જોકે આરએસએસના વડાએ કહ્યું કે ઉદયપુર અને અમરાવતીની ઘટનાનું પુનરાવર્તન ન થવું જોઈએ
મોહન ભાગવત
મુંબઈ : રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના વડા મોહન ભાગવતે કહ્યું હતું કે લઘુમતીમાં ખોટો ડર ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, પરંતુ સંઘ અને હિન્દુઓનો આવો સ્વભાવ નથી. નાગપુરમાં આરએસએસની દશેરા રૅલીને સંબોધતાં તેમણે કહ્યું હતું કે સંઘ ભાઈચારો, સૌહાર્દ અને શાંતિમાં વિશ્વાસ રાખે છે. અસમાનતા વિશે ચિંતા વ્યક્ત કરતાં તેમણે કહ્યું હતું કે જ્યાં સુધી તમામ હિન્દુઓ માટે મંદિર, પાણીના સ્રોત અને સ્મશાન ખુલ્લાં ન હોય ત્યાં સુધી સમાનતાની વાતો માત્ર એક સ્વપ્ન જ બનીને રહેશે. તેમણે કહ્યું હતું કે ઉદયપુર અને અમરાવતીની ઘટનાનું પુનરાવર્તન ન થવું જોઈએ (જ્યાં એક ટેલર અને ફાર્મસિસ્ટને બીજેપીનાં બરતરફ કરાયેલાં પ્રવક્તા નૂપુર શર્માને ટેકો આપ્યા બાદ તેમની હત્યા કરવામાં આવી હતી). ઉદયપુરની ઘટનાનો મુસ્લિમ સમાજની કેટલીક અગ્રણી વ્યક્તિઓએ વિરોધ પણ કર્યો હતો, પરંતુ આ પ્રકારના વિરોધ સમાજની એકલ અલગ ઘટનાના જેવો ન હોવો જોઈએ. મોટા ભાગના લોકોનો એ સ્વભાવ બનવો જોઈએ, કારણ કે હિન્દુ સમાજ આ પ્રકારની ઘટનાઓ બાદ તીવ્ર વિરોધ વ્યક્ત કરે છે, પછી ભલે આરોપી હિન્દુ કેમ ન હોય.’
આરએસએસની દશેરા રૅલીમાં એવરેસ્ટ સર કરનાર પદ્મશ્રી સંતોષ યાદવને મુખ્ય મહેમાન બનાવવામાં આવ્યાં હતાં. પહેલી વખત કોઈ મહિલા દશેરા કાર્યક્રમની અતિથિ બની હતી. ભાગવતે કહ્યું હતું કે ‘વસ્તીવધારાને અંકુશમાં લેવા એક નીતિ બનાવવામાં આવે અને તે બધા પર સમાન રીતે લાગુ કરવામાં આવે. કોઈને પણ છૂટ ન મળે એવા નિયમો બનાવવામાં આવે.’

