વિડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે સફેદ શર્ટ અને ફૉર્મલ ટ્રાઉઝર પહેરેલી એક વ્યક્તિ રોડ પર ચાલતી ઇલેક્ટ્રિક કારના બોનેટ પર આરામ કરી રહી હોય એવું લાગે છે
વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ તેની તસવીર
બાંદરાના કાર્ટર રોડ પર શનિવારે રાતે એક વિચિત્ર ઘટના બની હતી જેનો વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો હતો. કાર્ટર રોડ પરથી પસાર થતી ઇલેક્ટ્રિક કારના બોનેટ પર એક માણસ સૂતો હતો, જે કોઈ પણ જાતનું હલનચલન નહોતો કરતો. સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર બાંદરા બઝ નામના હૅન્ડલ પર આ વિડિયો પોસ્ટ થયો હતો જેમાં આ ઘટના શનિવારે રાતે સાડાબાર વાગ્યે બની હોવાનું તેમ જ આ મામલે પોલીસે કાર્યવાહી કરવી જોઈએ એમ મુંબઈ પોલીસને ટૅગ કરીને જણાવવામાં આવ્યું છે.
વિડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે સફેદ શર્ટ અને ફૉર્મલ ટ્રાઉઝર પહેરેલી એક વ્યક્તિ રોડ પર ચાલતી ઇલેક્ટ્રિક કારના બોનેટ પર આરામ કરી રહી હોય એવું લાગે છે. અસામાન્ય લગતી આ ઘટનામાં અનેક શંકાઓ ઉદ્ભવી શકે છે. આ માણસ કોઈ હલનચલન નથી કરી રહ્યો એની પાછળનું કારણ તે બેભાન છે કે મૃત છે અથવા તો કારની અડફેટે તે બોનેટ પર ચડી ગયો હોય એવી અટકળો થઈ શકે છે. કારમાં ડ્રાઇવર સિવાય કોઈ બેઠું નહોતું. બોનેટ પર પડેલી વ્યક્તિને કારણે ડ્રાઇવર આગળ કશું જોઈ શકતો નહોતો છતાં તે ગાડી કેમ હંકારી રહ્યો હતો? આ બધી જ અટકળોના જવાબ પોલીસ પાસેથી માગવામાં આવી રહ્યા છે.

