પંચાંગમાં એ ૨૬ ફેબ્રુઆરીની સવારે શરૂ થઈને બીજા દિવસે સવારે પૂરી થતી હોવાથી ક્યારે મનાવવી એને લઈને કન્ફ્યુઝન ઊભું થયું છે
મહાશિવરાત્રિ ક્યારે?
મહાશિવરાત્રિનું હિન્દુ ધર્મમાં ઘણું મહત્ત્વ છે. હિન્દુ પંચાંગ અનુસાર મહા મહિનાની ચૌદશ એટલે કે મહા વદ-૧૪ની તિથિએ મહાશિવરાત્રિ આવે છે. આ વર્ષે પંચાંગમાં મહાશિવરાત્રિ ૨૬ ફેબ્રુઆરીની સવારના ૧૧.૦૮ વાગ્યાથી શરૂ થાય છે અને એનું સમાપન ૨૭ ફેબ્રુઆરીની સવારના ૮.૫૪ વાગ્યે થાય છે. આથી મહાશિવરાત્રિ ૨૬ ફેબ્રુઆરીએ મનાવાશે કે ૨૭ ફેબ્રુઆરીએ એનું કન્ફ્યુઝન ઊભું થયું છે.
ભાગવત કથાકાર રસિકભાઈ રાજ્યગુરુએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મહાશિવરાત્રિને શિવની મહાન રાતના રૂપમાં મનાવવામાં આવે છે. શાસ્ત્રમાં લખવામાં આવ્યું છે કે આ રાત્રે દેવી પાર્વતી સાથે ભગવાન શિવના વિવાહ થયા હતા. પંચાંગમાં ૨૬ ફેબ્રુઆરીએ મહાશિવરાત્રિની શરૂઆત સવારના ૧૧.૦૮ વાગ્યાથી શરૂ થાય છે અને બીજા દિવસે સવારના ૮.૫૪ વાગ્યે પૂરી થાય છે. મહાશિવરાત્રિએ રાતના સમયે શિવની આરાધના કરવામાં આવે છે. આ પર્વમાં રાતનો જ મહિમા છે એટલે આ વર્ષની મહાશિવરાત્રિ ૨૬ ફેબ્રુઆરીની રાત્રે જ ઊજવવામાં આવશે. શિવની આરાધના માટે ૧૪ રાત્રિ અને એક મહારાત્રિ એટલે કે મહાશિવરાત્રિ ઉત્તમ ગણવામાં આવી છે. આ પર્વમાં દિવસનું કોઈ મહત્ત્વ નથી.’



