માટુંગાના ગુજરાતી વેપારી નાના ભાઈના ઘરે ગણપતિબાપ્પાનાં દર્શન કરવા ગયા હતા ત્યારે ચોરે કબાટ તોડીને ઘરમાંથી દોઢ લાખ રૂપિયાના દાગીના ચોરી લીધા
પ્રતીકાત્મક તસવીર
માટુંગામાં રહેતા કપડાંના વેપારી નાના ભાઈના ઘરે ગણપતિબાપ્પાનાં દર્શન કરવા પરિવાર સાથે ગયા હતા. એ દરમિયાન ખાલી ઘરને ટાર્ગેટ કરીને ચોરે ચોરીને અંજામ આપ્યો હતો. એમાં આશરે દોઢ લાખ રૂપિયાના દાગીના કબાટ તોડીને ચોરવામાં આવ્યા હોવાની ફરિયાદ માટુંગા પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી છે.
માટુંગા-પૂર્વમાં તેલંગ ક્રૉસ રોડ પર હરિકૃપા બિલ્ડિંગમાં બીજા માળે રહેતા અને ગાર્મેન્ટ્સનો વ્યવસાય કરતા નિખિલ પરમારે કરેલી ફરિયાદ અનુસાર ૧૯ સપ્ટેમ્બરે સવારે ૧૦ વાગ્યે તેઓ સાયન-ઈસ્ટમાં સીતા સદનમાં રહેતા નાના ભાઈ યોગેશ પરમારના ઘરે ગણપતિબાપ્પાનાં દર્શન કરવા ગયા હતા. જતાં પહેલાં તેમની પત્નીએ રસોડામાં લોખંડનાં બંને કબાટને તાળું મારી દીધું હતું અને એની ચાવી પોતાની સાથે રાખી હતી. ત્યાર બાદ સાંજે ચાર વાગ્યે તેઓ પત્નીની આર્ટિફિશ્યલ જ્વેલરી લેવા એકલા ઘરે પાછા આવ્યા હતા, કારણ કે પત્ની એ ઘરે ભૂલી ગઈ હતી. એ સમયે ઘરનો દરવાજો ખોલતી વખતે જોયું તો દરવાજાનું તાળું તૂટેલું હતું. એની સાથે દરવાજાના સેફ્ટી ડોરનું તાળું તૂટેલું હતું, સેફ્ટી લૉકની સાઇડની પટ્ટી પણ તૂટેલી હતી અને દરવાજો ખુલ્લો હોવાનું જોવા મળ્યું હતું. તેઓ ઘરમાં પ્રવેશીને રસોડામાં ગયા ત્યારે જોયું કે લોખંડના કબાટમાં તમામ સામાન જમીન પર પડેલો હતો. વધુ તપાસ કરતાં જાણવા મળ્યું કે કબાટમાં રાખેલા સોનાના દાગીનાના બૉક્સમાંથી સોનાની બે બંગડીઓ, ગળાની ચેઇન અને અડધો કિલો ચાંદીના સિક્કાની ચોરી થઈ હતી. ત્યાર બાદ તેમણે આ ઘટનાની ફરિયાદ માટુંગા પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી.

