીરા રોડના હાટકેશ વિસ્તારમાં કોર્ટનું કામ પૂરું થઈ ગયું હતું જેનું ગઈ કાલે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે સુપ્રીમ કોર્ટના જસ્ટિસ અભય ઓક અને રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના હાથે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ સાથે જ મીરા-ભાઈંદરના રહેવાસીઓના હવે ૧૮ કિલોમીટર દૂર આવેલા થાણેની કોર્ટના ધક્કા બંધ થયા છે. મીરા રોડની નવી કોર્ટ માટે ચાર મૅજિસ્ટ્રેટની મંજૂરી આપવામાં આવી છે, પણ અત્યારે એક જ મૅજિસ્ટ્રેટની નિયુક્તિ કરવામાં આવી છે. આથી સોમવારથી કોર્ટનું કામકાજ શરૂ થઈ જશે.
ADVERTISEMENT
મીરા રોડની કોર્ટનું ઉદ્ઘાટન કરી રહેલા નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને સુપ્રીમ કોર્ટના જસ્ટિસ અભય ઓક.
કોર્ટનું ઉદ્ઘાટન કર્યા બાદ નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ કહ્યું હતું કે ‘ન્યાય મેળવવા માટે થાણે સુધી જવા મજબૂર લોકો માટે આ એક ઇમારત નહીં પણ ન્યાય-મંદિર છે. કોર્ટ તૈયાર કરવામાં લાંબો સમય લાગ્યો છે, પણ મને વિશ્વાસ છે કે લોકોને આ કોર્ટમાં ઝડપી ન્યાય મળશે. ભવિષ્યને ધ્યાનમાં રાખીને કોર્ટના વિસ્તાર માટે વધારાની જમીન ફાળવવામાં સરકાર તમામ મદદ કરશે.’
બૉમ્બે હાઈ કોર્ટના ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ અને અત્યારે સુપ્રીમ કોર્ટના જસ્ટિસ અભય ઓકે મીરા રોડની કોર્ટનું ઉદ્ઘાટન કર્યા બાદ કહ્યું હતું કે ‘કોર્ટના ઉદ્ઘાટન માટેનાં મોટાં હોર્ડિંગ્સ અને બૅનર જોઈને આનંદ થયો. જોકે મારો આનંદ થોડી વારમાં ગાયબ થઈ ગયો હતો, કારણ કે મારા ધ્યાનમાં આવ્યું હતું કે હોર્ડિંગ્સ અને બૅનર ગેરકાયદે લગાવવામાં આવ્યાં છે. બૉમ્બે હાઈ કોર્ટે ગેરકાયદે બૅનર લગાવવા સામે પ્રતિબંધ મૂક્યો હતો. કોર્ટના ઓપનિંગમાં ગેરકાયદે હોર્ડિંગ્સ લગાવવાં એ સારી વાત નથી.’
ઉલ્લેખનીય છે કે જસ્ટિસ અભય ઓક બૉમ્બે હાઈ કોર્ટમાં હતા ત્યારે તેમણે જ શહેરને ગંદું કરતાં ગેરકાયદે હોર્ડિંગ્સ અને બૅનર લગાવવા પર પ્રતિબંધ મૂક્યો હતો. તેમણે આ બાબતે નારાજગી વ્યક્ત કરીને મીરા-ભાઈંદર મહાનગરપાલિકાના અધિકારીઓ અને કલેક્ટરને કોર્ટના આદેશનું પાલન કરવાનો સંકેત આપ્યો હતો.

