Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > વિધાનપરિષદ માટે ઉમેદવારી નોંધાવવામાં જબરદસ્ત ડ્રામા

વિધાનપરિષદ માટે ઉમેદવારી નોંધાવવામાં જબરદસ્ત ડ્રામા

Published : 02 June, 2026 09:20 AM | Modified : 02 June, 2026 09:25 AM | IST | Pune
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ક્યાંક મહાયુતિના ઉમેદવારોએ બંડ પોકાર્યું તો ક્યાંક મહા વિકાસ આઘાડીના ઉમેદવારોએ બળવો કર્યો

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


૧૮ જૂને થનારી મહારાષ્ટ્ર વિધાન પરિષદની ૧૭ બેઠકોની ચૂંટણી માટે સોમવારે ઉમેદવારી નોંધાવવાની પ્રક્રિયા પૂરી થઈ હતી, જેમાં ૧૭ બેઠકો માટે કુલ ૪૦ ઉમેદવારોએ ફૉર્મ ભર્યાં હતાં. મહા વિકાસ આઘાડી અને મહાયુતિ બન્નેના ઉમેદવારોમાં અમુક બેઠકો પર નારાજગી જોવા મળી હતી. ઉમેદવારી મળશે એવી આશાએ બેઠેલા નેતાઓને ઉમેદવારી ન મળતાં તેમણે બંડ પોકારીને ધરાર ઉમેદવારી નોંધાવી હતી તો અમુક બેઠક પર બળવો કરીને નેતાઓ અપક્ષ ઊભા રહ્યા હતા. જોકે ઉમેદવારી પાછી ખેંચવાની તારીખ એટલે કે ૪ જૂન સુધીમાં બધાને સમજાવી લેવાશે એવી આશા મહા વિકાસ આઘાડી અને મહાયુતિના નેતૃત્વને છે. 

પુણેમાં હાઈ વૉલ્ટેજ ડ્રામા, NCPના બે નેતાએ ઉમેદવારી નોંધાવી



ખાસ કરીને પુણેમાં ડ્રામા જોવા મળ્યો હતો, જ્યાં મહાયુતિ તરફથી નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP)એ વિક્રમ કાકડેને ઉમેદવારી આપતાં NCPના નેતા સુનીલ ટિંગરે નારાજ થયા હતા અને તેમણે પણ વિક્રમ કાકડે સામે પક્ષ તરફથી જ ઉમેદવારી નોંધાવી હતી. NCPએ સ્પષ્ટતા કરવી પડી હતી કે તેમના સત્તાવાર ઉમેદવાર વિક્રમ કાકડે જ છે. સુનેત્રા પવારે પણ પક્ષના નેતાઓને નારાજ ન થવાની અપીલ કરવી પડી હતી. અહીં પરિસ્થિતિ એટલી વણસી ગઈ હતી કે સુનીલ ટિંગરેના સમર્થકોએ પક્ષમાંથી રાજીનામાં આપવાની તૈયારી પણ બતાવી હતી. પુણેની બેઠક ભારતીય જનતા પાર્ટી (BJP)ના ભાગે આવે એવી ઇચ્છા રાખનારા નેતા પણ નારાજ થયા હતા. આ સિવાય નાશિકની બેઠક શિવસેનાના ફાળે ગઈ હોવાથી ત્યાં પણ BJPના અને NCPના નેતા નારાજ રહ્યા હતા. છત્રપતિ સંભાજીનગરની બેઠક BJPના ફાળે ગઈ છે અને ત્યાં સુહાસ શિરસાટને ઉમેદવારી સોંપાઈ છે ત્યાં શિવસેનાના નેતા અબ્દુલ સત્તારના દીકરા સમીર સત્તારે પણ ઉમેદવારી નોંધાવતાં અંટસ સામે આવી છે. 


મહા વિકાસ આઘાડીમાં પણ બધું ‘ઑલ ઇઝ નૉટ વેલ’

બીજી બાજુ મહા વિકાસ આઘાડીમાં સાંગલીની બેઠક નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (SP)ના ઉમેદવારને મળતાં કૉન્ગ્રેસ અને શિવસેના નારાજ થઈ હતી. ભંડારામાં ગોંદિયામાં પણ મહા વિકાસ આઘાડીના પક્ષના નેતાઓ ઉમેદવારી ન મળતાં નારાજ જણાયા હતા. 


બધું સમુસૂંતરું પાર પડશે, બધાની નારાજગી દૂર થઈ જશે : એકનાથ શિંદે

સોલાપુર, અમરાવતી અને નાશિક સહિતની બેઠકોને લઈને મહાયુતિમાં ડખા પડ્યા હોવાની વાત છે ત્યારે નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ મહાયુતિમાં અસંતોષ હોવાની વાતને ફગાવી હતી અને વિધાન પરિષદની બધી જ ૧૭ બેઠકો પર મહાયુતિની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું હતું કે ક્યાંય અસંતોષ નથી અને ૪ જૂને ઉમેદવારી પાછી ખેંચવાની મુદત સુધીમાં બધા જ મતભેદ દૂર થઈ જશે. 

Whatsapp-channel Whatsapp-channel

02 June, 2026 09:25 AM IST | Pune | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK