બન્ને લાઇનમાં એક કરોડ મુસાફરો થયા : વડા પ્રધાને બીજા તબક્કાનું ઓપનિંગ કર્યાના અઠવાડિયામાં ૧૦ લાખ લોકો જોડાયા

ગોરેગામ મેટ્રો સ્ટેશને સિસ્ટમ ચકાસી રહેલા કમિશનર એસવીઆર શ્રીનિવાસ.
મુંબઈ : મેટ્રો ૨એ અને ૭ના બીજા તબક્કાનું વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઉદ્ઘાટન કર્યાના અઠવાડિયામાં ૧૦ લાખ લોકોએ મેટ્રો રેલમાં પ્રવાસ કર્યો છે. બંને લાઇનને મેટ્રોલાઇન ૧ સાથે જોડવામાં આવ્યા બાદની સ્થિતિ જાણવા માટે ગઈ કાલે મેટ્રોનું સંચાલન કરતી એમએમઆરડીએના કમિશનર એસવીઆર શ્રીનિવાસે ગોરેગામ મેટ્રો સ્ટેશનની મુલાકાત લીધી હતી. બંને લાઇન બીજી એપ્રિલ ૨૦૨૨થી શરૂ થયા બાદ અત્યાર સુધીમાં એમાં ૧,૦૦,૦૩,૨૭૦ લોકોએ પ્રવાસ કર્યો છે.
અત્યાર સુધીમાં ૨૦,૦૦૦ લોકોએ મુંબઈ ૧ મેટ્રોનાં કાર્ડ કઢાવ્યાં છે. આથી લોકલ ટ્રેન બાદ મેટ્રો લાઇન બની છે મુંબઈની નવી લાઇફલાઇન.
એમએમઆરટીએના કમિશનર એસવીઆર શ્રીનિવાસે ગોરેગામ મેટ્રો સ્ટેશન પર પત્રકારો સાથે વાતચીત કરતાં કહ્યું હતું કે ‘૧૯ જાન્યુઆરીએ મેટ્રો ૨ અને ૭ના બીજા તબક્કાની લાઇનનું ઉદ્ઘાટન થયા બાદ આ લાઇનને પબ્લિક માટે ઓપન કરી દેવાઈ હતી. અઠવાડિયામાં ૧૦ લાખ લોકોએ આ લાઇનમાં પ્રવાસ કર્યો છે અને ગયા વર્ષે બીજી એપ્રિલથી અત્યાર સુધીમાં એક કરોડથી વધુ લોકો મેટ્રોલાઇનમાં પ્રવાસ કરી ચૂક્યા છે. આ લાઇન હવે ગુંદવલી સ્ટેશનથી વર્સોવા-ઘાટકોપરની મેટ્રો સાથે કનેક્ટ થઈ ગઈ છે અને લોકો અંધેરી રેલવે સ્ટેશન પણ જઈ શકે છે. આથી ઝડપથી યાત્રાળુઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે એટલે કહી શકાય કે લોકલ ટ્રેન બાદ હવે મુંબઈ મેટ્રો નેટવર્ક પણ મુંબઈગરાઓની લાઇફલાઇન બની છે. ૭૫,૦૦૦થી વધુ લોકોએ મુંબઈ ૧ ઍપ્લિકેશન ડાઉનલોડ કરી છે. બીજું, મેટ્રોની સુવિધા મળવાથી હવે મોટી સંખ્યામાં જે લોકો પ્રાઇવેટ વાહનોનો પ્રવાસ માટે ઉપયોગ કરતા હતા તેઓ ઇકો-ફ્રેન્ડ્લી મેટ્રો તરફ વળી રહ્યા હોવાનું જણાઈ આવ્યું છે. આમ કરવાથી લોકોનો સમય અને રૂપિયાની બચત થવાની સાથે પર્યાવરણને પણ ફાયદો થઈ રહ્યો છે.’