સેવન સી બીચ રિસૉર્ટ ગેરકાયદે હોવાથી મુખ્ય પ્રધાનના આદેશ બાદ ગઈ કાલે એના પર બુલડોઝર ફેરવવામાં આવ્યું
વિરારના ગેરકાયદે રિસૉર્ટ પર શિવસૈનિકના મૃત્યુ બાદ કાર્યવાહી કરવામાં આવી હતી
વિરાર-વેસ્ટના નવાપુરમાં આવેલા સેવન સી બીચ રિસૉર્ટમાં રવિવારે સાંજે ટોળાની મારપીટ વખતે આવેલા હાર્ટ-અટૅકમાં શિવસેનાના મિલિંદ મોરેનું મૃત્યુ થતાં એના તીવ્ર પડઘા પડી રહ્યા છે. આ ઘટના બાદ રાજ્યના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ આ ગેરકાયદે રિસૉર્ટને તોડી પાડવાનો આદેશ આપ્યો હતો. મુખ્ય પ્રધાનના આદેશ બાદ વસઈ-વિરાર મ્યુનિસિપલ કૉર્પોરેશન અને મહેસૂલે વિભાગે તરત જ સંયુક્ત કાર્યવાહી હાથ ધરીને ગેરકાયદે બાંધકામને જમીનદોસ્ત કર્યું હતું તેમ જ આ ટોળા સામે પોલીસે સદોષ મનુષ્ય વધનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. ગઈ કાલે મુખ્ય પ્રધાને થાણેમાં મિલિંદ મોરેના નિવાસસ્થાને જઈને પાર્થિવ દેહનાં દર્શન કર્યાં હતાં અને ગેરકાયદે રિસૉર્ટ પર કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હતો.
ADVERTISEMENT
મિલિંદ મોરે
શિવસેનાના થાણેના ભૂતપૂર્વ જિલ્લા પ્રમુખ રઘુનાથ મોરેના દીકરા મિલિંદ મોરે અને તેમનો પરિવાર વિરારના નવાપુરના સેવન સી બીચ રિસૉર્ટમાં ફરવા માટે આવ્યા હતા ત્યારે વાહનની ટક્કર લાગતાં રિક્ષાચાલક સાથે મિલિંદની બોલાચાલી થઈ હતી. એ સમયે રિક્ષાચાલકે ટોળું ભેગું કરીને મિલિંદને માર માર્યો હતો જેને કારણે તેને હાર્ટ-અટૅક આવ્યો અને ઘટનાસ્થળ પર જ તે મૃત્યુ પામ્યો હતો. ત્યાર બાદ આ ઘટનાના તીવ્ર પડઘા પડતાં સેવન સી બીચ રિસૉર્ટ ગેરકાયદે હોવાનું પ્રકાશમાં આવ્યું હતું. ગઈ કાલે રિસૉર્ટમાં જેટલું ગેરકાયદે કામ હતું એ તોડી પાડવામાં આવ્યું હતું. આ કાર્યવાહી વખતે અડચણ નિર્માણ ન થાય એના માટે મોટા પ્રમાણમાં પોલીસ-બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો.
બોલાચાલી બાદ મિલિંદ મોરેને હાર્ટ-અટૅક આવ્યો એ કૅમેરામાં કેદ થયું હતું
૧૮ જણ સામે ગુનો નોંધાયો
આ કેસમાં અર્નાળા સાગરી પોલીસ દ્વારા ૧૮ લોકો વિરુદ્ધ સદોષ મનુષ્યવધનો ગુનો નોંધવામાં આવ્યો છે. ૧૫થી ૨૦ લોકોએ મિલિંદ મોરે અને તેના સંબંધીઓને ઢોરમાર માર્યો હતો. અર્નાળા સાગરી પોલીસે અજાણ્યા રિક્ષાચાલક સહિત જે ૧૮ લોકો સામે ગુનો નોંધ્યો છે એમાંથી ગઈ કાલ રાત સુધીમાં ૧૧ જણની ધરપકડ કરવામાં આવી હતી.