ટ્રાન્ઝૅક્શન્સ માટે મેળવવામાં આવતા પેપર-બૉન્ડને બદલે હવે ઈ-બૉન્ડ સિસ્ટમ લૉન્ચ થઈ, વર્ષે ૪૦,૦૦૦થી વધુ બૉન્ડની લેવડદેવડ ઑનલાઇન પૂરી થઈ જશે
રેવન્યુ મિનિસ્ટર ચંદ્રશેખર બાવનકુળેની ઉપસ્થિતિમાં આ સિસ્ટમ લૉન્ચ કરવામાં આવી હતી
મહારાષ્ટ્ર સરકારે ઇમ્પોર્ટ-એક્સપોર્ટની લેવડદેવડને આધુનિક અને સરળ બનાવવા તરફ એક મહત્ત્વનું પગલું ભર્યું હતું. પરંપરાગત રીતે પેપર-બૉન્ડના સ્થાને હવે સંપૂર્ણ રીતે ડિજિટલ માધ્યમથી થતી ઈ-બૉન્ડ સિસ્ટમને લાગુ કરવામાં આવી હતી. ગઈ કાલે મંત્રાલયમાં રેવન્યુ મિનિસ્ટર ચંદ્રશેખર બાવનકુળેની ઉપસ્થિતિમાં આ સિસ્ટમ લૉન્ચ કરવામાં આવી હતી. આ નવા રિફૉર્મને કારણે હવે આર્થિક લેવડદેવડમાં વધુ પારદર્શિતા આવશે અને સાથે ઉદ્યોગકારો માટે બિઝનેસ-ઑપરેશન્સ સરળ બનશે એવું મિનિસ્ટરે જણાવ્યું હતું.
ઈ-બૉન્ડ સિસ્ટમ રાજ્યના બિઝનેસ અને ઇન્ડસ્ટ્રી સેક્ટર માટે મોટી રાહત સમાન પગલું છે. ઇમ્પોર્ટ-એક્સપોર્ટ ઍક્ટિવિટીમાં દર મહિને ત્રણ હજારથી ૪૦૦૦ અને વર્ષે ૪૦,૦૦૦થી વધુ બૉન્ડ ઇશ્યુ થાય છે. પેપર-બૉન્ડને સંપૂર્ણ રીતે ડિજિટલ કરી દેવામાં આવતાં હવે આ મોટી આર્થિક લેવડદેવડ કરવામાં ઘણી સરળતા રહેશે. ઈ-બૉન્ડ સિસ્ટમ લાગુ કરનારું મહારાષ્ટ્ર ભારતમાં સોળમું રાજ્ય બન્યું છે.


