લોનાવલાના એક્ઝિટ પાસે ચારથી પાંચ કિલોમીટરની લાંબી લાઇન લાગી હતી

પુણે-મુંબઈ લેન પર ભયંકર ટ્રાફિક-જૅમ
સખત ગરમી અને બફારાથી બચવા અનેક મુંબઈગરા પરિવાર સાથે શનિ-રવિની રજામાં મુંબઈથી સૌથી નજીકના હિલ સ્ટેશન લોનાવલા પહોંચી ગયા હતા. જોકે ગઈ કાલે પાછા ફરતી વખતે એક્સપ્રેસવેની પુણે-મુંબઈ લેન પર ભયંકર ટ્રાફિક-જૅમ થવાથી તેમણે કલાકો સુધી અટવાઈ જવું પડ્યું હતું અને હાડમારી ભોગવવી પડી હતી. લોનાવલાના એક્ઝિટ પાસે ચારથી પાંચ કિલોમીટરની લાંબી લાઇન લાગી હતી. સ્થાનિક પોલીસ અને ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિકનું નિયમન કરીને વાહનો પસાર થવા દેવાતાં હતાં.
અત્યારે બાળકોનું વેકેશન ચાલી રહ્યું છે અને સાથે જ મુંબઈમાં ગરમીનો પારો ઊંચે જઈ રહ્યો છે એટલે અનેક પરિવારો મિત્રો સાથે બે દિવસની રજામાં લોનાવલા ગયા હતા. જોકે શનિવારે જવામાં તેઓ ટ્રાફિક-જૅમમાં અટવાયા હતા, જ્યારે રવિવારે પાછા ફરતી વખતે પણ તેમને ટ્રાફિકમાં અટવાવું પડ્યું હતું. એક્સપ્રેસવે પર ગાડી છોડીને બહાર નીકળી ન શકાય. બીજું ત્યાં ખાવા-પીવાના પણ ચોક્કસ સ્પૉટ છે. એ સિવાય વચ્ચે કશું મળે નહીં. એ જ પ્રમાણે ફ્રેશ થવા ટૉઇલેટની વ્યવસ્થા પણ એ ફૂડ ઝોનની આજુબાજમાં જ હોવાથી ટ્રાફિક-જૅમમાં ફસાયેલા લોકો પાસે કારમાં બેસી રહ્યા સિવાય બીજો વિકલ્પ ન હોવાથી ભારે હેરાનગતિ ભોગવવી પડી હતી.