નવી સમયમર્યાદા પછી નિયમનું ઉલ્લંઘન કરનાર વિરુદ્ધ સખત કાર્યવાહી કરવામાં આવશે
ફાઇલ તસવીર
મહારાષ્ટ્ર સરકારે વાહનોની હાઈ-સિક્યૉરિટી રજિસ્ટ્રેશન પ્લેટ (HSRP) માટેની સમયમર્યાદામાં વધારો કર્યો છે. રાજ્યના ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટના કમિશનરે ૨૦૧૯ની પહેલી એપ્રિલ અગાઉ રજિસ્ટર થયેલાં વાહનો પર HSRP લગાવવાની સમયમર્યાદા વધારીને ૧૫ ઑગસ્ટ સુધી કરી છે. નવી સમયમર્યાદા પછી નિયમનું ઉલ્લંઘન કરનાર વિરુદ્ધ સખત કાર્યવાહી કરવામાં આવશે.
અગાઉ ૩૧ માર્ચની સમયમર્યાદાને એપ્રિલ સુધી લંબાવવામાં આવી હતી અને ત્યાર બાદ જૂન મહિનાના અંત સુધીમાં તમામ વાહનોને હાઈ-સિક્યૉરિટી રજિસ્ટ્રેશન પ્લેટ લગાવવાનો આદેશ આપવામાં આવ્યો હતો.
વાહનનો ઇલેક્ટ્રૉનિક રેકૉર્ડ ધરાવતી ઍલ્યુમિનિયમની હાઈ-સિક્યૉરિટી રજિસ્ટ્રેશન પ્લેટમાં અશોક ચક્રનો હોલોગ્રામ પણ હોય છે તેમ જ લેસરયુક્ત સિરિયલ નંબર પણ હોય છે. એને કારણે વાહનોના નંબર સાથે કોઈ પણ પ્રકારની છેડખાની થઈ શકતી નથી. વાહનને લગતા ગુનાઓ પર કાબૂ મેળવી શકે એ માટે સરકારે હાઈ-સિક્યૉરિટી રજિસ્ટ્રેશન પ્લેટ દરેક વાહન પર લગાવવાનો નિયમ લાગુ કર્યો છે.
ADVERTISEMENT
૨.૧૦ કરોડ વાહનોએ HSRP લગાવવાની છે
ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટના અંદાજ મુજબ રાજ્યમાં ૨૦૧૯ની પહેલી એપ્રિલ પહેલાં રજિસ્ટ્રેશન થયું હોય એવાં ૨.૧૦ કરોડ વાહનો છે. એમાંથી છેલ્લા ૬ મહિનામાં ૨૩ લાખ વાહનો પર HSRP લગાવવામાં આવી છે. રાજ્યમાં આશરે ૪ કરોડ વાહનો છે જેમાંથી ૨.૧૦ કરોડ વાહનો પર HSRP લગાવવા માટે ત્રણ કંપનીઓને કૉન્ટ્રૅક્ટ આપવામાં આવ્યો છે. HSRP મેળવવા માટે ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટની વેબસાઇટ પરથી અપૉઇન્ટમેન્ટ લેવાની રહેશે.

