માટુંગાના ૮૫ વર્ષના જાધવજી છેડાના અવસાન પછી તેમના અંતિમ સંસ્કાર કરવાને બદલે દેહનું દાન કરવામાં આવ્યું
જાધવજી છેડા
માટુંગા-ઈસ્ટના ચંદાવરકર રોડ પર રહેતા કચ્છી વીસા ઓસવાળ જૈન ૮૫ વર્ષના જાધવજી નાંગશી છેડા ગઈ કાલે સવારે પોણાચાર વાગ્યે અવસાન પામ્યા બાદ તેમના પરિવારજનોએ જાધવજીભાઈની અંતિમ ઇચ્છા મુજબ તેમના મૃતદેહનું સાયન હૉસ્પિટલમાં દાન કર્યું હતું.
આ બાબતે માહિતી આપતાં મૂળ કચ્છના લાયજા ગામના અને હાલ ગોધરાના વતની તથા પ્રાઇવેટ કંપનીમાં જૉબ કરતા એકના એક પુત્ર પંચાવન વર્ષના ચેતન છેડાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘વર્ષો પહેલાં પેટ્રોલ પમ્પના માલિક અને ઘણાં વર્ષથી નિવૃત્ત જીવન ગાળી રહેલા પપ્પાએ છેલ્લા ૧૫ દિવસ પહેલાં પોતાની મેળે નિર્ણય લઈને અન્નનો ત્યાગ કર્યો હતો. તેઓ ફક્ત પ્રવાહી પર જ હતા અને એ પણ દિવસમાં એક જ વાર લેતા હતા. એ દરમ્યાન પપ્પાની હાજરીમાં હું, મારાં મમ્મી પ્રભાબહેન, મારી ત્રણ બહેનો ચંદન, વંદના અને રશ્મિ જો પપ્પાનું અચાનક મૃત્યુ થાય તો શું સદ્કાર્ય કરવું એ વિચારી રહ્યાં હતાં. પપ્પાનો દૃઢ નિશ્ચય હતો કે મારા મૃત્યુ પછી સ્વજનો કે આપ્તજનોને હેરાન કરવા નહીં, શોક રાખવો નહીં, કોઈ પણ પ્રકારનાં વિધિવિધાન કરવાં નહીં. જોકે અમે બધાં એ મતનાં છીએ કે આપણે કોઈને હેરાન કરવા કરતાં શક્ય હોય તો કોઈને મદદરૂપ થવું. એટલે અમે પપ્પાના મૃત્યુ પછી પહેલાં તેમના ચક્ષુદાન અને ત્વચાદાનનું વિચાર્યું, પણ ૮૦ વર્ષની ઉંમર અને મોતીબિંદુના ઑપરેશનને લીધે વિઝન ઓછું થઈ જાય છે એને લીધે જેને ચક્ષુઓનું દાન કરવામાં આવે તેને દૃષ્ટિ મળે નહીં એવું પણ બની શકે. એ જ રીતે ત્વચાદાનમાં પણ ક્યારેક જોઈએ એટલી સફળતા મળતી નથી એવું વિચારતાં-વિચારતાં મમ્મી-પપ્પાએ જ ત્યારે નિર્ણય કરી લીધો કે તેમના મૃત્યુ પછી દેહદાન કરવું જેથી તેમનાં જેકોઈ ઑર્ગન્સ કોઈને કામ લાગતાં હોય તો ડૉક્ટરો એને ઉપયોગમાં લઈ શકે, એ પછી મેડિકલ સ્ટુડન્ટ્સ પણ એ મૃતદેહ પર પ્રૅક્ટિકલ રીતે જ્ઞાન મેળવી શકે. આથી દેહદાન બેસ્ટ દાન છે એવો નિર્ણય કર્યા પછી અમે ચાર દિવસ પહેલાં અમારા સમાજનાં અને સાયન હૉસ્પિટલ સાથે સંકળાયેલાં સામાજિક કાર્યકર ભારતીબહેન સંગોઈનો સંપર્ક કરીને તેમને અમારા નિર્ણયની જાણ કરી હતી, આ પહેલાં અમે અમારા અન્ય પરિવારજનોને પણ પપ્પાના મૃત્યુ બાદ તેમના દેહનું દાન કરવાની વાત કરી હતી. તેમને પણ અમારો નિર્ણય ગમ્યો હતો. ભારતીબહેન પણ અમારા નિર્ણયથી ખુશ હતાં. તેમણે અમને એક વ્યક્તિના દેહદાનથી ઘણા લોકોને અને મેડિકલ સ્ટુડન્ટ્સને શું ફાયદો થાય છે એની વિસ્તૃત માહિતી આપી હતી. અમે એ દિવસે ફાઇનલ નિર્ણય પર આવી ગયાં હતાં.’
ADVERTISEMENT
એ પછી ગઈ કાલે સવારે પોણાચાર વાગ્યે પપ્પાએ દેહત્યાગ કર્યો હતો એ વિશે માહિતી આપતાં ચેતન છેડાએ કહ્યું કે ‘અમે તરત જ ભારતીબહેનનો સંપર્ક કરીને તેમને પપ્પાના મૃત્યુના સમાચાર આપીને દેહદાનની પ્રોસેસ શરૂ કરવા કહ્યું હતું. ભારતીબહેન તરત જ કાર્યરત થઈ ગયાં અને તેમણે જરૂરી પ્રોસેસ પૂરી કર્યા બાદ પપ્પાનો મૃતદેહ લેવા સાયન હૉસ્પિટલની ઍમ્બ્યુલન્સ અમારા ઘરે મોકલી આપી હતી. એ પછી અમે સર્વ પરિવારજનોએ ભેગા મળીને પપ્પાની અંતિમ ઇચ્છા મુજબ દેહદાન કર્યું હતું. અમારાં સગાંસંબંધીઓ અને મિત્રોને જ્યારે આ માહિતી મળી ત્યારે તેમણે પણ અમારા નિર્ણયની અનુમોદના કરી હતી.’