ચર્ચા અપક્ષ ઉમેદવાર બાબુ ભગરેની છે, જેણે પણ આ ચૂંટણીમાં ઝુકાવ્યું હતું
પ્રતીકાત્મક તસવીર
મહારાષ્ટ્રના નાશિક પાસે આવેલા દીંડોરી મતદાનક્ષેત્રમાં નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (શરદચંદ્ર પવાર)ના ઉમેદવાર ભાસ્કર ભગરે ચૂંટાઈ આવ્યા છે. તેમણે કેન્દ્રનાં રાજ્યસ્તરીય આરોગ્યપ્રધાન ડૉ. ભારતી પવારને ૧,૧૩,૧૯૯ મતથી હરાવ્યાં છે. જોકે આ સાથે જ ચર્ચા અપક્ષ ઉમેદવાર બાબુ ભગરેની છે, જેણે પણ આ ચૂંટણીમાં ઝુકાવ્યું હતું. એટલું જ નહીં, તેણે ૧,૦૩,૨૩૬ મત પણ મળવ્યા હતા અને છતાં ભાસ્કર ભગરે જીતી ગયા હતા.
મૂળમાં ભાસ્કર ભગરે શિક્ષક છે અને એટલે તેઓ સરના નામે પણ ઓળખાય છે, જ્યારે નાશિકના એકલહરેમાં રહેતા અને ત્રીજી પાસ બાબુ ભગરેએ તેના નામની આગળ સર લખાવ્યું હતું. તે મજૂરી કરે છે અને માછીમારી કરે છે. વળી બન્નેના ચૂંટણીચિહનમાં પણ ઘણું સામ્ય હતું. ભાસ્કર ભગરેના ચિહનમાં તુતારી વગાડતો માણસ હતો, જ્યારે બાબુ ભગરેનું ચૂંટણીચિહન માત્ર તુતારી હતું. હવે લોકો બાબુ ભગરેને શોધી રહ્યા છે અને તે ગાયબ છે.

