મહારાષ્ટ્રભરમાંથી ભેગા થયેલા OBCના સેંકડો આગેવાનોએ ૩ કિલોમીટરની પદયાત્રા કરીને કુણબી સર્ટિફિકેટનું GR રદ કરવાની માગણી તીવ્ર કરી
મરાઠાઓને કુણબીનું સર્ટિફિકેટ આપવાના વિરોધમાં OBC સમાજના કાર્યકરોએ નાગપુરમાં ત્રણ કિલોમીટર લાંબી રૅલી કાઢી હતી.
અધર બૅકવર્ડ ક્લાસ (OBC)નાં સંગઠનોના સભ્યોએ શુક્રવારે નાગપુરમાં રૅલી કાઢી હતી, જેમાં મહારાષ્ટ્ર સરકારના એ આદેશને રદ કરવાની માગણી કરવામાં આવી હતી જેમાં મરાઠાઓને કુણબી કાસ્ટ સર્ટિફિકેટ આપવાની પરવાનગી આપવામાં આવી છે.

ADVERTISEMENT
‘સકલ OBC મહા મોરચા’ના બૅનર હેઠળ આયોજિત આ રૅલીમાં સેંકડો લોકો જોડાયા હતા. પ્રદર્શનકારીઓએ તેમની માગણીઓ રજૂ કરવા માટે નાગપુરના યશવંત સ્ટેડિયમથી સંવિધાન સ્ક્વેર સુધી કૂચ કરી હતી. મહારાષ્ટ્ર સરકારે બીજી સપ્ટેમ્બરે મરાઠાઓને કુણબી કાસ્ટ સર્ટિફિકેટ આપવાનું ગવર્નમેન્ટ રેઝોલ્યુશન (GR) બહાર પાડ્યું હતું એને રદ કરવાની મુખ્ય માગણી પ્રદર્શનકારીઓ કરી રહ્યા હતા. OBC સમુદાયના કાર્યકરો મહારાષ્ટ્રભરમાંથી નાગપુરમાં ભેગા થયા હતા. તેમણે ગઈ કાલે પ્લૅકાર્ડ્સ પકડીને તથા સૂત્રોચ્ચાર કરીને ૩ કિલોમીટર લાંબી કૂચ કરી હતી. કૉન્ગ્રેસના વિધાનસભ્ય અને OBC નેતા વિજય વડેટ્ટીવાર અને OBC કાર્યકરો લક્ષ્મણ હાકે અને મહાદેવ જાનકર સહિત અન્ય રાજકારણીઓએ પણ મોરચામાં ભાગ લીધો હતો.


