રીલ બનાવતી વખતે કાર રિવર્સમાં લઈને ખીણમાં પડેલી યુવતીના મોતમાં નવો વળાંક
જીવ ગુમાવનારી શ્વેતા સુરવસે
છત્રપતિ સંભાજીનગરમાં ત્રણ દિવસ પહેલાં અકસ્માતની એક ઘટના બની હતી. એમાં એક યુવતી કાર રિવર્સમાં લઈ રહી છે અને તેનો મિત્ર તેની રીલ ઉતારી રહ્યો છે એવો વિડિયો વાઇરલ થયો હતો. તે યુવતીએ કાર રિવર્સમાં લીધા બાદ કાર પહાડ પરનાં બૅરિકેડ્સ તોડી ફંગોળાઈને ખાઈમાં પડી હતી અને તેનું મૃત્યુ થયું હતું. પોલીસે હવે આ કેસમાં રીલ ઉતારી રહેલા પુરુષમિત્ર સામે બેકાળજી અને બેદરકારીના ગુના સહિત સદોષ મનુષ્યવધનો ગુનો નોંધ્યો છે.
એ દુર્ઘટનામાં કાર ચલાવી રહેલી ૨૩ વર્ષની શ્વેતા સુરવસેનું મોત થયું હતું. ખાઈમાં પડેલી એ કાર સુધી પહોંચતાં રેસ્ક્યુ ટીમને એક કલાક લાગ્યો હતો. તેને ડૉક્ટર પાસે લઈ જવાઈ ત્યારે તેમણે તેને મૃત જાહેર કરી હતી.
ADVERTISEMENT
પોલીસનું કહેવું છે કે શ્વેતા પાસે ડ્રાઇવિંગ લાઇસન્સ છે કે નહીં એ ચકાસ્યા વગર જ સૂરજે તેની કારની ચાવી શ્વેતાને આપી હતી. પોલીસે આ સંદર્ભે કહ્યું હતું કે અમે હવે સૂરજ મૂળેને કાયદેસર નોટિસ મોકલીશું.
જીવ ગુમાવનાર શ્વેતા સુરવસેની પિતરાઈ બહેન પ્રિયંકા યાદવે આક્ષેપ કરતાં કહ્યું હતું કે ‘સૂરજે પ્લાન કરીને આ મર્ડર કર્યું છે. અમને તો શ્વેતાના મૃત્યુની જાણ ઍક્સિડન્ટ થયાના પાંચ–છ કલાક બાદ કરવામાં આવી હતી. શ્વેતાએ ક્યારેય રીલ બનાવી નથી કે કોઈ પોસ્ટ સોશ્યલ મીડિયા પર કરી નથી. આરોપી મર્ડર પ્લાન કરીને તેને શહેરથી ૩૦-૪૦ કિલોમીટર દૂર લઈ ગયો હતો.’

